કોન્ટ્રાક્ટરે માનીતા અધિકારીઓના આશિર્વાદથી રસ્તાનું તકલાદી કામ કરી દીધું, પુરાણના કામે કોર્પોરેશનમાંથી વધુ પૈસા ખંખેરી લેવામાં આવશે...

સ્માર્ટ સીટી વડોદરાના સ્માર્ટ એન્જિનીયરોના કારણે હવે વડોદરા શહેરના નાગરીકોને કોઇ પણ ઋતુમાં રસ્તામાં પડેલા ભૂવાના દર્શન થઇ જાય છે. વડોદરાનો વિકાસ બતાવતો અને વડોદરા મહાનગરની સુંદર અને સ્માર્ટ વહીવટની કામગીરીનો નમૂનો તેમને વાઘોડીયા રોડ પર કલાદર્શન થી ડી માર્ટ તરફના જવાના રસ્તે જોવા મળી શકે છે. તમને ભરઉનાળે વાઘોડીયા રોડ પર કલાદર્શનથી ડી માર્ટ તરફ જતા રોડની વચ્ચે પડેલો ભૂવો જોવા મળી શકશે. આમ તો શહેરીજનો ચોમાસામાં જ ભૂવાના દર્શન કરતા હોય છે પણ સ્માર્ટ એન્જિનીયરો અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો તમને કોઇપણ ઋતુમાં ભૂવાના દર્શનનો લ્હાવો આપી દેશે તેની અમે ખાતરી આપીએ છીએ.

ચોમાસામાં તો શહેરમાં ઠેર ઠેર રસ્તા પર મોટા ખાડા અને ભૂવાનું નિર્માણ થઇ જ જાય છે પણ હજું તો ઉનાળાની શરુઆત થઇ છે અને ચોમાસાને બે મહિના બાકી છે પણ કલાદર્શનથી ડી માર્ટ તરફના રસ્તે ભૂવો પડી ગયો છે. રસ્તાના પુરાણના કામમાં ભ્રષ્ટાચાર ના કારણે આ ભૂવો પડ્યો છે.કોન્ટ્રાક્ટરે તો પોતાના માનીતા અધિકારીઓના આશિર્વાદથી રસ્તાનું તકલાદી કામ કરી દીધું અને હવે ભુવો પડતાં હવે પુરાણના કામે કોર્પોરેશનમાંથી વધુ પૈસા ખંખેરી લેવામાં આવશે પણ આ ભૂવાના કારણે સ્થાનિકોને તકલીફ કેટલી પડશે તેન કોઇને અંદાજ નથી.રસ્તાનું પુરાણ કરતી વખતે યોગ્ય કામ થયું નથી તેનો આ પુરાવો છે. હવે આ કામ કરનારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએ અને જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ.
Reporter: admin







