News Portal...

Breaking News :

૧૫૦ વર્ષ જૂની કોઠી કચેરી ગમે તે ઘડીએ ભોંય ભેગી થઈ શકે છે

2025-08-26 10:09:35
૧૫૦ વર્ષ જૂની કોઠી કચેરી ગમે તે ઘડીએ ભોંય ભેગી થઈ શકે છે


માત્ર ભયજનક લખવાથી જ સરકારની જવાબદારી પુરી થઈ જતી નથી.તાત્કાલિક રીનોવેશનનું કામ હાથ ઉપર લેવું પડે
કોઠી કચેરીનાં ભયજનક બિલ્ડીંગનાં બોર્ડ પાસે જ સરકારી ઓફિસ ધમધમે છે
પ્રવેશ નિષેધના બોર્ડની પાસે રોજ હજારો લોકોની અવરજવર



બ્રિટીશ શાસનકાળ દરમિયાન બનેલી આટલી સુંદર ઈમારતને જાળવવામાં વડોદરાનું સરકારી તંત્ર સદંતર નિષ્ફળ 
વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી એટલે કે, કોઠી કચેરીમાં એક તરફ ભયજનકના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને બીજી તરફ આ જ બિલ્ડીંગમાં કેટલીય સરકારી કચેરીઓ ધમધમી રહી છે. અહીં પ્રવેશ-નિષેધના બોર્ડની પાસેથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે. તેમ છતાંય કોઈ કશું કરવા તૈયાર નથી. અહીં લોકોની મૌજુદગી શંકા ઉપજાવે છે કે શું કોઠી બિલ્ડીંગમાં ભયજનક બિલ્ડીંગના બોર્ડ અમસ્તા જ માર્યા છે કે, પછી ખરેખર આ ઈમારત જર્જરિત અને ભયજનક છે ? ખેર, સવાલ તો ઘણા ઉપસ્થિત થાય છે. વડોદરામાં સરકારી તંત્રની કાર્યશૈલી આવી જ છે. અહીંના અધિકારીઓ પોતાના ગળામાંથી ગાળિયો કાઢવામાં પાવરધા છે અને એટલે જ કોઠી કચેરીમાં એક તરફ ભયજનક બિલ્ડીંગનું બોર્ડ મારવામાં આવે છે. બીજી તરફ એની અંદર જ સરકારી દફતરો ધમધમી રહ્યા છે. એક તરફ પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવામાં આવે છે અને એની બાજુમાં જ હજારો લોકોની અવરજવર થવા દેવાય છે. કોઠી બિલ્ડીંગને જોઈને એવો સવાલ જરુર થાય કે, આવી વૈભવી અને જાજરમાન ઈમારત કોણે અને ક્યારે બનાવી હશે ? તમને જાણીને આશ્ચર્ય થશે પણ ઈંગ્લિશ એલિવેશન સાથેની આ વૈભવી અને જાજરમાન ઈમારતનું બાંધકામ બ્રિટીશ શાસનકાળ દરમિયાન થયુ હતુ. વર્ષ ૧૮૭૬માં કોઠી બિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગઈ હતી. જે તે સમયે તેમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એજન્ટો રહેતા હતા. જો કે, થોડા વર્ષો બાદ એજન્ટોના રહેવા માટે ફતેગંજ વિસ્તારમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઠી બિલ્ડીંગમાં બરોડા સ્ટેટના વહિવટી કામો માટેની ઓફિસો શિફ્ટ કરવામાં આવી હતી. ત્યારથી એન્ નામ કોઠી કચેરી તરીકે પ્રખ્યાત બન્યુ હતુ. વર્ષ ૧૮૭૬થી અડિખમ ઉભેલું કોઠી કચેરીનું આ ભવ્ય સ્ટ્રક્ચર પણ કાળજી, માવજત અને સમારકામને અભાવે જર્જરિત બની ગયુ છે અને હાલમાં એવી સ્થિતિ છે કે, એમાં ભયજનક બિલ્ડીંગ અને પ્રવેશ-નિષેધ જેવા મોટા, દેખાય એવા બોર્ડ લગાવવા પડ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જ્યારે આ ઈમારતમાં જિલ્લા કલેક્ટર કચેરી ચાલતી હતી. તે સમયે જો ધીરેધીરે એનું સમારકામ શરુ કરવામાં આવ્યુ હોત તો કદાચ એની સ્થિતિ આટલી કથળી ના હોત. અહીં ફરી એ જ વાત સાચી પડે છે કે, મફતમાં મળેલી વસ્તુની કોઈને કદર હોતી નથી. કોઠી કચેરીના નિર્માણમાં આજના નાગરિકો કે, અધિકારીઓએ કોઈ જ યોગદાન આપ્યુ નથી એટલે એની કોઈને કદર નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ આજની તારીખમાં કોઠી કચેરીની અડધો અડધ ઈમારત જર્જરિત છે. કેટલીક જગ્યાએ વરસાદનું પાણી ટપકે છે તો કેટલાક સ્થાને છતના પોપડા ઉખડી ગયા છે. કેટલીક ઓફિસોમાં તો એટલી તિરાડો પડી છે કે એને જોઈને ડર લાગે. તેમ છતાંય આવી ઐતિહાસીક ઈમારતને જાળવવામાં અને સાચવવામાં કોઈને રસ નથી. અને તેને પરિણામે જ વડોદરાને આવી સુંદર, આકર્ષક અને આર્કિટેક્ચરની બેમીસાલ કલાકૃતિ આજે ખતરામાં છે. અને આપણે મૂકપ્રેક્ષક બનીને બધુ જોયા કરીએ છીએ.

