News Portal...

Breaking News :

પાલિકાની બેદરકારીનો બદબૂ: નવલખી કૃત્રિમ તળાવ ગંદકી–દુર્ગંધનું અડ્ડો બન્યું..

2025-12-14 11:31:47
પાલિકાની બેદરકારીનો બદબૂ: નવલખી કૃત્રિમ તળાવ ગંદકી–દુર્ગંધનું અડ્ડો બન્યું..


શ્રીજી વિસર્જન બાદ સફાઇ ન કરાતા નવલખી મેદાનમાં આસ્થાનો અપમાન, ગંદકી–દુર્ગંધથી પર્યાવરણને પણ નુકસાન.

કરોડોની વાતો, સફાઇ શૂન્ય: નવલખી કૃત્રિમ તળાવ પાલિકાની નિષ્ફળતાનો જીવતો દાખલો..


કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓના દુર્દશા , લાકડાં અને કચરાના ઢગલા—સ્થાનિક નગરસેવકો અને તંત્ર બેધ્યાન..
શહેરમાં શ્રીજી ઉત્સવ બાદ નવલખી મેદાનમાં પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓના અવશેષોની સાથે સાથે નિર્માલ્ય, લાકડાં, અન્ય કચરાની પાલિકા તંત્ર દ્વારા યોગ્ય સફાઈ ન કરવાથી આ નવલખી કૃત્રિમ તળાવની આસપાસ દુર્ગંધ આવી રહી છે.તળાવ ફરતે લઆકડાના ઢગલા,ટ્રોલી વિગેરે જેમ તેમ પડેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે તદ્પરાંત આ નવલખી મેદાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં થી ફૂટપાથ અને ડિવાઇડર વચ્ચેથી કાઢી નાખવામાં આવેલા જૂના મજબૂત અને સારી કંડિશનના પેવર બ્લોક ના ઢગલા રઝળી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા શ્રીજી વિસર્જન બાદ યોગ્ય રીતે કૃત્રિમ તળાવોની સફાઇ અંગે દુર્લક્ષ સેવતાં આજે ભક્તોની આસ્થા અને લાગણી દુભાઈ રહી છે સાથે જ પર્યાવરણને, વાતાવરણ ને પણ અસર થઈ રહી છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ શહેરના તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડોના ખર્ચ કરે છે બીજી તરફ આ તળાવોમાં છેલ્લા ઘણા સમયથી ગણેશોત્સવ તથા દશામાં પર્વ બાદ પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવતું નથી પરંતુ દશામાની પ્રતિમાઓ તથા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા શહેરના ચારેય ઝોનમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલું છે જ્યાં આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ પ્રતિમાઓના વિસર્જન બાદ પાલિકા દ્વારા આ કૃત્રિમ તળાવની યોગ્ય સંભાળ જેમાં તળાવોમાં અને તળાવ ફરતે સ્વચ્છતા, દવા છંટકાવ જેવી બાબતે દુર્લક્ષ સેવવામાં આવે છે તેવા જ દ્રશ્યો હાલમાં શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 માં આવેલા નવલખી મેદાનમાં જોવા મળી રહ્યાં છે. શ્રધ્ધાળુઓ ની આસ્થા અને લાગણીઓ દુભાય તે રીતે અહીં કૃત્રિમ તળાવમાં સફાઇ નથી કરવામાં આવી અહીં કૃત્રિમ તળાવમાં કચરો, તળાવની બહાર તથા પાણીમાં શ્રીજી વિસર્જન માટેના લાકડાં પડેલી હાલતમાં છે સાથે જ કૃત્રિમ તળાવમાં ફૂલો સહિતનો કચરો સડી જતાં તળાવ ફરતે અસહ્ય દુર્ગંધ આવી રહી છે. જ્યારે દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે કૃત્રિમ તળાવો જે રીતે તૈયાર કરવામાં આવે છે અને તમામ વ્યવસ્થાઓ જેમાં કૃત્રિમ તળાવની સફાઇ, તેમાં પ્લાસ્ટિક પાથરી ચોખ્ખું પાણી ભરવામાં આવે છે તળાવ ફરતે સ્વચ્છતા,દવા છંટકાવ કરવામાં આવે છે આવી તમામ બાબતોની ચોકસાઇ રાખતું પાલિકા તંત્ર શ્રીજી ની પ્રતિમાઓના વિસર્જન બાદ આ કૃત્રિમ તળાવોની સફાઇ જેવી સુવિધાઓ બાબતે નિષ્ક્રિય બની જતું હોય છે. શ્રીજી ઉત્સવ બાદ આ નવલખી કૃત્રિમ તળાવની પાલિકા તંત્ર દ્વારા સફાઇ કરવામાં આવી નથી કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓના અવશેષો, નિર્માલ્ય, અન્ય કચરો, તળાવમાં લાકડા તથા તળાવ બહાર લાકડાં ,ટ્રોલી પડેલી હાલતમાં જોવા મળી રહી છે અહીં અસહ્ય દુર્ગંધ આવી રહી છે છતાં તંત્ર તથા સ્થાનિક નગરસેવકો બેધ્યાન જણાય છે.


