પાર્કિંગ કમાણીની દોડમાં રાહદારીઓની સુરક્ષા અને હક અવગણાયા.
ટ્રાફિક સુધારાના દાવાઓ વચ્ચે પાલિકાએ ફૂટપાથો પર પે એન્ડ પાર્કિંગના ટેન્ડરો બહાર પાડતા નાગરિકો અને રાહદારીઓની મુશ્કેલી વધારી.
એક હાથથી પોલિસી, બીજા હાથથી દબાણ: ફૂટપાથ પર પાર્કિંગનો વિરોધાભાસ.
ટ્રાફિક સુધારાના નામે ફૂટપાથ બલિદાન.

ટીપીમાં 40% કપાત કરવામાં આવે છે એમાંથી પાર્કિંગ સામાન્ય નાગરિકોને ફ્રીમાં મળવું જોઈએ પાલિકાની એ પ્રાથમિક જવાબદારી છે. શહેરમાં પાલિકાએ પોતાની જગ્યામાં જ ફ્રી પાર્કિંગના બોર્ડ મૂકવા જોઈએ
વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન કમિટી બનાવીને નવી હંગામી પાર્કિંગ પોલિસી બનાવવાની મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ શહેરમાં ફૂટપાથ પર થતા આડેધડ દબાણ અને પાર્કિંગના કારણે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલીરૂપ બન્યું છે. એક તરફ પાલિકા જાતે જ ફૂટપાથ પર પે એન્ડ પાર્કિંગ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડે છે અને બીજી તરફ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નવી પોલિસી બનાવવાની વાતો કરી રહી છે.પાર્કિંગ પોલિસી બનાવતી વખતે કોર્પોરેશને આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ફૂટપાથો રાહદારીઓ માટે ચાલવાની જગ્યા છે અને તેમાં કોઈ પણ પ્રકારનું પાર્કિંગ કે કાચા-પાકા દબાણ ન હોવું જોઈએ. ફૂટપાથ પર દબાણ ન થાય તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે, પરંતુ નવાઈની વાત એ છે કે કોર્પોરેશન જ સામે ચાલીને ફૂટપાથ પર પે એન્ડ પાર્કિંગના ટેન્ડરો બહાર પાડે છે.શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ પર વાહનોના પાર્કિંગ જોવા મળે છે, જેના કારણે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. મ્યુનિસિપલ કમિશનરે નવી પાર્કિંગ પોલિસી બનાવતી વખતે રાહદારીઓના હિતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વડોદરામાં ફૂટપાથો પાર્કિંગ માટે બનાવવામાં આવે છે કે નાગરિકોને ચાલવા માટે—આ એક મોટો પ્રશ્ન છે.પાલિકા જાતે જ પાર્કિંગ માટે ટેન્ડરો બહાર પાડે છે તે ગંભીર ચિંતાનો વિષય છે. ટી.પી.માં 40 ટકા કપાત કરવામાં આવે છે, તેમાંથી પાર્કિંગની સુવિધા સામાન્ય નાગરિકોને મફતમાં મળવી જોઈએ—આ પાલિકાની પ્રાથમિક જવાબદારી છે. શહેરમાં પાલિકાએ પોતાની જગ્યાઓ પર ફ્રી પાર્કિંગના બોર્ડ મૂકવા જોઈએ, તેના બદલે પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપી કોર્પોરેશન કમાણી કરવા માંગે છે, પરંતુ રાહદારીઓ ક્યાં ચાલશે તે વિશે વિચારતું નથી.શહેરના સમા–સાવલી રોડ, તરસાલી ગુરુદ્વારા પાસે, ગોલ્ડન ચોકડી પાસે, દુમાડ ચોકડી પાસે, નટુભાઈ સર્કલ પાસે, વડીવાડી પાણીની ટાંકી પાસે, સમા તળાવ પાસે, શાલીમાર ડુપ્લેક્સ પાસે સહિતના અનેક વિસ્તારોમાં ફૂટપાથો અને બ્રિજની નીચે પાર્કિંગ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. બ્રિજની નીચે પાર્કિંગ થાય તેમાં વાંધો નથી, પરંતુ ફૂટપાથ પર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો રાહદારીઓ ચાલશે ક્યાં—તે બાબતે કોર્પોરેશનના શાસકોએ વિચાર્યું નથી.શહેરમાં પાર્કિંગની સુવિધા આપવાની સાથે સાથે રાહદારીઓને ચાલવા માટે પૂરતી જગ્યા મળે તે સુનિશ્ચિત કરવું પણ કોર્પોરેશનની જવાબદારી છે.

ફૂટપાથ પર પાર્કિંગ—રાહદારીઓ માટે જોખમ
વડોદરા શહેરમાં ફૂટપાથ પર પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડરો બહાર પાડવાના કારણે રાહદારીઓ માટે ચાલવું જોખમરૂપ બન્યું છે. ફૂટપાથ પર વાહનો પાર્ક થતા હોવાથી નાગરિકોને રોડ પર ઉતરીને ચાલવું પડે છે, જેના કારણે અકસ્માતોની સંભાવના વધે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફૂટપાથ પર પાર્કિંગથી ન માત્ર ટ્રાફિક અવરોધ સર્જાય છે, પરંતુ નાગરિકોની સુરક્ષા પણ ખતરમાં મુકાય છે. શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવાની સાથે સાથે ફૂટપાથોને સંપૂર્ણપણે દબાણમુક્ત રાખવાની માંગ ઉઠી રહી છે.
Reporter: admin







