News Portal...

Breaking News :

દંતેશ્વરના ભવ્ય દર્શન ફ્લેટના રહિશો દ્વારા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ

2025-11-21 11:50:16
દંતેશ્વરના ભવ્ય દર્શન ફ્લેટના રહિશો દ્વારા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ


સ્થાનિકોએ વિરોધ કરતાં વીજ કંપનીના કર્મીઓ દ્વારા વીજ જોડાણ કાપવાની ચિમકી 



કોઇપણ પ્રકારની ગ્રાહકોને જાણ  કે કંપ્લેઇન વિના સ્માર્ટ મીટર લગાવવા આવ્યા
શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટર નું ભૂત ધૂણ્યું છે. દંતેશ્વર વિસ્તારમાં આવેલા બંસલ મોલની સામે આવેલા ભવ્ય દર્શન. ફ્લેટ્સ ખાતે ગુરૂવારે મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના કર્મચારીઓ  અહીં સ્માર્ટ મીટર લગાવવા માટે ગયા હતાં જેના કારણે સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો જેના પગલે એક તબક્કે એમ જી વી સી એલના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી હતી તે દરમિયાન સ્થાનિકો અને મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના કર્મીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું આ સમયે વીજ કંપનીના કર્મીઓ દ્વારા સ્થાનિકોને વીજ જોડાણ કાપી નાખવાની પણ ધમકી આપી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયાં હતાં.વીજ કંપનીના કર્મચારીઓ ની મનમાની અને દાદાગીરી ને કારણે સ્થાનિકોમાં ડર ની સાથે સાથે ભારે રોષ ફેલાયો હતો.શહેરમાં સ્માર્ટ મીટરનો શરુઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ જે સ્થળેએ નાગરીકોની કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વિના જ સ્માર્ટ વીજ મીટર લાગાવી દેવાયા હતા જેના કારણે  અગાઉ કરતાં બમણું વીજ બીલ આવતું હોય છે જેના કારણે મર્યાદિત આવક વચ્ચે લોકોને આર્થિક રીતે પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો છે ત્યારે ઠેરઠેર આ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુરુવારે  મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવા માટે અહીં પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ઘણા પુરુષો નોકરી ધંધા પર ગયા હતા મોટાભાગના મકાનોમાં મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ હતા તે દરમિયાન વીજ કંપનીના કર્મીઓ સ્માર્ટ વીજ મીટર લગાડવા પહોંચતાં સ્થાનિક મહિલાઓ સહિત સૌ હાજર લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તેની સામે વીજ કંપનીના કર્મીઓ દ્વારા "સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારા કનેક્શન કપાઇ જશે તેમ ચિમકી આપતા કેટલાક મહિલાઓ અને સિનિયર સિટીઝન મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને પોતાના ઘરના લોકોને ફોન કર્યા હતા ત્યાં સુધીમાં વીજ કંપની ના કર્મીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવાયા હતા.અહી આશરે 200 થી વધુ લોકોએ સ્માર્ટ મીટર નો વિરોધ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ મીટરનો શહેરમાં ઠેરઠેર વિરોધ થતાં મધ્ય ગુજરાત વીજ કંપની લી. દ્વારા  હવે જે તે વિસ્તારમાં ચાલુ કામના દિવસે જ્યારે ઘરના પુરુષો નોકરી ધંધા પર જતાં રહે છે તેવા સમયે બપોરે અચાનક કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના આવીને જૂના વીજ મીટરની જગ્યાએ નવા સ્માર્ટ મીટર લગાડી જતાં હોય છે. બીજી તરફ મીટર રિડીગ લેવા માટે આવતા નોન ટેકનિકલ કર્મચારીઓ દ્વારા વીજ બીલ પર કોઇપણ પ્રકારના મીટરના લેબોરેટરી ટેસ્ટ વિના, ગ્રાહકની ફરિયાદ કે અરજી વિના જ 'મીટર ફોલ્ટી' લખી દેવામાં આવે છે અને ત્યારબાદ જૂના મીટર કાઢી તેને લેબોરેટરીમાં મોકલ્યો હોવાનું ગ્રાહકને જણાવી કાયમ માટે સ્માર્ટ વીજ મીટર લગાવી દે છે ત્યારબાદ ગ્રાહકના જૂના મીટર નું લેબ ટેસ્ટ બાદ શું રિપોર્ટ આવ્યો તે પણ જણાવવામાં આવતું નથી.ગ્રાહકો પણ કામધંધાની વ્યસ્તતામાં ભૂલી જાય છે અને આખરે વધુ વીજ બીલ ભરવા મજબૂર બને છે. આ સ્માર્ટ મીટરથી ગ્રાહકોને ફાયદો નથી થતો કારણ કે મોંઘવારીમાં આવક મર્યાદિત છે પરંતુ સ્માર્ટ મીટર સહિત અન્ય રીતે પણ સામાન્ય નાગરિકોના ખિસ્સાં ખંખેરવામાં આવી રહ્યા છે. 



શા માટે ઉદ્યોગપતિઓના ઘરે,ફાર્મહાઉસ, પેટ્રોલ પંપ, થિયેટર,મોલ, મલ્ટિપ્લેક્સ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં, માલેતુજાર લોકો અને રાજકારણીઓ ને ત્યાં સ્માર્ટ મીટર નથી લગાવાતા? મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે સામાન્ય જનતાને શા માટે આર્થિક બોજ તળે દબાવવામાં આવી રહ્યા છે? 

હું નોકરી પર ગયો ત્યારે વીજ કર્મીઓ જબરજસ્તી થી સ્માર્ટ મીટર લગાવી ગયા
હું મારી જોબ પર સેકન્ડ શિફ્ટ હોઇ ગયો હતો તે દરમિયાન મારું જૂનું વીજ મીટર જે વ્યવસ્થિત રીતે ચાલતું હતું કોઇ અરજી કે ફરિયાદ મેં નથી કરી છતાં પણ મને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના મારી ગેરહાજરીમાં જૂનું મીટર બદલી સ્માર્ટ મીટર લગાવી ગયા. હું નોકરી પરથી બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે જોયું તો વીજ મીટરમાં ડિસ્પ્લે અલગ હતું.મારે આ સ્માર્ટ મીટર નથી જોઇતું એમજીવીસીએલની કચેરીમાં ગયો ત્યારે મને કહેવામાં આવ્યું આખા રાજ્યમાં આ સ્માર્ટ પ્રિ પેઇડ મીટર નાખવાના છે.

-ચતુર પાટીલ - સ્થાનિક

કોઇપણ પ્રકારના ફોલ્ટ કે અરજી વિના જ મીટર બદલી દેવામાં આવે છે?
અમારા ઘરેથી વીજ મીટર અંગેની કોઈપણ પ્રકારની ફરિયાદ નથી ના તો અરજી કરવામાં આવી છે તેમ છતાં પણ જૂના વીજ મીટર કાઢી જબરજસ્તી વીજ કનેકશન કપાઇ જશે તેમ બિવડાવીને આ લોકો જૂના મીટર કાઢી સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું છે. આ સરકાર અમને આર્થિક બોજ નીચે મારવા બેઠી છે.
- પ્રિયાબેન - સ્થાનિક

Reporter: admin

Related Post