સયાજીરાવ મહારાજે પ્રત્યેક ગામમાં પાંચ પ્રકારના દેશી વૃક્ષોની પંચવટી ઉછેરવાનો નિયમ કર્યો હતો.રાજાશાહીએ વડોદરાને ઘનઘોર હરિયાળીની ભેટ આપી હતી.
જો કે એમનો વૃક્ષ પ્રેમ આ શહેરને પચ્યો નથી અને પ્રકૃતિ સંસ્કાર કેળવાયા નથી.વૃક્ષ ઉછેરને નામે ખાનગી અને સરકારી સંસ્થાઓ એ કોનોકારપસ ઉછેર્યા છે.રોડ ડીવાઈડર પર હરિયાળી ઉછેરવાની ઘણી મોટી તક છે પરંતુ ઝાઝુ કામ લેવાતું નથી.એક પછી એક સંસ્થાઓ શહેરની વૃક્ષ સંપદાનું નખ્ખોદ વાળવા બેઠી હોય એવી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે જુલાઇ મહિનામાં દેખાડા માટે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને તેની સામે હયાત હરિયાળીની કરપીણ હત્યાના કારસા રચાઈ રહ્યા છે.માણસ પર હુમલો થાય તો એ પોલીસ ફરિયાદ કરી શકે છે.પણ વૃક્ષ પર કુહાડો ઝીંકાય તો એ કોની પાસે જઈને પોતાનું દુઃખ રડે? હવે વડોદરા એરપોર્ટની બહારની દીવાલને અડીને ઉછેરવામાં આવેલા વૃક્ષો પર કાતર ફરી છે.ઈરાદો કદાચ પ્રુનીંગ કરવાનો હશે પરંતુ પ્રમાણભાન જાળવ્યા વગર હરિયાળા વૃક્ષોને સાવ બોડા કરી દેવામાં આવ્યા છે.વૃક્ષોની કટાઈ છંટાઈ કેટલી કરવી એ વૃક્ષ જ્ઞાનીઓની સલાહ પ્રમાણે કરવા યોગ્ય કામ છે.
જો કે આ વૃક્ષોની આડેધડ કટાઈ છંટાઈ થઈ હોય એવું જણાય છે.આ વૃક્ષો એટલા ઊંચા અને ઘટાટોપ પણ ન હતા કે વિમાનો ના ચઢાણ ઉતરાણ અને એરપોર્ટ સુરક્ષાને બાધ આવે.જો કે સાવ કાપી નાંખવામાં આવ્યા નથી પરંતુ બોડા કરી દેવામાં અવશ્ય આવ્યા છે.આ કામ એરપોર્ટ ઓથોરિટી નું છે કે મનપાનુ એ સ્પષ્ટ નથી.પણ ગ્લોબલ વોર્મિંગ નો ખતરો છે તેવા સમયે પર્યાવરણ ને વિપરીત અસર કરનારું તો છે જ.વડોદરા વિમાની મથક સિવિલ અને મીલીટરી,બંને ઉપયોગમાં લેવાતું હોવાથી સુરક્ષા અગત્યની છે.પરંતુ એરપોર્ટ સર્કલ થી આજવા રોડ તરફ જતા રીંગ રોડ પર,એરપોર્ટની દીવાલને અડીને પાકા મકાનો બની ગયા છે, વસાહતો ઊભી થઈ છે.સુરક્ષા માટે કદાચ આ વધુ જોખમી છે પરંતુ કપાવાનો વારો વૃક્ષો નો આવે છે.નવા સાંસદ વડોદરાને વધુ સારી, આંતર રાષ્ટ્રીય હવાઈ સેવાઓ મળે તે માટે શરૂઆતથી સક્રિય થયા છે.એરપોર્ટ સલાહકાર સમિતીમાં નિયુક્તિ કરાઈ.આજે એરપોર્ટ સલાહકાર સમિતીમાં પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિત શહેરના ૫ અગ્રણીઓની નિયુક્તિ કરવામાં આવી છે.એમને ખૂબ ખૂબ અભિનંદન.એમની પાસે એરપોર્ટ ની સુવિધાઓ વધે અને હરિયાળી જળવાય એવી કામગીરીની અપેક્ષા છે.આ સદસ્યો વૃક્ષ ચિંતાનો આ વિષય તંત્ર સમક્ષ મૂકે એ અપેક્ષિત છે.વોલ ટુ વોલ રસ્તા બનાવવામાં વૃક્ષોની સુરક્ષાની કાળજી લેવામાં આવી નથી.વડોદરા વૃક્ષ વગર કેટલું સારું લાગશે એ વિચારવું પડશે અને વડોદરાને નવેસર થી વૃક્ષ પ્રેમી બનાવવું પડશે..
Reporter: admin