સાવલી તાલુકામાં ખેતીની જમીનમાં રેવન્યૂ કર્મચારીઓની મિલીભગતથી બોગસ મરણ દાખલાના આધારે વારસાઇ દાખલ કરાવી બોગસ ખેડૂતો બનાવવાના ચકચારભર્યા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
કૌભાંડમાં નામો બહાર આવ્યા છે તે કોણ અને ક્યાંના છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સાવલી તાલુકામાં ગોઠડા (સામંતપુરા) તેમજ મુવાલ ગામની ખેતીની જમીનોમાં મૂળ જમીન માલિકોના બોગસ મરણ દાખલા બનાવી તેના આધારે વારસાઇ કરાવવામાં આવી હતી અને બાદમાં ખોટી વારસાઇમાં જે વારસદારો ના હોય તેમના નામો પણ ઉમેરી બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં જ સમગ્ર તાલુકા તેમજ મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસની તપાસ ડીવાયએસપી એચ.પી. કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે કુલ છ કેસમાં બોગસ ૧૦ ખેડૂતોના નામો ચડયા છે અને તેની તપાસ ચાલી રહી છે. વર્ષ-૨૦૧૯થી ચાલતા સુવ્યવસ્થિત કૌભાંડમાં કુલ છ કેસ પૈકી ચાર કેસોના કાગળો પણ રેવન્યૂ કચેરીમાં ઉપલબ્ધ ના હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે જે તે સમયે સોંગદનામું, વારસાઇ વખતે નામો રેવન્યૂ દસ્તાવેજમાં દાખલ કરવા માટે કોણ ફરજમાં હતું તેની વિગતો મેળવી રહી છે. આ ઉપરાંત એક નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીનું નામ પણ આરોપીઓમાં છે તે અંગે જિલ્લા જમીન સંકલન તકેદારી સમિતિને લખી વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
Reporter: News Plus