પેટલાદ તાલુકાના સીલવાઈ ગામ ખાતે કોલેરાનો એક પોઝીટીવ કેસ મળી આવતા પેટલાદ તાલુકાના સીલવાઈ ગામ અને આસપાસના બે કિ.મી. વિસ્તારમાં આવતા ગામો કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે સીલવાઈ તથા આસપાસના બે કિ.મી. વિસ્તારના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી આગામી તા.૬-૭- ૨૦૨૪ સુધી આ વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરી જરૂરી પગલાં લેવા સાથે પેટલાદના ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી જાહેર કર્યા છે. ગત રવિવારના રોજ પેટલાદ તાલુકાના સીલવાઈ ગામના સુર્યપુરા સહિતના આસપાસના વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હતું અને આ વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીના ૩૦ કેસ પ્રકાશમાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ચાર ટીમો દ્વારા તુરત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના બોરની મોટર બંધ હોઈ આ વિસ્તારના લોકોએ પ્રાઈવેટ બોરની કુંડીના પાણીનો ઉપયોગ કર્યો હોવાને લઈ આ રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમે પાણીના ત્રણ સેમ્પલ લઈ તપાસ કામગીરી હાથ ધરી હતી.
દરમ્યાન સીલવાઈ ખાતેથી કોલેરાનો એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલાંરૂપે સીલવાઈને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.પેટલાદ તાલુકાના સીલવાઈ ગામની નજીક આવતા પાળજ, જેસરવા અને આમોદ ગામમાં પણ આ જાહેરનામું લાગુ પાડવામાં આવ્યું છે અને જાહેરનામા મુજબ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતને આ ગામોમાં પણ તકેદારીના પગલાંરૂપે યોગ્ય કામગીરી કરવાના આદેશ કરાયા છે.
Reporter: News Plus