દુબઈઃ ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડને રોમાંચક ફાઇનલમાં છ બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ ફરી એકવાર જીતી લીધો હતો. 2013 બાદ ભારત પાછું આ વન-ડે આઇસીસી ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યું છે.

બીજા જ બૉલમાં સિક્સર ફટકારીને ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરનાર કૅપ્ટન અને પ્લેયર ઑફ ધ ફાઇનલ રોહિત શર્મા (76 રન, 83 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. ભારત 2024માં ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર બાદ હવે આઠ મહિને ચૅમ્પિયન્સ ટ્રોફીની બહુમૂલ્ય ટ્રોફી જીત્યું છે.રોહિત શર્મા તથા વિરાટ કોહલી જીત્યા બાદ મેદાન પર સ્ટમ્પથી દાંડિયા રમ્યા હતા અને કરોડો ટીવી દર્શકોના તેમણે દિલ જીતી લીધા હતા.દુબઈમાં ભવ્ય સેલિબ્રેશન થયું હતું.

રચિન રવીન્દ્રને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.ટીમ ઇન્ડિયાને 19.45 કરોડ રૂપિયાનું સર્વોચ્ચ ઇનામ મળ્યું હતું. રનર-અપ ન્યૂ ઝીલૅન્ડને 9.72 કરોડ રૂપિયા મળ્યા છે.વીઓના કેટલાક કૅચ છૂટ્યા બાદ ભારતને જીતવા 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઇન્ડિયાએ 49 ઓવરમાં છ વિકેટે 254 રન બનાવીને વિજય મેળવ્યો હતો. વિકેટકીપર કેએલ રાહુલ 34 રને અણનમ રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (નવ અણનમ)એ વિનિંગ ફોર ફટકારી હતી.
Reporter: admin







