નવી દિલ્હી : સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે લગાવેલા વડા પ્રધાન નરેદ્ર મોદીએ લગાવેલા સેંગોલને હટાવવાની માંગ વિપક્ષી દળોએ કરી છે.
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ આરકે ચૌધરીએ કહ્યું કે, ‘સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. તેને હટાવીને તેની જગ્યાએ બંધારણ સ્થાપિત કરવું જોઈએ કેમ કે બંધારણ લોકશાહીનું પ્રતીક છે. 'સેંગોલ'નો અર્થ 'શાહી લાકડી' થાય છે, અને એનો બીજો અર્થ 'રાજાનો સળિયો' પણ થાય છે. રજવાડાનો અંત લાવી આપણો દેશ આઝાદ થયો હતો. તો શું હવે ફરી દેશ રાજાની લાકડીથી ચાલશે? બંધારણ બચાવવા માટે સેંગોલને સંસદમાંથી હટાવવામાં આવે. આરકે ચૌધરીના નિવેદનને સમાજવાદી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ, આરજેડી અને શિવસેના(યુબીટી) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત કહ્યું કે,‘બંધારણ જ વધુ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે, ‘ભાજપે પોતાની મરજીથી સેંગોલ લાદ્યો છે. સપાની માંગ ખોટી નથી. સંસદે બધાને સાથે લઈને ચાલવાનું હોય, પરંતુ ભાજપ મનસ્વી રીતે કામ કરે છે.’ આરજેડી નેતા મીસા ભારતીએ કહ્યું કે, ‘દેશમાં લોકશાહી છે, રાજાશાહી નહીં. સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે, એને મ્યુઝિયમમાં મૂકો.’
Reporter: News Plus