News Portal...

Breaking News :

સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા: લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો હતો

2025-09-03 10:16:37
સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા: લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો હતો


મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવાયો હતો
'સેવન્થ ડે'ની પોલ ખોલતો વીડિયો, 


7 મિનિટ બાદ ટિંગાટોળી કરીને રિક્ષામાં લઈ જવાયો હતો
અમદાવાદ: ગત 19 ઓગસ્ટે અમદાવાના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10નાં એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી, ત્યારે આ ઘટનાના 15 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા છે. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે.જોકે, થોડીવાર બાદ નયન ઢળી પડતા આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવતી નથી અને લોકો ત્યાં ઉભા ઉભા માત્ર બધું જોઈ રહ્યા હતા. ત્યારબાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા પણ જોવા મળી રહ્યાં છે.



નયન પેટના ભાગે ઇજા થઈ હતી ત્યાં હાથ રાખી સ્કૂલમાં પ્રવેશ કરે છે.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે બપોરે 12:53 કલાકે પીળા કલરની ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન સ્કૂલના ગેટમાં અંદર આવે છે. નયન સાથે સ્કૂલના ત્રણથી ચાર છોકરાઓ પણ જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન નયનને પેટના ભાગે જ્યાં બોક્સ કટર વાગ્યું હતું ત્યાંથી લોહી નીકળી રહ્યું છે અને તે ભાગને નયને હાથથી દબાવી રાખ્યો હતો. ઇજાગ્રસ્ત હોવાના કારણે નયન સરખું ચાલી પણ શકતો નહોત. આ સમયે ત્યાં વિદ્યાર્થીઓની ખૂબ અવરજવર થઈ રહી હતી. આ સમયે CCTVમાં બેથી ત્રણ વિદ્યાર્થિનીઓ એક વ્યક્તિને આ અંગે કંઈક કહેતી હોય એવું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ એ વ્યક્તિ નયન તરફ દોડીને જતો જોવા મળે છે અને ત્રણેય વિદ્યાર્થિનીઓમાંથી એક બહારની તરફ દોડી જાય છે. જ્યારે બીજી વિદ્યાર્થિની સ્કૂલમાં અંદરની તરફ દોડે છે અને ત્રીજી વિદ્યાર્થિની ત્યાં ઉભી રહે છે.આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓને ખબર પડતાં દોડધામ મચી જાય છે અને વિદ્યાર્થીઓ નયન તરફ દોડી જાય છે, ત્યારે ત્યાં સિક્યોરિટી ગાર્ડ આવી પહોંચે છે અને લાકડી બતાવીને વિદ્યાર્થીઓને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે. CCTVમાં નયન જ્યાં ફસડાઈ પડ્યો હતો એ જગ્યા દેખાતી નથી પણ વિદ્યાર્થીઓ તેને ઘેરી વળે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સમયે સ્કૂલ સ્ટાફના કેટલાક માણસો પણ CCTVમાં દેખાય છે. જોતજોતામાં આ ઘટના અંગે જાણ થતાં વિદ્યાર્થીઓ દોડધામ મચે છે અને ડર ફેલાય છે. જોકે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને હોસ્પિટલ ખસેડવાની તસ્દી લેતો નથી.આ કિંમતી સમયમાં પણ નયનની મદદે કોઈ આવતું નથી અને માત્રને માત્ર વિદ્યાર્થીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. જોક, છેક 7 મિનિટ બાદ એટલે કે 1 વાગ્યે બે મહિલાઓ દોડતી દોડતી ગેટમાં પ્રવેશ છે અને નયન પાસે પહોંચે છે. એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઊંચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ મહિલાઓ નયનના પરિવારજન હોવાની વાત સામે આવી છે. આમ વિદ્યાર્થીના પરિવારજનો છેક ઘરેથી સ્કૂલ સુધી પહોંચીને દીકરાને હોસ્પિટલ ખસેડે છે, પરંતુ સ્કૂલ તરફથી બેદરકારી દાખવીને નયનની કોઈ મદદ કરવામાં આવી નહોતી એ સ્પષ્ટ CCTVમાં જોવા મળી રહ્યું છે.અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

Reporter: admin

Related Post