News Portal...

Breaking News :

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી વડોદરામાં શેરડીની લારી ચલાવતા કાસુર્ડે સંજયભાઈ રામચંદ્ર બન્યા આત્મનિર્ભર

2025-05-16 16:11:16
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી વડોદરામાં શેરડીની લારી ચલાવતા કાસુર્ડે સંજયભાઈ રામચંદ્ર બન્યા આત્મનિર્ભર


વડોદરા શહેરમાં ૫૩,૫૨૦ શેરી ફેરિયાઓને રૂ.૧૦ હજારથી લઈ રૂ.૫૦ હજાર સુધીની અપાઈ લોન
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી વડોદરામાં  શેરડીની લારી ચલાવતા કાસુર્ડે સંજયભાઈ રામચંદ્ર બન્યા આત્મનિર્ભર
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તા.૧ લી જૂન,૨૦૨૦થી અમલમાં છે.આ યોજના COVID-19 મહામારીથી અસરગ્રસ્ત સ્ટ્રીટ વેન્ડર્સને તેમના વ્યવસાયને પુનઃસ્થાપિત કરવા માટે સહાયરૂપ થાય છે. આ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને કાર્યકારી મૂડી માટે રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન, સમયસર ચુકવણી પર ૭ ટકા વ્યાજ સબસિડી ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે કેશબેક પ્રોત્સાહન, નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા વધારવાનો મુખ્ય હેતુ છે.પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો સમગ્ર દેશમાં લાખો સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળ્યો છે. ગુજરાતમાં આ યોજના હેઠળ નોંધપાત્ર સફળતા મળી છે. 



વડોદરા - શેરડીની લારી ચલાવી લાખોનો વ્યવસાય
વડોદરા શહેરના ૫૫ વર્ષીય લાભાર્થી કાસુર્ડે સંજયભાઈ રામચંદ્ર કે જેઓ છેલ્લા સાત વર્ષથી શેરડીનો રસ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમના જીવનમાં પરિવર્તન લાવનારી સૌથી મહત્વપૂર્ણ ઘટના બની છે,પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેમને મળેલી લોન.સંજયભાઈએ શરૂઆતમાં આ યોજના હેઠળ રૂ.૧૦ હજારની લોન મેળવી આ રકમનો ઉપયોગ કરીને તેમણે પોતાની જૂની ગાડીની મરામત કરી, નવો સ્ટોક ખરીદ્યો અને વ્યવસાયને વધુ વ્યવસ્થિત બનાવ્યો. સમયસર EMI ચુકવીને તેઓ બીજી લોન માટે પાત્ર બન્યા અને પછી ત્રીજી લોન પણ મેળવી. આ ત્રીજી લોન દ્વારા તેમણે પોતાના નાના પુત્ર પ્રવિણ કાસુર્ડે માટે બીજી જ્યુસ ગાડી પણ શરૂ કરી. આજે કાસુર્ડે પરિવાર દરરોજ શેરડીનો રસ વેચીને અંદાજે રૂ.૪ હજાર જેટલી આવક મેળવે છે,જે તેમના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારાની સાબિતી આપે છે.

વડોદરામાં પીએમ સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓ માટે બની મજબૂત ટેકો
રાજ્યમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી (પીએમ સ્વનિધિ) યોજના અંતર્ગત માર્ગ વિહારોને આર્થિક સહાય પહોંચાડવા માટે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.વડોદરા શહેરમાં યોજના હેઠળ તા.૧૫ મે, ૨૦૨૫ સુધીની માહિતી અનુસાર વિવિધ રકમની લોન માટે નક્કી કરેલા કુલ લક્ષ્યાંક સામે નોંધપાત્ર કામગીરી થઈ છે.વડોદરા શહેરમાં આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ.૧૦ હજારની લોન માટે ૩૫,૯૦૩, રૂ.૨૦ હજારની લોન માટે ૧૩,૮૭૦ અને રૂ.૫૦ હજારની લોન માટે ૩૭૪૭ શેરી ફેરિયાઓ સહિત ૫૩,૫૨૦ લાભાર્થીઓને લોન આપવામાં આવી છે, જે શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવામાં સહાયક સાબિત થઈ રહી છે. 



પીએમ સ્વનિધિ યોજનામાં ત્રણ તબક્કામાં મળે છે લોન
* પ્રથમ તબક્કામાં રૂ.૧૦ હજારની કોલેટરલ મુક્ત લોન
* સમયસર ચુકવણી કરતા વેપારીઓ માટે બીજા તબક્કાની રૂ.૨૦હજાર સુધીની લોન
* ત્યારબાદ ત્રીજા તબક્કામાં રૂ.૫૦હજાર સુધીની લોન મળે છે.
આ ઉપરાંત લોન પર ૭ ટકા સુધીની વ્યાજ સબસિડી મળે છે. ડિજિટલ પેમેન્ટ કરનાર વેપારીઓને વધારાની પ્રોત્સાહક રકમ (કેશબેક) પણ મળે છે.

અરજી કેવી રીતે કરવી?
યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે ઑનલાઇન છે. શેરી વિક્રેતાઓ નીચે મુજબ અરજી કરી શકે છે:
1. PM SVANidhi પોર્ટલ ([www.pmsvanidhi.mohua.gov.in](http://www.pmsvanidhi.mohua.gov.in)) પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
2. નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) કે મ્યુનિસિપલ કાર્યાલયમાં જઈને અરજી કરી શકે છે.
3. જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, વ્યવસાયનો પુરાવો અને આધારભૂત રહેઠાણ સાબિતી જમાવવી જરૂરી છે.
4. લોન મળ્યા બાદ નિયમિત EMI ચુકવીને આગલી તબક્કાની લોન માટે પણ અરજી કરી શકાય છે.
રાજ્યમાં યોજનાનો અસરકારક અમલ
ગુજરાત આ યોજનાના અમલમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. રાજ્યભરમાં લાખો શેરી વિક્રેતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. MoHUA ના તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં અંદાજે ૮.૫ લાખથી વધુ શેરી વેપારીઓએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવી છે, જેમાંથી મોટાભાગે વેપારીઓએ સમયસર ચુકવણી કરીને વધુ લોન માટે પણ અરજી કરી છે.આ યોજનાથી શહેરોના અનૌપચારિક અર્થતંત્રને વધુ મજબૂત આધાર મળ્યો છે. આ યોજના થકી ગોલગપ્પા વાળાઓથી લઈ નાસ્તાની લારી ચલાવતા લોકો, વિવિધ પ્રકારના શેરી વેપારીઓ પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરી રહ્યાં છે.

Reporter:

Related Post