તંત્ર દ્વારા રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવતા બેનર અને પ્લોટ લગાવવાનું આયોજન..
ઓપરેશન સિંદૂર બાદ 26 મેએ પ્રથમવાર વડોદરા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે એરપોર્ટ સર્કલથી ફતેગંજ બ્રિજ અને ખોડિયારનગર સુધીના માર્ગને લાઈટિંગ સહિત રંગરોગાન કરી સુશોભિત કરાયો છે.

ઉપરાંત રૂટ પર ઈન્ડિયન એરફોર્સના ફાઇટર જેટ અને મિસાઈલના પ્લોટ્સ પણ લગાવાશે. તંત્ર દ્વારા રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવતા બેનર અને પ્લોટ લગાવવાનું આયોજન કરાયું છે.ઉપરાંત માંજલપુર તુલસીધામ, એલએન્ડટી, કાલાઘોડા અને છાણી સર્કલને આઈકોનિક સર્કલ બનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરાયું છે. આ સર્કલ પર પણ ઓપરેશન સિંદૂર અને એરફોર્સના ફાઇટર જેટ અને મિસાઈલના પ્લોટ મૂકાશે અને સર્કલને લાઈટિંગ પણ કરાશે. જ્યારે શહેરમાં લગાવેલી એલઈડી ખાતે પણ ઓપરેશન સિંદૂરને લગતા વીડિયો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પાલિકા દ્વારા 25 અને 26 મેએ લાલકોર્ટ, ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ સહિત ચાર દરવાજા વિસ્તારને રોશની કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પાલિકા દ્વારા 30 હજાર મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ દીઠ 1500 લોકોને પણ સવારે 9 વાગ્યાથી જ રોડ શોમાં હાજર રાખવા આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન 10:15 કલાકે એરપોર્ટ પર પહોંચતાં જ તેમના સ્વાગત કાર્યક્રમ બાદ જૂના એરપોર્ટથી એરપોર્ટ સર્કલ થઈને એરફોર્સ ગેટ સુધી 650 મીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિ-રવિએ પણ કલેક્ટર કચેરી ચાલુ રહેશે
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલી વાર ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. અમદાવાદ, દાહોદ, ભૂજમાં આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. ત્યારે દાહોદ જતાં પહેલાં વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ બહાર મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવાના આયોજની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર કચેરી અને મહેસુલી કચેરીઓ 24 અને 25 મેના (શનિ-રવીવારે) રોજ ચાલુ રહેશે. જોકે, હજુ વડોદરા કોર્પોરેશન દ્વારા શનિવારે અને રવિવારે કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. નાયબ નિવાસી કલેકટર દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. તંત્ર દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત વડોદરાની મહિલાઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમોની તૈયારીઓ માટે 24 અને 25 મેએ કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીના તાબા હેઠળની મહેસુલી કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Reporter: admin