એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ફાયરિંગ
આઇલેન્ડ : અમેરિકાના રોડ આઇલેન્ડ સ્થિત પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે.

ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન કાળા કપડાં પહેરેલા એક અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોર હજી ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે.આ ઘટના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટનો ભાગ એવી બારુસ એન્ડ હોલી બિલ્ડિંગમાં બની હતી, જ્યાં એન્જિનિયરિંગ ડિઝાઇન પરીક્ષાઓ ચાલી રહી હતી. ગોળીબારની માહિતી મળતાં જ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. યુનિવર્સિટીએ તાત્કાલિક એલર્ટ જાહેર કરીને વિદ્યાર્થીઓને દરવાજા બંધ કરવા, ફોન સાઇલન્ટ કરવા અને છુપાઈ જવાની સલાહ આપી હતી.
પ્રોવિડન્સ શહેરના ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમોથી ઓ'હારાએ જણાવ્યું કે, હુમલાખોર કાળા કપડાં પહેરેલો પુરુષ હતો અને તે ઇમારતમાંથી હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો છે. પોલીસ ગોળીબારની ઘટનાના ત્રણ-ચાર કલાક બાદ પણ કેમ્પસની ઇમારતોની તલાશી લઈ રહી હતી અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી હતી.મેયર બ્રેટ સ્માઇલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઘાયલોની હાલત ગંભીર છે પરંતુ સ્થિર છે, અને તે તમામને રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેયરે વધુમાં ઉમેર્યું કે હુમલાખોરને પકડવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં 'શેલ્ટર-ઇન-પ્લેસ' નો આદેશ જારી કરવામાં આવ્યો છે, અને લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે.
Reporter: admin







