News Portal...

Breaking News :

ATM મશીનમાંથી પૈસા ચોરી કરતા ગઠિયાને પોલીસે આબાદ ઝડપી પાડ્યો ચોરીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ માથુ ખંજવાળતી થઈ ગઈ

2024-06-16 16:25:55
ATM મશીનમાંથી પૈસા ચોરી કરતા ગઠિયાને પોલીસે આબાદ ઝડપી પાડ્યો ચોરીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ માથુ ખંજવાળતી થઈ ગઈ




એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પર વાયર ટેપ લગાડીને પૈસા કાઢી લેતા ગઠિયાને પોલીસની ક્રાઈમ બ્રાંચે આબાદ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસને વાયર ફિટિંગ માટેની પ્લાસ્ટિકની ત્રણ ટેપ, ફેવિક્વીક, નાનુ કટર, મોબાઈલ ફોન અને મોટરબાઈક સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. પોલીસનો દાવો છે કે, અકોટા અને જે પી રોડ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ચોરવાના બે ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.





શહેરના અકોટા અને જે પી રોડ સહિતના પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના પૈસા બારોબાર કોઈ ગઠિયો સેરવી જતો હોવાની ફરિયાદો મળી હતી. જેને આધારે પોલીસે એટીએમમાંથી ચોરી કરતા ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાણેશ્વર ચાર રસ્તા પાસેના એક એટીએમ મશીનની આસપાસ એક શંકાસ્પદ યુવક મોઢા પર માસ્ક પહેરીને ફરી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને આ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકે મોઢા ઉપર માસ્ક પહેર્યુ હતુ અને એની પાસે એક બેગ હતી. પોલીસે બેગની તલાશી લેતા અંદરથી ત્રણ વાયર ટેપ, ફેવિક્વિક અને કટર મળી આવ્યા હતા. પોલીસની પુછપરછમાં યુવકે પોતાનુ નામ રોહિત ઉર્ફે શોભીત રાકેશપ્રસાદ મીશ્રા (રહે. મુજમહુડા ઝૂંપડપટ્ટી) હોવાનુ જણાવ્યુ હતુ. મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રોહીત ઉર્ફે શોભીતની પૂછપરછ દરમિયાન એણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. તે એટીએમ મશીનોમાં જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યા પર એટલે કે, કેશ ડિસ્પેન્સર પાસે કાળી પટ્ટી ચોંટાડી દેતો હતો. જેને લીધે કેશ વિડ્રોઅલ માટે આવેલા ગ્રાહકના પૈસા તો નીકળતા હતા પણ પટ્ટીને લીધે અંદર ફસાઈ જતા હતા. 



ઘણા કિસ્સામાં ગ્રાહકો પૈસા ના નીકળે તો મશીનની ભુલ સમજીને ત્યાંથી નીકળી જતા. એમના બહાર નીકળ્યા પછી ભેજાબાજ રોહિત ઉર્ફે શોભીત અંદર જતો અને કેશ ડિસ્પેન્સર પાસેની કાળી પટ્ટી કાઢીને અંદર ફસાયેલા રૂપિયા ચોરી જતો. આવી મોડસ ઓપરેન્ડીથી એણે અકોટા અને જે પી રોડ પોલીસ મથકની હદમાંથી એક વખત 22,000 અને બીજી વખત 13,500 રૂપિયા ચોરી લીધા હતા. આરોપીની કબુલાતને આધારે ક્રાઈમ બ્રાંચે એની ધરપકડ કરી છે.

Reporter: News Plus

Related Post