કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ રાજ્યપાલની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચેનો વિવાદ જાણીતો છે.
એવામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્ના એ શનિવારે રાજ્યપાલોની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે રાજ્યપાલ એવી ભૂમિકા ભજવી રહ્યા છે જ્યાં તેમણે દખલ કરવી ન જોઈએ. જ્યારે તેઓએ સક્રિય રહેવું જોઈએ અને તેમની ભૂમિકા ભજવવી જોઈએ, ત્યારે તેઓ કામ નથી કરતા. સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલો સામે ચાલી રહેલા મામલાઓ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમના રાજ્યપાલો દ્વારા બિલને મંજૂરી ન આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, એવામાં જસ્ટિસ બીવી નાગરત્નાની ટિપ્પણી મહત્વની છે. બંધારણના અનુચ્છેદ 361 હેઠળ રાજ્યપાલોને અપરાધિક કાર્યવાહીથી અપાયેલી પ્રતિરક્ષાના પ્રશ્નને અલગ કેસમાં તપાસવા માટે પણ અદાલત સંમત થઈ છે.
બેંગલુરુમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (NLSIU )માં પેક્ટ કોન્ફરન્સમાં સમાપન મુખ્ય વક્તા તરીકે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે આજના સમયમાં, કમનસીબે, ભારતના કેટલાક રાજ્યપાલો એવી ભૂમિકાઓ ભજવી રહ્યા છે જે તેમણે ભજવવી જોઈએ નહીં અને તેઓ જ્યાં ભૂમિકા ભજવવી જોઈએ ત્યાં નિષ્ક્રિય રહે છે. સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલો સામેના કેસો એ ભારતમાં રાજ્યપાલના બંધારણીય પદ માટે કમનસીબી રૂપ છે.નિષ્પક્ષતાના મુદ્દે વકીલ અને સામાજિક કાર્યકર્તા દુર્ગાબાઈ દેશમુખને ટાંકીને ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું કે રાજ્યપાલ પાસે કંઈક કામ કરવાની અપેક્ષા છે. આપણે બંધારણમાં રાજ્યપાલનો સમાવેશ કર્યો છે, કારણ કે આપણને લાગે છે કે જો રાજ્યપાલ ખરેખર તેમની ફરજો પ્રત્યે સભાન હોય અને તે સારી રીતે કામ કરે તો, વિરોધાભાસી જૂથો વચ્ચે એક પ્રકારની સમજ અને સુમેળ લાવી શકે છે. તે આ હેતુ માટે જ પ્રસ્તાવિત છે. ગવર્નન્સનો વિચાર રાજ્યપાલને પક્ષના રાજકારણ અને જૂથબંધીથી ઉપર રાખવાનો છે.
Reporter: admin