શિક્ષણ મંત્રી વડોદરા આવ્યા છતાં જિલ્લા ભાજપ પ્રમુખ સહીતના હોદેદારો ગેરહાજર, ગણતરીના કાર્યકરો વચ્ચે મંત્રી એકલા ફર્યા...
મંત્રીના આગમન સમયે યોગ્ય માન–સન્માન ન જળવાતાં ભાજપ સંગઠનની નિષ્ક્રિયતા સામે આવી..
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી વડોદરા જિલ્લાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોવા છતાં તેમનું યોગ્ય માન–સન્માન ન જળવાતાં ભાજપ સંગઠનની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તેમની ટીમની નિષ્ક્રિયતા ફરી એકવાર ખુલ્લી પડી છે. જિલ્લાના કોઈપણ મોરચાના હોદેદારો, સંગઠનના મહામંત્રી સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોની ગેરહાજરીને લઈને મંત્રીએ નારાજગી સાથે ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે.રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આવનાર સમયમાં સંગઠન સ્તરે શિસ્તભંગ અંગે કડક પગલાં લેવાશે કે કેમ—તે પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
મહત્વનું એ છે કે અગાઉ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિ દરમિયાન નાસ્તાની વ્યવસ્થા (ભજીયા–કઢી મરચાં) મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. તેમ છતાં સંગઠન તરફથી કોઈ સુધારો ન જોવા મળતા મંત્રીશ્રી તથા વરિષ્ઠ નેતાઓના માન–સન્માન અંગેની બેદરકારી દિનપ્રતિદિન બહાર આવી રહી છે.આક્ષેપ છે કે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સહિત કેટલાક પ્રમુખો સંગઠન કામગીરી કરતાં વધુ સમય “ઘર ભેગા” થવામાં કે નાણાં એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી સંગઠન સંપૂર્ણપણે નિષ્ક્રિય બન્યું છે. પરિણામે મહત્વના કાર્યક્રમોમાં પણ સંગઠનની હાજરી નામ પૂરતી રહી છે.વરાણામા ખાનગી કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સહિત કોઈપણ પદાધિકારી કે હોદેદાર હાજર ન રહ્યા હોવાને કારણે પરિસ્થિતિ વધુ શરમજનક બની હતી. મંત્રીશ્રી કાર્યાલયથી એકલા જ વરાણામા ગયા અને કાર્યક્રમ પૂર્ણ કરી એકલા જ પરત ફર્યા—આ દ્રશ્યે સંગઠનની હકીકત ખુલ્લી પાડી દીધી છે.જિલ્લા કાર્યાલય ખાતે નાસ્તાની વ્યવસ્થા હોવા છતાં મંત્રીએ નાસ્તોની એક બાઇટ પણ ન લીધી અને માત્ર ચા પી રવાના થયા હોવાનું સૂત્રો જણાવે છે. આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે વડોદરા જિલ્લામાં ભાજપ સંગઠન નેતૃત્વ મંત્રીના આગમન સમયે પણ યોગ્ય વ્યવસ્થા અને માન–સન્માન જાળવવામાં નિષ્ફળ ગયું છે.મંત્રી વડોદરા આવ્યા હોવા છતાં ગણતરીના ગણ્યા ગાઠીયા નામ પૂરતા કાર્યકરો સિવાય કોઈ નોંધપાત્ર હાજરી ન હોવું—આ હકીકત જિલ્લા ભાજપ પ્રમુખની કાર્યશૈલી અને સંગઠનની ગંભીર નિષ્ક્રિયતાનો સ્પષ્ટ દાખલો બની રહી છે.
Reporter: admin







