કોટિયા પ્રોજેક્ટ સમયસર વળતર ન આપે તો પીડિતો કન્ટેમ્પ્ટ અરજી કરી શકશે...
કોટિયા પ્રોજેક્ટ દ્વારા વળતરના ત્રણ હપ્તા 30 મે સુધી જમા કરાવવાના...
હરણી બોટ કાંડમાં થયેલી રિટની સુનાવણીમાં કોટિયા પ્રોજેક્ટ્સ તરફથી વળતરની ચુકવણીના મામલે વિવિધ પ્રકારની રજૂઆતો થતાં હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. સાથે જ કોટિયાની રિવ્યૂ અરજી રદ કરી હતી અને ટકોર કરી હતી કે,કોટિયા પ્રોજેક્ટ સમયસર વળતર ન આપે તો પીડિતો કન્ટેમ્પ્ટ અરજી કરી શકશે.

સુનવણી દરમિયાન કોટિયા પ્રોજેક્ટ્સ તરફથી એક નવા એડવોકેટ ઉપસ્થિત થયા હતા. જેમણે હાઇકોર્ટના વળતર ચૂકવવાના હુકમ સામે રિવ્યુ અરજી દાખલ કરી હતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કોટિયા પ્રોજેક્ટ તરફથી એક પણ હપ્તો પીડિતો માટે જમા કરાવ્યો નથી. પીડિતો કલેક્ટર ઓફિસ આવીને ધક્કા ખાઈને જાય છે. કોટિયા પ્રોજેક્ટના વકીલે રજૂઆત કરી હતી કે તેઓ નક્કી થયેલ વળતરની રકમના 25% રકમ જ ચૂકવી શકે તેમ છે. હાઇકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા માટે હપ્તાની સુવિધા આપવામાં આવી હોવા છતાં પણ તેઓ વળતર આપવામાં આનાકાની કરી રહ્યા છે. કોટિયા પ્રોજેક્ટ વતી ઉપસ્થિત થયેલા નવા વકીલે એવી રજૂઆત કરી હતી કે અગાઉના વકીલે તેમના અસીલને પૂછ્યા વગર જ તમામ વળતર ચૂકવવા અંગે હા પાડી દીધી હતી. તેઓ માત્ર 25 ટકા જ વળતર ચૂકવશે, બાકીનું 75 ટકા વળતર વડોદરા મહાનગરપાલિકા, ઇન્સ્યોરન્સ કંપની વગેરે સંકળાયેલા પક્ષકારો દ્વારા ચુકવવામાં આવે. જો કે હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટના વકીલને ટકોર કરી હતી કે વકીલે તેના અસીલને પોતાની સાથે રમત રમવા દેવી જોઈએ નહીં. કોટિયા પ્રોજેક્ટ દ્વારા વળતરના ત્રણ હપ્તા 30 મે સુધી જમા કરાવવાના છે. હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી જો અગાઉના વકીલે પોતાના અસીલની સંમતિ વિના વળતર અંગે હા પાડી હોય તો તે કોર્ટ સમક્ષ આવીને એફિડેવિટ કરે. કોર્ટના રેકોર્ડમાં ભૂલ હોઈ શકે નહીં. આ સાથે જ કોર્ટે કોટિયા પ્રોજેક્ટને રિવ્યૂ એપ્લિકેશન હાઇકોર્ટે નકારી કાઢી હતી. તેમજ કોટીયા પ્રોજેક્ટ દ્વારા તેના ફ્રીઝ થયેલા એકાઉન્ટ ખોલવાની માંગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું તેના માટે જે તે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવી પડે. જો કોટિયા પ્રોજેક્ટ સમયસર વળતર ચૂકવવામાં નિષ્ફળ નિવડશે તો પીડિતો હાઇકોર્ટમાં કન્ટેમ્પ અરજી દાખલ કરી શકશે. આ મુદ્દે વધુ સુનવણી વેકેશન બાદ યોજાશે

માત્ર 25 ટકા વળતર ચુકવશે તેવી રિવ્યુ પિટીશન હતી...
રિવ્યુ પિટીશન હતી કે ખાલી 25 ટકા જ ભરી શકીએ છીએ તેવી કોટીયા પ્રોજેક્ટ દ્વારા રજૂઆત કરતી પિટીશન દાખલ કરાઇ હતી પણ હાઇકોર્ટે આ પિટીશન રદ કરી દીધી છે.
હિતેશ ગુપ્તા, પીડિતોના એડવોકેટ
ટાઇમ પાસ કરી રહ્યા છે
9 તારીખે હાઇકોર્ટમાં સુનાવણી હતી તેમાં રિવ્યુ પીટીશન રદ કરાઇ છે. મારુ માનવું છે કે આરોપીઓ ટાઇમ બગાડે છે. આ તો આટલો હોબાળો થયો એટલે સરકારે સ્ટેન્ડ લીધું. પહેલાં જ્યારે વકીલ કબુલી લે અને 4 હપ્તા કરવાની વાત કરે છે ત્યારે તે કશુ બોલતા નથી અને હવે નવો વકીલ મુક્યો છે. સમય વીતવાવા પ્લાન હતો. હપ્તા ના ભરો અને હાથ ઉંચા કરો સમય પસાર થવા દો..
આશિશ જોશી, કોર્પોરેટર

Reporter: admin







