વડોદરાના માથે પુરનું સંકટ મંડરાઈ રહ્યું છે.ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દેતા શહેરમાં પૂરનું સંકટ આવશે તેવી શક્યતાઓ છે.
ગતરોજ સવારથી જ શહેરમાં મેઘરાજાએ જાણેકે વલ્ડકપમાં બેટીંગ કરી રહ્યા હોય તે રીતે બેટીંગ કરતા શહેરના અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે. વડોદરાવાસીઓ હાલત કફોડી બની છે. ત્યારે આ બધા વચ્ચે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર ચિંતિત બન્યું છે. વિશ્વામિત્રી નદી 27 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના સયાજીગંજ વિસ્તારના જામવાડી, નવીનગરી, પરશુરામ ભઠ્ઠામાં ઘરોમાં પાણી ભરાયા છે.
ધોધમાર વરસાદના પગલે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે કેટલાય લોકો બેઘર થયા છે. સાથે જ ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ ભારે નુકશાન થયું છે.ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક ઘરોમાં પાણીમાં ગરકાવ થઇ જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે અનેક સ્થળોએ પાણી ભરાવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Reporter: admin