News Portal...

Breaking News :

મારે દારૂની બોટલ લેવી છે' કહેતા રિક્ષાચાલકે ખેતરમાં લઈ જઈને લૂંટ્યો.

2024-04-29 18:28:30
મારે દારૂની બોટલ લેવી છે' કહેતા રિક્ષાચાલકે ખેતરમાં લઈ જઈને લૂંટ્યો.

વડોદરામાં NRI યુવકને રિક્ષામાં બેસાડીને રિક્ષાચાલક સહિત 3 શખ્સો ખેતરમાં લઇ ગયા હતા અને ત્યાં જઇને 1.66 લાખની કિંમતના 56 ગ્રામ સોનાના દાગીના લૂંટી લીધા હતા. આ વાત પોલીસને કહેતો નહીં, નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ભાગી ગયા હતા. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે

મમ્મી-પપ્પાને મળવા માટે આવ્યો હતો

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શિવમ ડુપ્લેક્ષમાં રહેતો અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા જીજ્ઞેશ જયંતીલાલ પટેલ (ઉ.42)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ઓસ્ટ્રેલિયાના પર્થ સિટીમાં ટેક્સી ડ્રાઇવિંગની નોકરી કરું છું. હું ગત 5 એપ્રિલના રોજ એક મહિના માટે મારા પત્ની સાથે ઓસ્ટ્રેલિયાથી વડોદરા ખાતે મારા મમ્મી-પપ્પાને મળવા માટે આવ્યો હતો. મારો 19 વર્ષનો દીકરો પણ છે, જે હાલ ઓસ્ટ્રેલિયામાં છે.

ગત 26 એપ્રિલના રોજ બપોરના 1 વાગ્યાની આસપાસ મારા ઘરની બહાર નીકળી શટલ રિક્ષામાં બેસીને હું તરસાલી ખાતે ગયો હતો. જ્યાં થોડીવાર આમતેમ ફરીને તરસાલી વુડાના મકાન પાસે બીજો એક રિક્ષાવાળો મને મળ્યો હતો. જેને મેં જણાવ્યું હતું કે, મારે દારૂની બોટલ લેવી છે તો રિક્ષાચાલકે મને જણાવ્યું હતું કે, તમે મારી રિક્ષામાં બેસી જાઓ, હું તમને દારૂની બોટલ અપાવું છું એમ કહેતા હું તેમના વિશ્વાસમાં આવી તેમની રીક્ષામાં બેસી ગયો હતો. રિક્ષાચાલકે તેનું નામ જીતુ પઢિયાર હોવાનું મને કહ્યું હતું.

ખેતરમાં લઈ જઈને મને ધમકી આપી લૂંટફાટ કરી

અમે બંને જણા તેની રિક્ષા લઈને તરસાલી શાકમાર્કેટ પાસે આવ્યા હતા. જ્યાં આ રિક્ષાવાળા જીતુએ તેના બીજા બે મિત્રો તેની સાથે લઈ લીધા હતા. ત્યારબાદ જીતુ મને તેની રિક્ષા લઈને તરસાલીની નાની ગલીમાં થઈને સાંજના આશરે ચારેક વાગ્યે એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં અમે બધાએ થોડીવાર બેસીને વાતચીત કરી હતી. ત્યારબાદ જીતુ પઢીયાર અને તેની સાથે આવેલા બીજા બે માણસોએ ભેગા મળી મને ધમકી આપી હતી અને મારા ગળામાં પહેરેલી એક સોનાની માળા, પેન્ડલ, બ્રેસલેટ અને બે સોનાની વીંટી મારી પાસેથી લૂંટી લીધી હતી અને સાંજના આશરે 6.30 વાગ્યાની આસપાસ તેઓ ભાગી ગયા હતા.

પોલીસને કહેતો નહીં, નહીંતર મારી નાખીશું

તેઓએ જતા-જતા મને જણાવ્યું હતું હતું કે, આ વાત પોલીસને કહેતો નહીં, નહીતર તું મળીશ, ત્યારે મારી નાખીશું. જેથી હું તેની પાછળ પાછળ ચાલતો ચાલતો પ્રથમ તરસાલી શાકમાર્કેટ આવ્યો હતો અને ત્યાંથી તરસાલી વુડાના મકાન કે જ્યાં મને જીતુ પઢીયાર મળ્યો હતો, ત્યાં ગયેલ હતો પરંતુ, ત્યાં મને જીતુ મળ્યો નહોતો અને 1.66 લાખની કિંમતના 56 ગ્રામ સોનાના ઘરેણા ત્રણેય લોકોએ લૂંટી લીધા હતા, જેથી મારા મમ્મી-પપ્પા મને ગુસ્સે થશે, તે બીકના કારણે હું ઘરે ગયો નહોતો અને ત્યાં તરસાલી વુડાના મકાનના બહારના ભાગે બાંકડા બેસી રહ્યો હતો અને ત્યાં જ સૂઈ ગયેલ હતો.

1.66 લાખની કિંમતના 56 ગ્રામ સોનાના ઘરેણા ત્રણેય લોકોએ લૂંટી લીધ

રાત્રિના સમયે જીતુ પઢીયારની તપાસ કરતા મળી આવ્યો નહોતો. સવાર થતાં જીતુની કોઇ માહિતી ન મળતા બપોર સુધી તેની રાહ જોતો રહ્યો હતો પરંતુ, તે આવ્યો નહોતો. ત્યારબાદ બપોરના આશરે બે-અઢી વાગ્યાની આસપાસ મારા મિત્ર વિરલની ઓફિસે ગયો હતો અને વિરલને સમગ્ર ઘટના જણાવી હતી. જેથી, મારી હકીકત સાંભળીને વિરલે મારા પપ્પાને ફોન કર્યો હતો. જેથી મારા મમ્મી-પપ્પા વિરલની ઓફિસે આવી ગયા હતા.

100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી

ત્યારબાદ વિરલે તેની કારમાં અમને અમારા ઘરે ઉતારી દીઘા હતા પરંતુ, હું મારી સાથે બનેલા બનાવથી ખૂબ જ ગભરાઇ ગયો હોવાથી પોલીસને જાણ કરી નહોતી. જેથી, હવે હું મારો મિત્ર વિરલ અને મારા પપ્પા તરસાલી વુડાના મકાન ખાતે ગયા હતા. જ્યાં તપાસ કરતા આવો કોઇ વ્યક્તિ મળી આવ્યો નહોતો. જેથી, મેં 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી. આ મામલે મેં જીતુ પઢિયાર સહિત 3 શખસો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Reporter: News Plus

Related Post