સાયકલોથોન સંયુક્ત કાર્યક્રમ વડોદરા મહાનગર પાલિકા અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું : ચેરમેન

નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા રવિવારે શહેરમાં એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે મહત્વની વાત એ છે કે આ સાયકલ રેલીનું આયોજન તો કર્યું પણ તેનો ખર્ચો કોણ ભોગવશે? પ્રજાના પૈસાથી તાગડધિન્ના કરવા ટેવાયેલા કોર્પોરેશનના શાસકો પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ કરી રહ્યા છે. સન્ડે ઓન સાયકલનો કન્સેપ્ટ સારો છે. પ્રદૂષણ વાહનોની સમસ્યા અને દરેકના આરોગ્ય માટે એક દિવસ વાહન ના ચલાવીને સાયકલ ચલાવો તો અઢળક ફાયદો થાય. કોર્પોરેશન આ રીતે લાખોનાં ખર્ચે કાર્યક્રમો કરીને તાયફા કરે તેમાં કોને ફાયદો થાય છે તે સવાલ શહેરની જનતા પુછી રહી છે. કોર્પોરેશન શહેરમાં સારા રસ્તા તો બનાવી શકતી નથી તો સામાન્ય માણસ કઇ રીતે સન્ડે ઓન સાયકલ કરશે તે સવાલ પુછાઇ રહ્યો છે. જનતાના ખર્ચે લાખો અને કરોડો રુપિયાના કાર્યક્રમો કરનારા કોર્પોરેશનનાં શાસકોએ પહેલા તો વડોદરા શહેરમાં તમામ વિસ્તારોમાં સારા રસ્તા બનાવવા જોઇએ કે જેના પર સાયકલ સડસડાટ ચાલે. આ રીતે સન્ડે ઓન સાયકલના કાર્યક્રમો કરવા કરતા આટલા જ ખર્ચામાં વડોદરામાં સારા રસ્તા બનાવી શકાય છે. સારા રસ્તા અને સારી માળખાકીય સુવિધાઓ પહેલા લોકોને આપો પછી તેમના આરોગ્યની ચિંતા કરો. અત્યારે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ રહે છે. રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે તો આમાં શહેરીજન સાયકલ કેવી રીતે ચલાવશે. પહેલા સારા રસ્તા બનાવો અને પછી લોકોને સાયકલ ચલાવવા પ્રેરીત કરો પણ ઉત્સવપ્રેમી કોર્પોરેશનના શાસકો કોઇ પણ બહાના કાઢીને આવા ફાલતું કાર્યક્રમો કરતા રહે છે અને તેનું કોઇ અસ્તિત્વ જ રહેતું નથી. તમે લોકોને સારી સગવડ તો આપી શકતા નથી તો આવા કાર્યક્રમોમાં ખોટા ખર્ચા કેમ કરો છો? પહેલા તમારે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવી જોઇએ અને પછી આવા ફાલતુ કાર્યક્રમો કરવા જોઇએ. લાખોનો ખર્ચો કોર્પોરેશનની તિજોરીમાંથી જશે કે પછી કોઇની પાસેથી ખંખરવાનું આયોજન છે તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઇએ. હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોના સળગતા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા આ પ્રકારના કરતૂતો કરાઇ રહ્યા છે. શાસકોએ સમજી લેવું જોઇએ કે તમે ભલે આવા ફાલતુ કાર્યક્રમો કરીને લોકોને લલચાવો પણ લોકો હવે સમજુ થઇ ગયા છે.

કાર્યક્રમ કરતાં પહેલા સ્થાયીમાં દરખાસ્ત તો લાવો
આ કાર્યક્રમ ભલે કોર્પોરેશને કરી નાખ્યો પણ તે કાર્યક્રમના ખર્ચાની દરખાસ્ત સ્થાયીમાં લાવવાની પણ શાસકોએ તસ્દી લીધી નથી. સ્વાભાવિક છે કે નેશનલ સ્પોર્ટ્સ ડે તો વર્ષોથી ઉજવાય છે અને આજના કાર્યક્રમની તો રાતોરાતો ઉજવણી તો નક્કી નહી જ કરાઇ હોય પણ છતાં શાસકોએ સ્થાયીમાં ખર્ચાની દરખાસ્ત લાવી નથી અને કાર્યક્રમ કર્યા પછી હવે દરખાસ્ત લાવી દેશે અને ભાગબટાઇ કરી લેશે.
મેયરને પણ ઈન્વીટેશન કાર્ડ મળ્યું ત્યારે અચાનક ખબર પડી !!
સાયક્લોથોનના કાર્યક્રમ અંગે મેયર ખુદ અજાણ હતા. આવો કોઇ કાર્યક્રમ યોજાયો છે તેની તેમને પણ અંદાજ ન હતો. આ તો સભા સેક્રેટરીએ કાર્ડ મોકલ્યું એટલે તેમને અંદાજ આવ્યો કે આવો કોઇ કાર્યક્રમ પણ છે. જો કે તેમને પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ હોવાથી તે આ કાર્યક્રમમાં ગયા જ ન હતા.સામી ચૂંટણીએ પાલિકાના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદને અચાનક નવી નવી ઇવેન્ટ ગોઠવવાની ઈચ્છા થઈ. અચાનક બધા કલા રસિકો થઈ ગયા અને જન-આરોગ્યનાં રક્ષણ માટેના કાર્યક્રમો આપતા થઈ ગયા. વડોદરાવાસીઓને ખબર છે કે હવે નેતાઓ આરતીમાં, ભંડારામાં, ડાયરામાં,રેલીઓમાં,સ્કુલ- કોલેજનાં કાર્યક્રમોમાં, હોસ્પિટલોના કેમ્પોમાં, ખાતમુહુર્તમાં, ઉદ્ઘાટનોમાં, ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં,જઈને ધ્યાન ભટકાવશે.

Reporter: admin







