અશ્લીલ તસવીરો પાડીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો, પૈસા પડાવ્યા અને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કર્યુ.મીરા રોડમાં રહેતી ૨૬ વર્ષની યુવતીને બ્લૅકમેઇલ કરીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. તેની અશ્લીલ તસવીરો પાડી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી એટલું જ નહીં, હેવાનિયતની સીમા પાર કરીને તેના માથાના બધા વાળ રેઝરથી કાઢી નાખ્યા હતા. આ મામલે નયાનગર પોલીસે ૬ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે.
મીરા રોડના શાંતિનગરમાં રહેતી આ યુવતીના પિતા ડૉક્ટર છે અને તેમનું પોતાનું દવાખાનું છે. ઑક્ટોબર ૨૦૨૩માં સોસાયટીમાં ગણપતિ માટે ઢોલ વગાડતા ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. એ વખતે યુવતીનો પરિચય કલ્યાણના બાવીસ વર્ષના મોહસિન શેખ સાથે થયો હતો. યુવતીએ નયાનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઓળખાણ થયા બાદ સોશ્યલ મીડિયા પર તેમની વચ્ચે વાતચીત થવા લાગી હતી. તે આ પ્લૅટફૉર્મ પર આઇ લવ યુના મેસેજ મોકલતો હતો, પણ યુવતી ઇગ્નૉર કરતી હતી. ત્યાર બાદ મોહસિન યુવતીના ઘરે કોઈ નહોતું ત્યારે બિરયાની લઈને ગયો હતો અને એમાં નશાની દવા ભેળવીને તેને ખવડાવી હતી. યુવતી બેભાન થઈ ગયા પછી મોહસિને તેના પર બળાત્કાર કર્યો હતો અને તેની અશ્લીલ તસવીરો પણ ખેંચી હતી. આ ફોટો અને વિડિયોથી બ્લૅકમેઇલ કરીને તેણે યુવતીના ઘરે અને લૉજમાં અનેક વખત વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. એક વખત કિટની મદદથી ટેસ્ટ કરતાં તે પ્રેગ્નન્ટ હોવાનું પણ જણાયું હતું. એથી મોહસિને તેને કોઈ ગોળી આપી હતી. મોહસિન યુવતીને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા દબાણ કરતો અને તે ના પાડતી તો તેને મારતો હતો. એક વખત તો તેણે યુવતીના માથાના બધા વાળ રેઝરથી કાઢી નાખ્યા હતા. યુવતીએ ફરિયાદમાં એવો પણ આરોપ કર્યો છે કે મોહસિન રોકડ અને સોનાની વસ્તુઓ જેમ કે ચેઇન, બ્રેસલેટ વગેરે માગતો હતો. યુવતી ડરીને તેને બધું લાવી આપતી હતી. યુવતી પાસેના ત્રણ લાખ રૂપિયાની ઉચાપત પણ મોહસિને કરી હતી.
Reporter: News Plus