News Portal...

Breaking News :

દિવાળીનો તહેવાર જરુરિયાતમંદ લોકો પણ માણી શકે તે માટે છેલ્લા સાત વર્ષથી સતત તે દિશામાં સેવાકાર્ય કરતી ટીમ ગબ્બર

2024-10-04 14:16:34
દિવાળીનો તહેવાર જરુરિયાતમંદ લોકો પણ માણી શકે તે માટે છેલ્લા સાત વર્ષથી સતત તે દિશામાં સેવાકાર્ય કરતી ટીમ ગબ્બર


દિવાળીનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ (અજવાળા)નો પર્વ સમગ્ર ભારતમાં તથા વિદેશમાં વસતા ભારતીયો દિવાળીના પર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક, ધામધૂમથી ઉજવતા હોય છે.


આ હિન્દુ પર્વની ઉજવણી નાના મોટા સૌ કોઇ પોતાની રીતે મનાવતા હોય છે સાથે જ હિન્દુ નવવર્ષ ને આવકારે છે ત્યારે ઘણાં એવા પણ પરિવારો છે જેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા છે ઘણાંને તો એક ટાઇમના ભોજન માટે પણ વાંધા છે ત્યારે તેઓ દિવાળી કેવી રીતે ઉજવી શકે? વડોદરા શહેરના એક યુવાન કૃણાલ પટેલ આજથી છ વર્ષ અગાઉ જ્યારે અન્ય યુવાનોની માફક પોતાના યુવા મિત્રો સાથે દિવાળીની ઉજવણી આતશબાજી થકી કરવા માટે ઉત્સાહભેર ફટાકડા ખરીદવા બજારમાં ગયા ત્યારે ખરીદી કરતી વખતે રસ્તામાં તેમની અને તેમના મિત્રોની નજર એક કચરાપેટી પર પડી જ્યાં એક વૃધ્ધ એ પેટીમાં કોઇએ ફેંકેલુ જમવાનું શોધી એમાંથી કંઈક ખાઇ રહ્યાં હતાં અને સાથે જ પોતાની પાસેની થેલીમાં એમાંથી જમવાનું મૂકી પણ રહ્યાં હતાં આ દ્રશ્ય નિહાળી રહેલા યુવા કૃણાલ પટેલ અને તેમના મિત્રોના હ્રદયને હચમચાવી ગયું. તેઓએ વૃદ્ધ પાસે જ ઇ પૂછતાં એકવાર તો તે વૃધ્ધ જાણે કોઇ મોટી ચોરી કરી હોય તેમ ડઘાઇ ગયા અને હાથજોડી ત્યાંથી જવા લાગ્યા આ જોઇ કૃણાલ પટેલ અને તેમના મિત્રોએ તેમને પીવાનું પાણી આપી પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે તેઓ પાસે દિવાળી પર્વે કપડાં કે જમવાનું નથી તેઓ પોતાના નાના પૌત્રો માટે કચરામાં કોઇએ મીઠાઈ કે કંઈક ફેંકી દીધું હોય તો તેઓ માટે શોધીને લ ઇ જવા તથા પોતાનું પેટ ભરવા અહીં આવ્યા હતા. આ જાણીને યુવાન કૃણાલ પટેલ અને તેમના મિત્રોના હ્રદય દ્રવી ઉઠ્યા અને તેમણે વિચાર્યું કે આપણે સૌ દિવાળીમાં ફટાકડા, મિઠાઇઓ, કપડાં, પગરખાં સહિતના શોખ પાછળ ઘણો ખર્ચ કરી પૈસાના ધૂમાડા કરી રહ્યા છીએ તેના કરતાં દિવાળી પર્વે અને તહેવારો પર જરુરિયાતમંદ લોકો માટે કંઈક કરીએ તો જીવન સાર્થક બને અને આ જ વિચાર ને અમલમાં મૂકી કૃણાલ પટેલે પોતાના વિચારો મિત્રો સમક્ષ મૂક્યા અને મિત્રોનું ગૃપ એકબીજા સાથે મળીને શરુઆતમાં જ દોઢસો લોકોનું બની ગયું અને આ ગૃપને નામ આપવામાં આવ્યું ટીમ ગબ્બર 


