મુંબઈ : સેબીએ અરશદ વારસી સહિત 59 લોકોની કુલ રૂ. 105 કરોડની ગેરકાયદે કમાણી પણ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સાધના બ્રોડકાસ્ટ લિ. (Sadhna Broadcast Ltd-SBL)ના શેર્સ સાથે છેતરપિંડી આચરી હતી. કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી તેને ઊંચા ભાવે (પંપ એન્ડ ડંપ) વેચ્યા હતા. જેનાથી અન્ય રોકાણકારોને મોટું નુકસાન થયુ હતું.
પંપ એન્ડ ડંપ મારફત 18.33 કરોડની કમાણી
સાધના બ્રોડકાસ્ટ લિ.ના શેર્સના પંપ એન્ડ ડંપ મારફત ગૌરવ ગુપ્તાએ સૌથી વધુ રૂ. 18.33 કરોડની કમાણી કરી હતી. સાધના બાયો ઓઈલ્સ પ્રા. લિ.એ પણ રૂ. 9.41 કરોડનો પ્રોફિટ કમાયો હતો. સેબીએ આ છેતરપિંડી આચરી મેળવેલા લાભને પરત કરવા આદેશ આપ્યો છે. સેબીએ મનિષ મિશ્રાને રૂ. 5 કરોડ, ગૌરવ ગુપ્તા સહિત અન્યને રૂ. 2-2 કરોડનો દંડ ફટકાર્યો છે. જતિન મનુભાઈ શાહ પર રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. બૉલીવુડના અરશદ વારસી સહિત કુલ 59 લોકોએ સાધના બ્રોડકાસ્ટના શેર પંપ એન્ડ ડંપ સ્કીમ મારફત પોતાનો હિસ્સો વેચતાં પહેલાં શેરના ભાવ કૃત્રિમ રૂપે વધાર્યા હતાં. ભાવ વધારવા માટે ભ્રામક યુટ્યુબ વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ છેતરપિંડીનો ખુલાસો સેબીની તપાસમાં થયો હતો. જે 8 માર્ચ, 2022થી 30 નવેમ્બર, 2022 સુધી ચાલી હતી. સેબીએ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલા માર્કેટિંગનો પર્દાફાશ કર્યો હતો. જે યુટ્યુબ પર ખોટી ચીજોના પ્રચાર માટે ઉભુ કરાયેલુ માળખું હતું. જેમાં અજાણ્યા રોકાણકારો ભરમાવી મૂડી ગુમાવી રહ્યા હતાં.એક મહત્ત્વપૂર્ણ ખુલાસામાં સેબીએ પાંચ યુટ્યુબ ચેનલની ઓળખ કરી હતી. ધ એડવાઈઝર, મિડકેપ કૉલ્સ, પ્રોફિટ યાત્રા, મનીવાઈઝ, અને ઈન્ડિયા બુલિશ નામની યુટ્યુબ ચેનલ શેર વિશે ખોટો પ્રચાર કરી રહી હતી. આ ચેનલે એસબીએલના શેરના પંપ એન્ડ ડંપમાં ભૂમિકા ભજવી હતી.
Reporter: admin