ભારતમાં દર વર્ષે તા.૨૫ મી જાન્યુઆરીએ મતદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને નાગરિકોને તેમના મતાઅધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની મેનેજમેન્ટ સ્ટડીઝ ફેકલ્ટી સ્થિત પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ દિવસનો હેતુ મતદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપી દેશમાં લોકશાહીને મજબૂત કરવાનો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકોને ચૂંટણી પ્રક્રિયા, મતદાર નોંધણી અને મતદાન કરતી વખતે જાણકાર નિર્ણય લેવાના મહત્વ વિશે શિક્ષિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ દિવસ લાયક મતદારો માટે તેમની મતદાર નોંધણીની સ્થિતિ ચકાસવા અને જો જરૂરી હોય તો તેમની વિગતો અપડેટ કરવા માટે રીમાઇન્ડર તરીકે પણ કામ કરે છે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ મતદાનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી સૌને મહત્વપૂર્ણ મતાધિકારનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. વધુમાં ભારત એક માત્ર એવો દેશ હોવાની વાત કરી જ્યાં લોકોને શરૂઆતથી જ મતદાનનો અધિકાર મળે છે.

વધુમાં હિરપરાએ ,જિલ્લા કલેક્ટર બીજલ શાહને લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રેક્ટિસનો એવોર્ડ મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે એમ.એસ. યુનિવર્સીટીના કેમ્પસ એમ્બેસેડરને ચૂંટણી દરમિયાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અસાધારણ કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.વડોદરામાં લોકશાહીમાં મતદાનનું મહત્વ દર્શાવતા દિવસની ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ ERO, શ્રેષ્ઠ AERO, સ્વિપ કોર્ડીનેટર , શ્રેષ્ઠ નાયબ મામલતદાર, શ્રેષ્ઠ કારકુન, શ્રેષ્ઠ બી.એલ.ઓ. સુપરવાઈઝર, શ્રેષ્ઠ બી.એલ.ઓ. તથા શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રથમવાર મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સર્વે મતદાન કરવા તથા અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ, SVEEP સંયોજક ડો. સુધીર જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, બીએલઓ, સુપરવાઈઝર, કેમ્પસ એમ્બેસેડર અને પ્રથમ વખતના મતદારો ઉપસ્થિત રહ્યા હતા.





Reporter: admin