આ ટીમ ગબ્બર દ્વારા 7વર્ષ પહેલાં શરુ થઇ સેવાકીય પ્રવૃત્તિ જેને દિવાળીમાં નામ આપવામાં આવ્યું 'ખુશીઓના બોક્સ' નું પોતાના મિત્રો સાથે વર્ષ દરમિયાન ની પોકેટ ખર્ચની બચતને તે મિત્રોએ જરુરિયાતમંદ પરિવારોની સેવા માટે વાપરવાનું નક્કી કરી દિવાળી પર્વે આ 'ખુશીઓના બોક્સ' માં મિઠાઇઓ, ફરસાણ, દિવડાં, કપડાં, પગરખાં વિગેરે મૂકી જરુરિયાતમંદ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું. ટીમ ગબ્બરની આ સેવાકીય પ્રવૃત્તિથી અન્ય યુવાનો પ્રેરાઈને એમાં જોડાતાં ગયા અને દોઢસો યુવાનોના બનેલા આ 'ટીમ ગબ્બરમા' આજે સાતસો લોકો જોડાઇ ચૂક્યા છે અને સમગ્ર ગુજરાતમાં 24 જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ થકી સમાજને કંઈક મદદરૂપ થકી એક રીતે રાષ્ટ્ર સેવા કરી રહ્યાં છે. દર દિવાળી તથા અન્ય તહેવારોની સાથે સાથે ટીમ ગબ્બર દ્વારા કોરોનાકાળ જેવા કપરા સમયે પણ જરુરિયાતમંદ પરિવારો માટે ભોજન, રાશનની સેવાઓ આપી હતી. ટીમ ગબ્બર ની આવી સેવાકીય પ્રવૃત્તિ સંપૂર્ણ નિ:સ્વાર્થ હોય છે અને તેથી જ આજે ઘણાં દાતાઓ પણ ટીમ ગબ્બરને આર્થિક રીતે સહયોગ માટે આગળ આવ્યા છે. ટીમ ગબ્બરના સભ્યો દિવાળીના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને રાજ્યના વિવિધ જિલ્લામાં 'ખુશીઓના બોક્સ' તૈયારીમાં લાગી જાય છે તેઓની એક ટીમ જે તે વિસ્તારોમાં ફરીને જરુરિયાતમંદ પરિવારોના સર્વે કરી લે છે અને ધન તેરસથી દિવાળીની મોડી રાત સુધી જ્યાં એક તરફ અન્ય યુવાનો અને લોકો ફટાકડા, આતશબાજી, ખાણીપીણીનો આનંદ માણી રહ્યાં હોય છે ત્યાં બીજી તરફ ટીમ ગબ્બરના યુવાનો આ બધું બાજુએ રાખી જરુરિયાતમંદ વિસ્તારોમાં જ ઇ જરુરિયાતમંદ પરિવારોને ખુશીઓના બોક્સ નું વિતરણ કરી આ રીતે અનોખી સેવાની સરવાણી વહેંચી ખુશ થાય છે. તદુપરાંત શહેરમાં પૂર જેવી કુદરતી આફતો સમયે પણ ટીમ ગબ્બર સેવામાં તત્પર રહે છે સાથે સાથે ટીમ ગબ્બર જરૂરિયાત મંદ પરિવારો, ફૂટપાથ પરના બાળકો સાક્ષર બને જેથી તેમના પરિવાર અને દેશનું ભાવી ઉજ્જવળ બને તે માટે ફૂટપાથ પર પાઠશાળા ચલાવી રહ્યાં છે. ત્યારે આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ટીમ ગબ્બર દ્વારા કૃણાલ પટેલની આગેવાનીમાં 'ખુશીઓના બોક્સ ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ફરી એકવાર આ દિવાળીએ જરુરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીઓના પ્રકાશને લાવવા માટે તૈયાર થઇ ગયા છે.

Reporter: admin

Related Post