મુંબઈ : દેશના મુખ્ય શહેરોના ઊંચી આવક સાથેની વ્યક્તિઓ તથા કંપનીઓ મળીને કુલ ૧૦,૦૦૦ કેસોમાં આવકવેરા વિભાગે રિઓપનિંગ નોટિસો પાઠવી હોવાનું સૂત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.
આ કરદાતાઓએ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ભરેલા આવક વેરા રિટર્નમાં તેમની આવકમાં તફાવત જણાતા આ નોટિસો પાઠવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.૨૦૧૮-૧૯ના એસેસેમેન્ટ વર્ષ માટે કેસો રિઓપનિંગ કરવાની અંતિમ તારીખ વર્તમાન વર્ષના ૩૧ ઓગસ્ટ છે. સદર કરદાતાઓએ રૂપિયા ૧૫,૦૦૦ કરોડ જેટલી આવક છૂપાવી હોવાનો વેરા વિભાગને અંદાજ છે. મોટાભાગે મુંબઈ, દિલ્હી, પૂણે, ચેન્નાઈ જેવા શહેરોના કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી હોવાનું વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
ટેકસ બચાવવા કરદાતાઓએ બોગસ ડોનેશનો પૂરા પાડયા હોવાનું તથા વિદેશમાં ઊંચા મૂલ્યના વ્યવહાર કર્યાનું પણ જણાયું છે. કેટલાક કિસ્સાઓમાં તો એનજીઓની ભૂમિકા પણ સામે આવી છે. કમિશન મેળવવાની લાલચમાં આ એનજીઓએ ડોનેશન સ્વીકાર્યા હોવાની શંકા છે. બેન્કો, નાણાં સંસ્થાઓ, જ્વેલર્સ, સ્ટોક બ્રોકર્સ તથા રિઅલ એસ્ટેટ કંપનીઓ દ્વારા અપાયેલી માહિતીને આધારે કેસો રિઓપન કરવામાં આવી રહ્યા છે. નાણાં સ્વીકારનારી આ કંપનીઓ અને કરદાતા દ્વારા પૂરી પડાયેલી માહિતીમાં વિસંગતતા જણાઈ રહી હોવાનું પણ વિભાગના સુત્રોએ દાવો કર્યો હતો.
Reporter: admin