ચોમાસા દરમિયાન કુલ ૧૨૬ કિ.મી. લંબાઈનો રસ્તો બિસ્માર થયો હતો, ૧૨૧ કિ.મી. લંબાઈના રસ્તાઓ રિપેર થઈ ગયા

વડોદરા ઝોનની નગરપાલિકાઓમાં રોડ-રસ્તાની સ્થિતિની દેખરેખ રાખવા ૮ અધિકારીઓને વિશેષ કામગીરી સોંપાઈ
રાજ્યમાં ચોમાસામાં વરસાદના કારણે રસ્તાઓને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય રાત-દિવસ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા ઝોન હેઠળની ૨૫ નગરપાલિકાઓમાં ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી ૯૬ ટકા સુધી પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર પાંચ કિલોમીટર લંબાઈની રસ્તાનું દુરસ્તીકરણનું કામ બાકી છે, જેને ત્વરાએ પૂર્ણ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે.વડોદરા ઝોન હેઠળની ૨૫ નગરપાલિકાઓ હસ્તકના કુલ રસ્તાની લંબાઈ ૧,૫૩૦ કિલોમીટર છે, જે પૈકી ફિલ્ડ સર્વે અને નાગરિકો દ્વારા મળેલી ફરિયાદોને ધ્યાનમાં લેતા કુલ ૧૨૬.૫૮ કિલોમીટર રસ્તાઓ ચોમાસાના કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા. જે પૈકી કુલ ૧૨૧.૫૮ લંબાઈના રસ્તાઓ રિપેર કરી દેવામાં આવ્યા છે. માર્ગ મરામત માટે હોટ મિક્સ, વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ ડામર તેમજ પ્રાઈમ કોટ અને ટેક કોટ ઉપરાંત પેચિંગ મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રસ્તાઓને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કામગીરીના નિરીક્ષણ સહ સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે. માર્ગ મરામતની કામગીરી સત્વરે થવાની સાથે નોંધપાત્ર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બને તેમજ નાગરિકોને પડતી નાની-નાની તકલીફોનો ત્વરિત ઉકેલ લાવી શકાય તેવા હેતુથી વડોદરાના પ્રાદેશિક કમિશ્નર (નગરપાલિકાઓ) સુરભિ ગૌતમ દ્વારા આઠ અધિકારીઓને રોડ-રસ્તાની દેખરેખ રાખવા માટે નિયુક્તિ કરી છે.
આ હુકમ અંતર્ગત વડોદરા જિલ્લાની ડભોઈ, કરજણ, પાદરા, સાવલી તથા વાઘોડીયા નગરપાલિકાના રોડ-રસ્તાની સ્થિતિ દેખરેખની કામગીરી અધિક કલેક્ટર મેહુલ પંડ્યા અને મ્યુનિસપલ ઈજનેર (હાઉસિંગ) મયંક પરમારને સોંપવામાં આવી છે.આવી જ રીતે પંચમહાલ જિલ્લાની નગરપાલિકાઓ માટે નાયબ કલેક્ટર એસ. વી. કલસરીયાને, મહીસાગર અને દાહોદ જિલ્લાની નગરપાલિકાઓ માટે કાર્યપાલક ઈજનેરશ્રી અમિત પટેલ તેમજ છોટા ઉદેપુર અને આણંદ જિલ્લાની નગરપાલિકાઓ ખાતે રોડ-રસ્તાની સ્થિતિની દેખરેખ માટે ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડિયાની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે, વાહનચાલકો અને રાહદારીઓને માર્ગોની માળખાકીય સુવિધાનો લાભ મળે અને નાગરિક જીવનમાં કોઈ અગવડ ન પડે તે ધ્યેય સાથે રાજ્ય સરકારના દિશા-નિર્દેશ પ્રમાણે સ્થાનિક વહીવટી તંત્ર રોડ-રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને સત્વરે માર્ગો પૂર્વવત તેમજ વાહનવ્યવહાર યોગ્ય થાય તે સુનિશ્ચિત કરી રહી છે.
Reporter: admin







