વાહ બાબા ભાઈ..જે કામ વડોદરાના ધારાસભ્યો ના કરી શક્યા તે તમે 2 દિવસમાં કરી બતાવ્યું. જશ લેવામાં તમે માહેર છો. કારણકે કુંભમેળામાં જવા માટે હવે રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરીથી વડોદરાથી જ વોલ્વો બસ શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. જેના માટે તમે 2 દિવસ પહેલાં જ રજૂઆત કરી દીધી હતી. તમને જશ લેવો છે તો અમે આપી પણ દઇએ. કારણકે વડોદરાના ધારાસભ્યો બસ શરુ કરાવી ના શક્યા એટલે સાંસદને મેદાનમાં આવવું પડ્યું.
સાંસદ હેમાંગ જોશીએ કુંભમેળા માટે રાજ્ય સરકારમાં કરેલી ધારદાર રજૂઆતના પગલે સરકાર હલી ગઇ છે અને તેમની રજૂઆતને તાત્કાલીક અસરથી માની લઇને વડોદરાથી બસ શરુ કરી દીધી છે. જે કામ વડોદરાના ધારાસભ્યોએ કરવું જોઇએ તે તમે કરી દીધું. આપણે ત્યાં આ જ તકલીફ છે કે પોતાનું કામ કોઇ કરતું નથી પણ બીજાના કામમાં દખલ અંદાજી કરે છે.બીજાનાં કામમાં ચાંચ મારવી અને જશ લેવો તે પણ એક પ્રકારનો રોગ છે.આવું જ કંઇક સાંસદ મહોદયે કર્યું છે. તેમણે સમજવું જોઇએ કે બસ શરુ કરાવાનું કામ ધારાસભ્યોનું છે. તેમને રાજ્ય સરકારમાં સાથી મંત્રીને રજૂઆત તો કરવા દો..પણ જશ લેવામાં રહી ના જવાય એટલે તેમણે રાજ્ય સરકારને રજૂઆત પણ કરી દીધી. રાજ્ય સરકારે જ્યારે અમદાવાદથી પહેલીવાર કુંભમેળા માટે ખાસ વોલ્વો બસ શરુ કરી ત્યારે જ જાહેરાત કરી હતી કે હવે પછી રાજ્યના અન્ય શહેરોમાંથી પણ આ સુવિધા શરુ કરવામાં આવશે અને મુખ્યમંત્રી તથા વાહનવ્યવહાર મંત્રી અને તેમની સમગ્ર ટીમે અગાઉથી જ આનું પ્લાનીંગ પણ કરી દીધું હતું કે રાજ્યભરના શ્રદ્ધાળુઓને કુંભમેળાનો લાભ મળે એટલે તમામ મહત્વના શહેરોમાંથી કુંભમેળાની ખાસ બસ સુવિધા શરુ કરવી અને તેના ભાગરુપે 4 ફેબ્રુઆરીથી જ માત્ર વડોદરા જ નહીં પણ અન્ય શહેરોમાં જેમકે સુરત અને વડોદરામાંથી પણ શરુ કરી છે. રાજ્યના અન્ય શહેરમાંથી પણ કુંભ માટે બસ સેવા શરુ થઇ ગઇ છે એટલે એમ પણ માની લેવાય કે સાંસદ હેમાંગ જોશીએ એ શહેરો માટે પણ બસ સુવિધા શરુ કરવાની ધારદાર રજૂઆતો કરી જ હશે કારણ કે તે શહેરોના સાંસદ પણ આટલી ધારદાર રજૂઆતો કરવા સમર્થ નહી હોય તેમ માની લઇએ છીએ. જશ લેવામાં ક્યારેય આટલી હોડ ના હોવી જોઇએ...