News Portal...

Breaking News :

તાલિબાનના વિદેશ મંત્રીએ ભારતને સુરક્ષાનું આશ્વાસન આપ્યું

2025-01-09 13:17:58
તાલિબાનના વિદેશ મંત્રીએ ભારતને સુરક્ષાનું આશ્વાસન આપ્યું


દુબઇ : ભારતે અફઘાનિસ્તાન સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બુધવારે 8 જાન્યુઆરીએ દુબઈમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી હતી. 


આ બેઠકમાં રાજકીય અને આર્થિક સંબંધો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, ભારત અને અફઘાનિસ્તાનના ઐતિહાસિક સંબંધ છે. ભારતે છેલ્લાં સાડા ત્રણ વર્ષોમાં અફઘાનિસ્તાનને માનવીય સહાય આપી છે અને માળખાગત પ્રોજેક્ટમાં સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઠક દરમિયાન તાલિબાનના વિદેશ મંત્રીએ ભારતને સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે, અફઘાનિસ્તાનથી તેને કોઈપણ પ્રકારનું જોખમ નથી. આ આશ્વાસન ત્યારે આપવામાં આવ્યું જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા તણાવ ટોચ પર છે. 


તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતની તરફથી અફઘાનિસ્તાનને માનવીય સહાય પહોંચાડવા માટે આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, તાલિબાન ભારત સાથે એક મહત્ત્વપૂર્ણ આર્થિક દેશના રૂપે સંબંધ બનાવી રાખવા ઈચ્છે છે. બંને પક્ષોએ ચાબહાર પોર્ટના માધ્યમથી વેપારને વધારવા પર ચર્ચા કરી. આ પોર્ટ ભારત-પાકિસ્તાનની વચ્ચે વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય તાલિબાને ભારતીય વિદ્યાર્થી, વેપારી અને દર્દીઓ માટે વીઝા સંબંધિત સુવિધાઓને વધારવાની માંગ કરી છે. તાલિબાને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, બંને પક્ષ વેપાર અને વીઝાને સુવિધાજનક બનાવવા માટે સંમત થયા છે.

Reporter: admin

Related Post