 

પેવર બ્લોક નવલખી મેદાનમાં રઝળતા, જનતાના ટેક્સના નાણાંનો ખુલ્લો દુરુપયોગ


નવલખી મેદાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ડિવાઇડર તથા ફૂટપાથ પર અગાઉ લગાડેલા પેવર બ્લોક જે કાઢીને તેની જગ્યાએ નવા પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે તેના ઢગલા જોવા મળી રહ્યાં છે. જૂના પેવર બ્લોક ઘણી સારી સ્થિતિમાં છે અને મજબૂત પણ છે છતાં પાલિકા તંત્ર દ્વારા તેને કાઢીને પ્રજાના ટેક્સના નાણાં નો જે રીતે દૂરપયોગ કરી નવા પેવર બ્લોક મંજૂર કરી નવા પેવર બ્લોક લગાડવામાં આવ્યા છે તે બુદ્ધિનું પ્રદર્શન જ કહી શકાય અથવા તો પાલિકાની તિજોરી પર વધારાનો બોજ નાખવામાં આવે છે તેમ કહી શકાય. આ પેવર બ્લોક છેલ્લા કેટલાક વર્ષોથી પડી રહ્યા છે અને નવલખી મેદાનમાં રઝળી રહ્યાં છે તો બીજી તરફ ઘણાં પેવર બ્લોક કેટલાક રાજકીય વ્યક્તિ ના ગોડાઉનની જગ્યાએ પડ્યા હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. પાલિકા તંત્ર દ્વારા આ સારી કંડિશનમા અને મજબૂત પેવર બ્લોક કોઇ સોસાયટી અથવા તો મંદિર, આંગણવાડી જેવી જગ્યાએ કે જ્યાં ચોમાસામાં લોકોને, નાના બાળકો ને અવરજવર કરવામાં કાચા માટીવાળા રસ્તે તકલીફ પડે છે ત્યાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેની જગ્યાએ પાલિકાના અધિકારીઓએ બુદ્ધિ પ્રદર્શન કરી આ મજબૂત પેવર બ્લોક ને રઝળતા મૂકી દીધા છે જેનો ઉપયોગ થ ઇ શકે પરંતુ તેવી સારી દાનત જ ન હોય તેમ જણાય છે આખરે કોના બાપની દિવાળી? જનતાના વેરાના પૈસાનો વિકાસ ના નામે દૂરપયોગ અથવા પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે,આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય અને નગરસેવકો પણ મૌન સેવી લીધું છે અથવા તો આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આ પેવર બ્લોક શક્ય છે કે આજે નહીં તો કાલે કોઇ રાજકીય નેતા કે પાલિકાના કોઇને ત્યાં લાગી જાય તો નવાઇ નહીં.

Reporter: admin

Related Post