વાસ્તવમાં વોર્ડ લેવલનું કામ હોય તો તે કોર્પોરેટરને કરવાનો અધિકાર છે. કોર્પોરેટર તે કામ કરે તે જરુરી છે કારણ કે તે કામ માટે તેને લોકોએ ચૂંટ્યો હોય છે. એ જ રીતે ધારાસભ્ય પણ પોતાના વિધાનસભા મતવિસ્તારને વરેલો હોય છે અને તે વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ થાય તથા લોકોની સમસ્યા હલ થાય તે માટે રાજ્ય સ્તરે રાજ્ય સરકારને રજૂઆતો કરે છે અને આ જ રીતે દિલ્હીમાં એટલે કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ જે તે લોકસભા વિસ્તારને મળે તે માટે સાંસદને લોકો ચૂંટે છે જેથી સાંસદ દિલ્હીમાં કેન્દ્ર સરકારને રજૂઆતો કરીને લોકસભા વિસ્તારના લોકોને વિકાસના કામો અપાવી શકે અને તેમની કેન્દ્રની લેવલના પ્રશ્નોનો હલ લાવી શકે. આ વ્યવસ્થા લોકશાહી તંત્રમાં સ્વાભાવિક રીતે ગોઠવાયેલી હોય છે અને તે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે. હા જનતા તો આ તમામમાંથી જે અવેલેબલ હોય તેને રજૂઆત કરી શકે પણ સાંસદને જો કોર્પોરેશન કે રાજ્ય સ્તરની રજૂઆતો આવે તો તેણે કોર્પોરેટર અને ધારાસભ્યોને જાણ કરીને પ્રશ્ન હલ કરવા જણાવવું જોઇએ પણ પોતે જ બધું કરી લે અને ધારાસભ્યો અને કોર્પોરેટરોને જાણે કંઇ આવડતું જ ના હોય તેવું વર્તન કરાય તે યોગ્ય નથી. જશ લેવામાં ક્યારેય આટલી હોડ ના હોવી જોઇએ. જો જશ લેવામાં હોડ રાખવી હોય તો જ્યારે અપયશ મળે તો તેને સ્વીકારી પણ લેવો જોઇએ. તે સમયે જે તે જવાબદારી બીજા પર ના ઢોળવી જોઇએ. વડોદરામાં પૂર આવ્યું ત્યારે સાંસદે માની લીધું હશે કે આ તો કોર્પોરેશનું કામ અને ધારાસભ્યોનું કામ છે અને તેથી જ તે 2 દિવસ સુધી ગાયબ રહ્યા હતા કારણ કે તેમને ખબર હતી કે આમાં તો આપણને લોકોનો રોષનો ભોગ બનવું પડશે અને અપજશ પણ મળશે. ખરેખર તો તેમણે તે વખતે રાજ્ય સરકારને પોતાની ધારદાર રજૂઆત કરીને યોગ્ય વળતર અપાવવું જોઇતું હતું અને જો તેમણે તે કર્યું હોત તો ચોક્કસ તે જશ મેળવવાના હકદાર હોત...પણ તેના બદલે તેમણે કુંભમેળા માટે બસ શરુ કરાવીને જશ મેળવવાનો પ્રયાસ કર્યો છે. બાબા ભાઈ..હવે સમજી જાય તો સારુ છે કે જશ મેળવવામાં આટલો રસ છે તો અપજશ મળે તો તે પણ આંખે ચઢાવી દેજો...સાંસદે વડોદરાનો વિકાસ થાય તેવા પ્રોજેક્ટ શરુ કરાવવા જોઇએ.ખરેખર તો સાંસદ હેમાંગ જોશીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો કોઇ પ્રોજેક્ટ વડોદરામાં લાવવો જોઇએ જેથી વડોદરામાં પર્યટનક્ષેત્રમાં પણ વિકાસ થાય અને લોકોને રોજગારી મળે.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ કરાવવી જોઇએ તો એનઆરઆઇને ફાયદો થાય. નવા ઉદ્યોગો લાવવા જોઇએ, રેલવેમાં નવી ટ્રેનો શરુ કરાવવી જોઇએ. આ બધા કામ સાંસદના છે. તેમાં તેમણે રસ દાખવવો જોઇએ. જશ તેમાં પણ મળી શકે છે જો સાચા દિલથી વડોદરાના લોકોની સેવા કરવાની ભાવના હશે તો.. વડોદરાના લોકો માટે દિલમાં સાચા હ્રદયથી ચાહત હોવી જોઇએ. હેમાંગ જોશી..