ન્યુ યોર્ક: યુએસની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી નામની અંગ્રેજી શબ્દોના સાચાં સ્પેલિંગ જણાવવાની ૨૦૨૫ની સ્પર્ધામાં ગુરૂવારે તેર વર્ષનો ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી વિજેતા બન્યો છે.
ટેક્સાસની સીએમ રાઇસ મીડલ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી ઝાકીને ૫૦,૦૦૦ ડોલરનું રોકડ ઇનામ, મેડલ તથા ચેમ્પિયન ટ્રોફી ઇ.ડબલ્યુ સ્ક્રીપ્સ કંપનીના સીઇઓ અને પ્રેસિડેન્ટ એડમ સિમ્કોને એનાયત કરતાં જણાવ્યું હતું કે આ ટ્રોફી જીતી ફૈઝાને ચેમ્પિયનને છાજે તેવી દૃઢતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. બીજા ક્રમે આવેલાં કેલિફોર્નિયાના સર્વજ્ઞા કદમને ૨૫,૦૦૦ ડોલરનું ઇનામ જ્યારે ત્રીજા ક્રમે આવેલાં જ્યોર્જિયાના સર્વ ધારાવણેને ૧૫,૦૦૦ ડોલરનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ઝાકીએ અંગ્રેજી શબ્દ એન્કલેરિસ્સેમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી ૨૧મા રાઉન્ડમાં આ સ્પર્ધા જીતી લીધી હતી.
ઝાકીએ આ ચોથી વાર સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઝાકીએ અન્ય આઠ સ્પર્ધકો સામે ઝીંક ઝીલી હતી. ઝાકી પાસે આઠમા રાઉન્ડમાં આ વર્ષની સ્પર્ધા જીતવાની તક હતી.આ રાઉન્ડમાં ત્રણ જણાં બચ્યાહતા જેમાં ઝાકી, કદમ અને ધારાવણે હતા. તેમાં કદમ અને ધારાવણે સાચો સ્પેલિંગ જણાવી શક્યા નહોતા. ઝાકીએ એ સમયે અતિઉત્સાહમાં આવી જઇ કોમેલિના શબ્દ પુરો ઉચ્ચારાય તે પહેલાં જ તેના સ્પેલિંગની શરૂઆત સીને બદલે કેથી કરી હતી. તેને તેની ભૂલ સમજાઇ ત્યારે બહું મોડું થઇ ગયું હતું. એ પછી ૨૧માં રાઉન્ડમાં એન્કલેરિસ્સમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી સ્પર્ધા જીતી ઝાકી સ્ટેજ પર ખુશીનો માર્યો બેસી પડયો હતો. તેણે જણાવ્યું હતું કે મારે શું કહેવું તેની મને ખબર પડતી નથી. હું ખરેખર ખૂબ ખુશ છું. આ તબક્કે પહોંચવું એ એટલું બધું આનંદજનક છે.
Reporter: admin







