www.jagannathjiahd.org વેબસાઇટ પર ઓનલાઈન રથયાત્રા દર્શનનો લાભ લઈ શકાશે
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા આગામી 27 જૂન, અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે યોજાવા જઈ રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવાતી આ રથયાત્રા માટે જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત મંદિર પરિસરનો રૂપિયા 1 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. આ રથયાત્રાને ઓનલાઈન પણ નિહાળી શકાશે.જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો મોટી સંખ્યામાં પધારશે. ભક્તો www.jagannathjiahd.org વેબસાઇટ પર ઓનલાઈન રથયાત્રા દર્શનનો લાભ લઈ શકશે.27 જૂનના રોજ પરંપરાગત રૂટ પર રથયાત્રા નીકળશે. સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. ત્યારબાદ ભગવાનને ઢોલ-નગારા સાથે રથમાં બિરાજમાન કરવામાં આવશે.
સવારે 7:30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરાવી રથનું પ્રસ્થાન કરાવશે.રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમો 25 જૂને સવારે 8 વાગ્યે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરાશે. સવારે 9:30 વાગ્યે ધ્વજારોહણ વિધિ થશે, જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સવારે 11 વાગ્યે સંતોનો ભવ્ય ભંડારો અને સન્માન થશે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.રથયાત્રાની શહેર શાંતિ સમિતિની બેઠક 26 જૂને સવારે 10 વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન થશે. સવારે 10:30 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન થશે. 11 વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવશે. આજે સાંજે 5 વાગ્યે રથયાત્રાની શહેર શાંતિ સમિતિની બેઠક મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે યોજાશે. સાંજે 7:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાઆરતીમાં ભાગ લેશે.
Reporter: admin







