નાગરિકો સુવિધાઓથી વંચિત : પાલિકા-ઇજારદારોને લીલાલહેર”..
ગ્રાન્ટનો વ્યવહાર ભ્રષ્ટાચારીઓનાં હાથમાં: નિષ્પક્ષ તપાસની જરૂર..
સ્વર્ણિમ ગ્રાન્ટ પર સીધો હસ્તક્ષેપ જરૂરી, નાગરિકો સુવિધાથી વંચીત – કોર્પોરેટર આશિષ જોશી..
પાલિકા દ્વારા માનીતા ઇજારદારોને ફાયદો કરાવવાના હેતુથી ટેન્ડરની શરતો અને ડિઝાઇન બદલાતી હોવાનો આક્ષેપ.
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટ અંગે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવાય તેવી માંગ સાથે વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર આશિષ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે કુલ ૨૮૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટના ચેક આપ્યા હતા, જેમાં વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ બીજા હપ્તા તરીકે ૨૩૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.પત્રમાં વધુમાં જણાવાયું છે કે આ યોજના હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ અંદાજે ૧૧૦૦ થી ૧૨૦૦ કરોડ રૂપિયાના વિકાસ કામો પ્રસ્તાવિત કર્યા હતા, જેની વિગતો સરકારને મોકલવામાં આવી હતી. તેના આધારે સરકારે ૪૫૫ કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી અને તેનો પહેલો હપ્તો ૧૩૫ કરોડ રૂપિયા અગાઉથી જ આપવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે સરકાર શહેરના વિકાસ માટે ચિંતિત છે તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે કરોડોની ગ્રાન્ટ મળ્યા બાદ પણ નાગરિકોને પાણી, ડ્રેનેજ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓમાં ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.આશિષ જોશીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગ્રાન્ટનો યોગ્ય અને યોજનાબદ્ધ ઉપયોગ થાય તો તેનો હેતુ પૂર્ણ થાય, પરંતુ વર્તમાન પત્રો અને પ્રાદેશિક મીડિયામાં પ્રકાશિત થતી માહિતી પરથી એવું લાગી રહ્યું છે કે કામોની ગુણવત્તા, નાગરિકોની સુવિધામાં વધારો થયો કે નહીં અને તકલીફો ઘટી કે નહીં તે અંગે કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન થતું નથી. પરિણામે કરોડો રૂપિયા ખર્ચાયા છતાં તે પાણીમાં જતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે સ્વર્ણિમ ગ્રાન્ટ આવતાં પહેલા જ કામો શરૂ કરી દેવામાં આવે છે અને ચુકવણી પણ થઈ જાય છે !! બાદમાં ગ્રાન્ટ મળ્યા પછી ફક્ત ક્રોસ એન્ટ્રી કરવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા સ્પષ્ટ મિકેનિઝમ ઊભો કરવો જરૂરી છે. સાથે જ તેમણે માંગ કરી છે કે ગ્રાન્ટના કામો માટે ટેકનિકલ સ્પેસિફિકેશન ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે અને કોર્પોરેશનને માત્ર એક્ઝિક્યુશન પૂરતું સોંપવામાં આવે, નહીં તો પાલિકા દ્વારા વહાલા અને માનીતા ઇજારદારોને ફાયદો કરાવવાના હેતુથી ટેન્ડરની શરતો અને ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે છે.
ગ્રાન્ટનાં વપરાશ ઉપર સરકારના ઓબ્ઝર્વર અને ઓડિટરની નિમણૂંક જરૂરી...
સ્વર્ણિમ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ અસરકારક નથી. રોડ, પાણી અને ડ્રેનેજના કામોમાં ગુણવત્તા જળવાતી નથી. તેથી સરકારનો સીધો હસ્તક્ષેપ જરૂરી છે. વિજીલન્સ વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવે અને સરકાર પોતાનો ઓબ્ઝર્વર તથા ઓડિટર નિમે, જેથી બેફામ ખર્ચ પર નિયંત્રણ આવી શકે.
— આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin







