કલાદર્શન ચાર રસ્તા પાસે નંદનવન સાઇટની કામગીરી દરમિયાન સર્જન કોમ્પ્લેક્સની દિવાલો ધરાશાયી થતાં ફ્લેટોમાં તિરાડો, સાવચેતીરૂપે રહીશો ખસેડાયા...
પાયો ખોદતાં જ દુર્ઘટના: સર્જન કોમ્પ્લેક્સ ખાલી કરાયો..

ફાયર બ્રિગેડ અને નિર્ભયતા શાખાની તાત્કાલિક કાર્યવાહી, વિસ્તાર કોર્ડન કરી કામ અટકાવાયું..
બિલ્ડરની બેદરકારીના આક્ષેપો, સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા..
વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલી નિર્માણાધીન નંદનવન સાઇટનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ તથા તેની બાજુના રસ્તા પાસેની દિવાલનો કેટલોક ભાગ ધસી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવના પગલે નજીક આવેલા સર્જન કોમ્પ્લેક્સના ફ્લેટોની દિવાલોમાં તિરાડો પડતાં ફાયર બ્રિગેડે સાવચેતીના ભાગરૂપે કોમ્પ્લેક્સના અડધા ભાગના રહીશોને અન્યત્ર ખસેડ્યા છે.ઘટનાને પગલે સર્જન કોમ્પ્લેક્સ તેમજ આસપાસના અન્ય બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષીને કરવામાં આવતા તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ અને પાલિકાની નિર્ભયતા શાખાને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.ફાયર બ્રિગેડે સાવચેતીના ભાગરૂપે ક્ષતિગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા અપીલ કરી હતી તેમજ નિર્માણ કાર્ય તાત્કાલિક રોકી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ તેમજ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટના અંગે સર્જન કોમ્પ્લેક્સ સહિત આસપાસના કોમ્પ્લેક્સના રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલાં પણ નિર્માણ કાર્યને લઈને ડેવલપર–બિલ્ડરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં યોગ્ય પગલાં ન લેવાતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે. સર્જન કોમ્પ્લેક્સના રહીશોએ જણાવ્યું કે, ભેખડો ધસી પડતાં તેમના ઘરો ધ્રુજી ઉઠ્યા હતા અને હાલ તેઓ જીવના જોખમે રહેતા હોવાનું અનુભવી રહ્યા છે. ઘટનાને પગલે પાલિકાની નિર્ભયતા શાખાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ તથા કાર્યવાહી શરૂ કરી છે.
એપાર્ટમેન્ટની દિવાલોમાં તિરાડો
સર્જન અને બાલાજી એન્કલેવ વચ્ચે વર્ષોથી જગ્યા ખાલી હતી. ત્યાં નંદનવન કોન્ટ્રાક્ટર પરેશ પટેલ દ્વારા કોમર્શિયલ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી ન હતી, જેના કારણે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નિર્ભયતા શાખા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બંને વિભાગોની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. એપાર્ટમેન્ટની દિવાલોમાં તિરાડો પડી છે અને ફાયર બ્રિગેડે સર્જન કોમ્પ્લેક્સના અડધા ભાગને ખાલી કરવાનું જણાવ્યું છે.
— આશિષ જોષી, કોર્પોરેટર
Reporter: admin







