નવી દિલ્હી: મેન્યુફેકચરિંગ ક્ષેત્રના નબળા દેખાવને કારણે દેશની આર્થિક વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં ઘટીને ૭.૪ ટકા થઇ છે. આ સાથે જ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો જીડીપી વૃદ્ધિ દર ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર ૬.૫ ટકા રહ્યો છે તેમ આજે જારી સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વધીને ૩૩૦.૬૮ લાખ કરોડ રૂપિયા એટલે કે ૩.૯ ટ્રિલિયન ડોલર થયું છે. સરકારે આગામી પાંચ વર્ષોમાં અર્થતંત્રનું કદ વધારીને પાંચ ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીડીપીનો વૃદ્ધિ દર ૯.૨ ટકા હતો. જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં ચીનનો જીડીપી ૫.૪ ટકા રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૫ ટકા, જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ૫.૬ ટકા, ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં ૬.૪ ટકા અને જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી ૭.૪ ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી ૮.૪ ટકા રહ્યો હતો. એનએસઓએ ફેબુ્રઆરીમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો જીડીપી ૬.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
વાર્ષિક ધોરણે મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ૧૨.૩ ટકાથી ઘટીને ૪.૫ ટકા રહી છે. જો કે કૃષિ સેક્ટરની વૃદ્ધિ ૨.૭ ટકાથી વધીને ૪.૬ ટકા રહી છે.
ચોથા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૧૧.૩ ટકાથી ઘટીને ૪.૮ ટકા રહી છે. જાન્યુઆરી-માર્ચમાં કન્સ્ટ્રકશન સેક્ટરની વૃદ્ધિ ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં ૮.૭ ટકાથી વધીને ૧૦.૮ ટકા રહી છે.
Reporter: admin







