સાવલી, વાઘોડીયા, શિનોર તાલુકાઓમાં ખાડાઓ પૂરીને માર્ગોને દુરસ્ત કરવામાં આવ્યા

માર્ગો-પુલોના મરામત કામોની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે
રાજ્યમાં ચોમાસામાં વરસાદના કારણે રસ્તાઓને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય રાત-દિવસ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લામાં પણ બિસ્માર માર્ગોને રિપેર કરવાની કામગીરી સતત ચાલી રહી છે. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં વાહનચાલકો અને રાહદારીઓને નાની-નાની વસ્તુની પણ તકલીફ ન પડે તેમજ માર્ગોની માળખાકીય સુવિધાનો લાભ મળે તે માટે પેચ વર્ક અને પોટહોલ્સ પૂરવાની કામગીરી સહિતની મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર જઈને પણ સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં સ્થળ નિરીક્ષણ ઉપરાંત સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, માર્ગ અને મકાન વિભાગના ૨૪*૭ કંટ્રોલરૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા અન્ય માધ્યમો પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરવા ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિયમિત ફોલો અપ અને ફિલ્ડ ચેક પણ કરવામાં આવી રહ્યું છે, જેથી સર્વગ્રાહી ઉકેલ લાવી શકાય. આ તમામ પ્રયાસોના કારણે વડોદરા જિલ્લામાં માર્ગ દુરસ્તી અંગે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.માર્ગ મરામતનું કામ સતત ચાલતું રહે અને નાગરિક જીવનમાં કોઈ અગવડ ન પડે તે ધ્યેય સાથે જિલ્લા વહીવટી તંત્ર વધારાનું માનવબળ કામે લગાડીને ક્ષતિગ્રસ્ત માર્ગોને પૂર્વવત કરવાને પ્રાથમિકતા આપી રહ્યું છે. રાજ્ય સરકાર પણ રોડ-રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને સત્વરે માર્ગો પૂર્વવત તેમજ વાહનવ્યવહાર યોગ્ય થાય તે સુનિશ્ચિત કરી રહી છે.




Reporter:







