News Portal...

Breaking News :

વડોદરાના ૪૦૬ ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ

2025-11-03 16:27:41
વડોદરાના ૪૦૬ ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ


મુખ્યમંત્રીની સૂચનાને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા નુકસાનીનો સર્વે કરવા માટે ૧૦૭ ટીમોનું ગઠન 



જિલ્લામાં ડાંગર, મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકોને નુકસાન થયું હોવાના તારણ 
વડોદરા જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ માટે ૧૦૭ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ખેતરોમાં જઇને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવે છે. માવઠાને કારણે ખેડૂતોના માથે આવી પડેલી આપત્તિના સમયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વ્હારે આવ્યા છે. તેમણે આ નુકસાનીનો તત્કાલીક સર્વે કરવા માટે સૂચનાઓ આપી હતી. જેના પગેલે ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ઉક્ત ૧૦૭ ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા છે. આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું કે, કમૌસમી વરસાદના પરિણામે વડોદરા જિલ્લામાં ડાંગર, સોયાબીન, મગફળીના પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય પાકો પણ બગડ્યા છે. કાપણીના તબક્કે રહેલા ડાંગર અને મગફળીના પાકોના પાથરા પડ્યા હોવાથી તેમાં જ ઉગી ગયા હોવાનું સર્વેમાં ધ્યાને આવે છે. કપાસ અને મગફળીમાં પણ આવી સ્થિતિ જણાઇ છે. વડોદરા જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તા. ૩ની સ્થિતિને ડભોઇ તાલુકામાં ૭૫, ડેસર તાલુકામાં ૨૮, કરજણમાં ૫૧, પાદરામાં ૫૮, સાવલીમાં ૫૭, શિનોરમાં ૩૦, વડોદરા તાલુકામાં ૫૧, વાઘોડિયા તાલુકામાં ૫૬ મળી કુલ ૪૦૬ ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. વસાવાએ આજે સુખલીપુરા ગામના કેટલાક ખેડૂતોની પણ મુલાકાત લીધી હતી. ગામમાં કેટલાટ ખેડૂતોએ ડાંગર કાપીને ખેતરમાં રાખી હતી. આ ડાંગરના ડુંડા જ ઉગી નીકળ્યા હોવાનું જણાયું હતું. સુખલીપૂરા ગામના સરપંચ શ્રી નવનીતભાઇ પરમારે જણાવ્યું કે, કમૌસમી વરસાદના કારણે ખેડૂતોને તેમના પાકમાં નુકસાન થયું છે. આ બાબતને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તત્કાલીક સર્વે કરવાના આદેશો આપવામાં આવ્યા છે, એ બાબત અમને જાણવા મળી છે. આ આદેશોને પગલે ખેતીવાડી ખાતાની ટીમો દ્વારા અમારા ગામમાં સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તત્કાલ પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે. ગામના એક ખેડૂત નરેન્દ્ર પટેલે કહ્યું કે, મારા ખેતરમાં પડેલા ડાંગરના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે. તે જોવા અને સર્વે કરવા માટે ખેતીવાડી વિભાગની ટીમો ઝડપથી આવી એ સારી વાત છે. 


Reporter:

Related Post