અમદાવાદ તા.૧૦ જૂલાઇ, ૨૦૨૪: મુંદ્રાના નવીનાળ ગામની અદાણી પોર્ટસને ફાળવવામાં આવેલ જમીન ફરીથી જપ્ત કરવા ગુજરાત હાઇકોર્ટે તા.૫મી જુલાઈએ કરેલા હુકમને નામદાર સુપ્રીમ કોર્ટ આજે સ્થગિત કર્યો છે.
૨૦૦૫માં અદાણી પોર્ટસને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી સંબંધી આ બાબત હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી અને આ જમીન પર અદાણી પોર્ટ્સએ એસ.ઇ.ઝેડ.ની સ્થાપના કરી છે. અદાણી પોર્ટસએ ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ ૧૦૦ % બજાર ભાવની ગણતરી અને તેના ઉપર ૩૦% પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરી હતી.
મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પોર્ટસને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ ૨૦૧૧માં ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. આ બાબત ગુજરાત હાઇકોર્ટમાં ૨૦૧૧થી પેન્ડીંગ હતી. ફાળવણીના ૧૮ વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના ૨૦૦૫માં અદાણી પોર્ટસને ફાળવવામાં આવેલી ૧૦૮ હેક્ટર્સથી વધૂ જમીન પાછી લેવા તા.૪થી જુલાઈએ આદેશ જારી કર્યો હતો.
તા.૫મી જુલાઈએ આ બાબતની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.
આથી અદાણી પોર્ટસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઇકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે.
Reporter: News Plus