વડોદરા: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનો ડિજિટલ કરન્સી (ડિજિટલ રૂપિયો અથવા ઈ-રૂપિયા)નો પ્રયોગ યુપીઆઈ(યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતા સામે ટકી શકે તેમ નથી અને તે નિષ્ફળ ગયો છે.
આ તારણ એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સ વિભાગના પ્રોફેસર મનોજ પરમારે પોતાના રિસર્ચ પેપરમાં રજૂ કર્યું છે.'ઈમ્પેકટ ઑફ આરબીઆઈસ ડિજિટલ રુપી ઓન ટ્રેડિશન બેન્કિંગ સિસ્ટમ ઈન ઈન્ડિયા' વિષય પરના આ રિસર્ચ પેપરને તામિલનાડુના ચેન્નાઈ ખાતે યોજાયેલી એક નેશનલ કોન્ફરન્સમાં શ્રેષ્ઠ રિસર્ચ પેપરનો એવોર્ડ મળ્યો છે. મનોજ પરમારનું કહેવું છે કે, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધના પગલે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયામાં લેવડ-દેવડ કરવાના હેતુથી તેમજ ઘરઆંગણે રોકડ પરની નિર્ભરતા ઓછી કરવા માટે ઈ-રૂપિયો (હોલસેલ) અને ઈ-રૂપિયો (રિટેલ) એમ બે પ્રકારે ડિજિટલ કરન્સી લોન્ચ કરી હતી.
જોકે, યુપીઆઈના વર્ચસ્વ સામે આ પ્રયોગ લાંબો ચાલી શકે તેમ નથી. જેમ કે આજે દર મહિને 11 અબજ અને રોજના 30 કરોડ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ થકી થાય છે. જેનું કુલ મુલ્ય 17 લાખ કરોડ રૂપિયા છે. તેની સામે સપ્ટેમ્બર 2024 સુધીમાં ડિજિટલ કરન્સી સાથે 40 લાખથી વધારે વેપારીઓ જોડાયા છે પણ તેના થકી થતા ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે. 2023માં એક તબક્કે ડિજિટલ કરન્સીના 10 લાખ ટ્રાન્ઝેક્શન થતા હતા અને હાલમાં રોજ ડિજિટલ કરન્સી થકી માત્ર એક લાખ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જેનું કુલ મુલ્ય માત્ર 323 કરોડ રુપિયા છે. તેની સામે ભારતમાં 35 લાખ કરોડનું રોકડ ચલણ ફરે છે. આમ ડિજિટલ કરન્સી થકી થતા નાણાંકીય વ્યવહારો વધવાની જગ્યાએ ઘટી રહી છે.
Reporter: admin







