વડોદરા : જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા સીમલીયા, અકોટી સહિતના અન્ય ગામોમાં નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરવા માટે નર્મદા નિગમ દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી 1989માં હાથ ધરવામાં આવી હતી. જેથી ખેડૂતોએ 4500 એકર જમીન કેનાલો માટે આપી હતી તે વખતે એક એકર દીઠ રૂ.23,000 ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

જો કે 1991માં નર્મદા નિગમેં જમીનનો કબજો લઈ પેમેન્ટ કર્યું હતું. પરંતુ આ રકમ ઓછી છે તેમ રજૂઆત કરી ખેડૂતો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા હતા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ડભોઇ કોર્ટને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. 2019 માં ડભોઇ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેનાથી નારાજ થઈ ખેડૂતો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટ દ્વારા છ માસમાં જમીનની રકમ નક્કી કરી વળતર ચૂકવવા માટે ડભોઇ કોર્ટને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. જેના આધારે ડભોઇ કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમના આધારે રકમ જે નક્કી થઈ હતી.

તે મુજબ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને રકમ નહીં ચૂકવાતા. અગાઉ કોર્ટ દ્વારા વડોદરામાં સેન્ટ્રલ જેલની સામે આવેલ નર્મદા નિગમની બહુમાળી ઈમારતમાં જપ્તી માટે ટીમ પહોંચી ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ તારીખ 21-2-25 સુધી નાણાં જમા કરાવી દઈશું તેવી બાહેધરી આપી હતી. પરંતુ નર્મદા નિગમ દ્વારા રૂપિયા કોર્ટમાં જમા નહીં કરાવતા આખરે ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી. જેના આધારે આજે વડોદરા સિવિલ કોર્ટના બે બેલીફ તેમના સ્ટાફ સાથે બપોરના સમયે નર્મદા નિગમની ઓફિસે પહોંચી ગયા હતા. સરકારી કર્મચારીઓની સાથે ડભોઇથી આવેલા ખેડૂતો પણ હતા કોર્ટના બેલીફ દ્વારા નર્મદા નિગમના સીઈઓ અમિત અરોરાની ખુરશી સહિતનો ફર્નિચરનો સમાન કોર્ટના હુકમ મુજબ જપ્ત કર્યો હતો.


Reporter: admin







