સુખલીપુરા જમીન કૌંભાડમાં પકડાયેલા આરોપી કમલેશ દેત્રોજાના ઘરે પોલીસે સર્ચ કર્યું હતું અને તેના ઘરમાં કોઇ દસ્તાવેજો છુપાવેલા છે કે કેમ તે વિશે તપાસ કરી હતી.
બીજી તરફ કમલેશની પૂછપરછ કરવાની સાથે સાથે તેના બેંક ખાતાઓ અને તેના પરિવારના બેંક ખાતાઓ અને મિલકતોની પણ માહિતી મેળવવામાં આવી છે અને તે વિશે તપાસ કરાઇ રહી છે. બીજી તરફ મુખ્ય આરોપી દિલીપ ને પકડવા માટે પણ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે સુખલીપુરાની જમીનના વેચાણ દસ્તાવેજ કરતી વખતે બોગસ જમીન માલિક ઉભો કરી 21 લાખની ઠગાઇ કરવાના ગુનામાં મહત્વના આરોપી કમલેશ દેત્રોજાને પોલીસે ઝડપી લીધો છે અને અદાલત સમક્ષ રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
બે દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ સમગ્ર મામલા અંગે તેની ભૂમિકા વિશે પૂછપરછ કરી રહી છે અને તે અને દિલીપે કઇ રીતે આ ઠગાઇ કરી હતી. મૂળ જમીન માલિકને અંધારામાં રાખ્યો હતો કે કેમ તથા અન્ય કોઇ જમીન માલિક સાથે આ રીતે ઠગાઇ કરી છે કે કેમ તે વિશે પૂછપરછ કરી હતી. બીજી તરફ પોલીસની ટીમે અટલાદરા ખાતે આવેલા કમલેશના મકાનમાં પણ સર્ચ કર્યું હતું અને તેણે ઠગાઇકરીને પડાવેલા પૈસા કે કોઇ દસ્તાવેજો છુપાવેલા છે કે કેમ તેની તપાસ કરી હતી. સાથે સાથે તેના અને તેના પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિઓના બેંક ખાતાઓની પણ માહિતી મેળવીને તેના ટ્રાંજેક્શન પણ ચકાસાઇ રહ્યા છે. તેની મિલકતોની પણ માહિતી મેળવીને ચકાસવામાં આવી રહી છે. જો કે હજું પણ દિલીપનો કોઇ પતો નથી. દિલીપને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગેલી છે.
Reporter: admin