અવધેશ પ્રસાદ જેવા સાંસદ પાસેથી કંઇક શીખજો...યુપીમાં રવિવારે સાંસદ અવધેશ પ્રસાદ રડી પડ્યા હતા. એક દિકરી સાથે બનેલી ઘટનાથી તે વ્યથિત થઇ ગયા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્માં જાહેરમાં હું દિકરીનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યો છું અને જો ન્યાય નહી મળે તો લોકસભામાંથી રાજીનામું આપી દઇશ. અમે દિકરીની ઇજ્જતનું રક્ષણ કરવામાં નાકામિયામ રહ્યા છીએ તેમ કહીને રડી પડ્યા હતા. લોકોની સેવા કરવાની ભાવના ધરાવતા સાંસદ આ રીતે જાહેરમાં રડી પડ્યા તે જ બતાવે છે કે તેઓને કેટલી પીડા થઇ હશે. જો કે એ વાત અલગ છે કે ગુજરાતમાં કે વડોદરામાં બનેલી કોઇ ઘટનાથી દ્રવીત થઇને કોઇ સાંસદ આ રીતે રડ્યો હોય તેવું જોવા મળ્યું નથી. સાંસદ કે લોકપ્રતિનીધી આવા હોવા જોઇએ. કુંભમેળામાં થયેલી ભાગદોડમાં વિસનગરના વ્યક્તિનું મોત થયું હતું પણ તે વિસ્તારના સાંસદ મહોદયે પણ અવધેશ પ્રસાદ જેવો શોક વ્યક્ત કર્યો ન હતો. હેમાંગ જોશી..અવધેશ પ્રસાદ ભલે સમાજવાદી પાર્ટીના સાંસદ છે અને તમારી વિચારધારાથી વિપરીત વિચારધારાના સાંસદ છે પણ તેમની પાસેથી તમારે શીખવા જેવું છે કારણ કે વડોદરામાં પણ આવી જ હ્રદયદ્રાવક ઘટના ઘટેલી છે જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ પ્રાણ ગુમાવેલા છે. ખાતમૂહુર્તના કામોમાં પણ સાંસદ અને ધારાસભ્યો દોડી જાય છે. આમ તો આપણે વારંવાર જોઇએ છે કે વોર્ડ લેવલના રસ્તાના કે ગટરના કે એવા કોઇ પણ કામનું ખાતમૂહુર્ત હોય તો ધારાસભ્યો અને સાંસદ ખાતમૂહુર્ત કરવા દોડી આવે છે. બિચારો કોર્પોરેટર દોડાદોડી કરીને આ કામની મંજૂરી લઇને આવ્યો હોય પણ ફોટામાં તે એક તરફ ખુણામાં ઉભો હોય છે અને ધારાસભ્યો અને સાંસદ ફોટામાં આગળ દેખાય છે. કોર્પોરેટરને તેમાં જશ આપવો જોઇએ અને કોર્પોરેટરે પણ પોતાના નેતાઓને ખુશ કરવાના બદલે પોતાના વિસ્તારના કોઇ વડીલ , મહિલા કે બાળકના હાથે કામનું ખાતમૂહુર્ત કરાવવું જોઇએ.વડોદરાની પ્રજા શાણી છે.બે ટર્મ સાંસદ રહેનાર રંજનબેન ભટ્ટ હોય કે ત્રણ ટર્મ સાંસદ રહેનાર જયાબેન ઠક્કર હોય, કેવી રીતે ઘરભેગા કરવા તેમને આવડે છે.પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ હોય કે પૂર્વ મંત્રી રાજુ ત્રિવેદી હોય કે પછી પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી જેવા દરેકને સંગઠને ઘરભેગા કર્યા છે.જે માપમાં રહે તે ફાયદામાં રહે.
Reporter: admin