મોસ્કો: રશિયા-યુક્રેન યુદ્ધ સાથે અમેરિકા અને રશિયા વચ્ચે પણ ટશન શરૂ થઈ ગઈ છે. રશિયાએ ચીમકી આપી છે કે,જો અમેરિકી શસ્ત્રો તેની સરહદ નજીક આવશે તો તે પોતાની સરહદોનું રક્ષણ કરવા પરમાણુ શસ્ત્રો તૈનાત કરશે.
વાસ્તવમાં અમેરિકાએ તાજેતરમાં જ પોતાના લાંબા અંતરના મિસાઇલ્સ જર્મનીમાં ગોઠવવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે, નાટો અને યુરોપના રક્ષણ માટે તે જર્મનીમાં શસ્ત્રો તૈનાત કરશે જેમાં ટૉમ-હૉક અને નવા હાઈપર-સોનિક- મિસાઇલ્સ સામેલ હશે.આનો જવાબ આપવો રશિયા માટે સ્વાભાવિક છે કારણ કે તેથી અમેરિકી શસ્ત્રો રશિયાની નજીક પહોંચી જશે.ન્યૂઝ એજન્સી ઇન્ટર-ફેક્સ સાથે વાત કરતાં રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સર્ગેઈ રયાબકાદે કહ્યું હતું કે, રશિયા, નાટો દેશોથી ઘેરાયેલા તેના કાવીનીનગ્રાડ ક્ષેત્રમાં રક્ષણ માટે વિશેષ ધ્યાન આપશે.
અમેરિકાની ભવિષ્યની યોજનાઓ વિષે તેમણે કહ્યું કે, હું કોઈ પણ વિકલ્પનો ઇન્કાર નથી કરતો. જો જરૂર પડશે તો, અમે પરમાણુ શસ્ત્રો પણ તૈનાત કરીશું.ગયા મહિને જ રશિયન પ્રમુખ પુતિને કહ્યું હતું કે, મોસ્કો હવે ટૂંકા અંતરના મિસાઇલ્સ બનાવવા માટે કામ શરૂ કરશે. વધુ હળવા પરંતુ વધુ ઘાતક મિસાઇલ્સનું ઉત્પાદન વધારવા સાથે તે પણ નક્કી કરીશું કે, તે કયાં ગોઠવવા. મોટા ભાગના રશિયન મિસાઇલ્સ પરમાણુ શસ્ત્રો લઈ જવાને સક્ષમ છે.
Reporter: admin