ઐતિહાસીક કોઠી કચેરીનું સમારકામ ક્યારે થશે ? 
તાજેતરમાં જ રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લા અને શહેરના પ્રબુધ્ધ નાગરિકોએ હેરિટેજ વોકનો કાર્યક્રમ કર્યો હતો. આ હેરિટેજ વોકની શરૂઆત વડોદરાની વૈભવી ઈમારતોથી થઈ હતી. જેમાં સૌથી પહેલો નંબર કોઠી કચેરીનો હતો. હેરિટેજ વોકમાં ભાગ લેનારા વિદેશી તથા રાજ્ય બહારના લોકો કોઠી કચેરીનું બાંધકામ જોઈને દંગ રહી ગયા હતા. જ્યારે બીજી તરફ કેટલાક લોકો એની દુર્દશા જોઈને અચંબિત થઈ ગયા હતા. આટલી સુંદર અને આકર્ષક ઈમારતને આટલી ખરાબ સ્થિતિમાં લાવવા પાછળ વડોદરાનું સ્થાનિક સરકારી તંત્ર જ જવાબદાર છે. 



વડોદરાની કોઠી કચેરી સ્કોટલેન્ડના કિલ્લાની પ્રતિકૃતિ છે 
વર્ષ ૧૮૭૬માં બ્રિટીશ આર્કિટેક્ટ એ એચ કોયલેએ વડોદરાની કોઠી બિલ્ડીંગની ડિઝાઈન બનાવી હતી. હકીકતમાં વડોદરાની કોઠી કચેરીને સ્કોટલેન્ડના બાલમોરલ કિલ્લાની પ્રતિકૃતિ તરીકે ઉભી કરવામાં આવી હતી. આશરે ૮૦ હજાર ચોરસ ફૂટ જગ્યામાં કોઠી બિલ્ડીંગ બનાવવા માટે જે તે સમયે રૂપિયા ચાર કરોડનો ખર્ચ થયો હતો.આખીય ઈમારતમાં મોટાભાગે લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે તે સમયે કોઠી કચેરીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એજન્ટો રહેતા હતા. ત્યારપછી એમાં બરોડા સ્ટેટનું વહિવટી કાર્ય શરુ કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૨૨ સુધી અહીં બરોડા સ્ટેટની વહિવટી કચેરીઓ કાર્યરત હતી. ત્યારપછી લગભગ ૪૦ વર્ષ સુધી અહીં કોઈ કામ થતુ ન હતુ. વર્ષ ૧૯૬૦માં અહીં વડોદરા કલેક્ટર કચેરી શરુ કરવામાં આવી હતી. એક જમાનામાં બરોડા સ્ટેટના લગભગ બધા જ ઉચ્ચ અધિકારીઓ અહીં બેસતા હતા. આવી ઐતિહાસીક જગ્યાને ખંડેર બનતા તરફ પ્રયાણ કરી ચુકી છે. 

અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે કોઠી કચેરીમાં ઘણી વખત આગ લાગી છે 
સરકારી અધિકારીઓની ધરાર બેદરકારીને લીધે કોઠી કચેરીમાં ઘણી વખત આગ લાગવાના બનાવો પણ બન્યા છે. વર્ષ ૨૦૨૩ના નવેમ્બર મહિનામાં એક યુવકે કોઠી કચેરીના જમીન સંપાદન વિભાગ અને મધ્યાહન ભોજન યોજનાની ઓફિસને આગ ચાંપી દીધી હતી. આ આગને લીધે કોઠી કચેરીને ઘણું નુકસાન પહોંચ્યુ હતુ. વર્ષ ૨૦૨૧માં પણ કોઠી કચેરીમાં આગનો બનાવ બન્યો હતો. તે વખતે જિલ્લા કલેક્ટરની ઓફિસની પાસે જ આગ ફેલાઈ હતી. જેમાં કેટલાક મહત્વના દસ્તાવેજો અને લાકડાના ફર્નિચર સ્વાહા થઈ ગયુ હતુ. વર્ષ ૨૦૧૭માં પણ કોઠી કચેરીમાં આગનો બનાવ નોંધાયો હતો. આમ, આટલી ઐતિહાસીક ઈમારતને ઘણી વખત મોટું નુકસાન પહોંચ્યુ હતુ. છતાંય એના સમારકામ તરફ કોઈએ ધ્યાન આપ્યુ ન હતુ. જેને લીધે હવે બિલ્ડીંગની દિવાલો ઉપર પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવાનો વારો આવ્યો છે.

Reporter: admin

Related Post