બાટુમી (જ્યોર્જિયા): મહિલા ચેસ જગતમાં ભારતીય મહિલા ચેસ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક બનશે, કારણકે વિમેન્સ ચેસમાં પહેલી વાર ભારત ની ખેલાડી વર્લ્ડ ચૅમ્પિયન બનશે.
વિશ્વનાથન આનંદના રૂપમાં ભારતને ચેસમાં સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન મળ્યો હતો અને હવે મહિલાઓમાં દેશને પહેલી વિશ્વ વિજેતા મળશે એ નક્કી છે, કારણકે શનિવાર, 26મી જુલાઈએ ફિડે (Fide) વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની જ બે ખેલાડીઓ કૉનેરુ હમ્પી (Koneru Humpy) અને દિવ્યા દેશમુખ (Divya Deshmukh) વચ્ચે રસાકસી થશે અને જે જીતશે એ મહિલા ચેસની સૌપ્રથમ ભારતીય વિશ્વવિજેતા કહેવાશે.હમ્પી કરતાં દિવ્યા અડધી ઉંમરની છે. હમ્પી આંધ્ર પ્રદેશની છે, જ્યારે દિવ્યા નાગપુરની છે. આ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં બન્ને ભારતીય પ્લેયર હોય એવું પહેલી જ વખત બન્યું છે.
અહીં ફાઇનલમાં પહોંચીને તેઓ આવતા વર્ષની પ્રતિષ્ઠિત કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય પણ થઈ છે.ઉલ્લેખનીય છે કે પુરુષોની ચેસમાં ડિસેમ્બર, 2024માં 19 વર્ષનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. તેણે ફાઇનલમાં ચીનના ડિન્ગ લિરેનને પરાજિત કરી દીધો હતો.શનિવારની ફાઇનલની હરીફોમાંથી કૉનેરુ હમ્પી 38 વર્ષની છે અને પીઢ ચેસ ખેલાડી છે. તેણે ગુરુવારે સેમિ ફાઇનલમાં ચીનની ટિન્ગજી લીને હરાવી દીધી હતી. દિવ્યા દેશમુખ 19 વર્ષની છે.તેણે સેમિ ફાઇનલમાં ચીનની જ ભૂતપૂર્વ વિશ્વ વિજેતા ઝોન્ગ્યી ટૅન સામે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બન્ને ચીની ખેલાડીએ ભારતીય હરીફોને હરાવીને ફાઇનલને ઑલ-ચાઇના ફાઇનલ બનાવવાનો મનસૂબો ઘડ્યો હતો, પરંતુ તેઓ એમાં સફળ નહોતી થઈ. ઊલટાનું, આ ફાઇનલ ઑલ-ઇન્ડિયા થઈ ગઈ અને એ સાથે ભારતની મહિલા ચેસમાં નવો ઇતિહાસ સર્જાયો.આ ફાઇનલ જીતનારને 42 લાખ રૂપિયા અને રનર-અપને 29 લાખ રૂપિયાનું ઇનામ મળશે.
Reporter: admin







