અમદાવાદ : ચાંદલોડિયા-ખોડિયાર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર કોઇએ ૨૦ ફુટ લાંબી લોંખડની એન્ગલ વાળીને મુકીને વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને ઉડાવી દેવા માટે કાવતરૂ ઘડયુ હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.
રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વંદેભારત એક્સપ્રેસની આગળના ભાગમાં ફસાઇ જતા ટ્રેનને ઉભી રાખીને એન્ગલ બહાર કાઢીને ટ્રેનને સલામત રીતે રવાના કરવામાં આવી હતી.સાબરમતીમાં આવેલા સર્વોત્તમ નગરમાં રહેતા ભાગવત બેહેરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડીવીઝનમાં ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે સીનીયર સેક્શન એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડીયા બી પેનલ રલવે સ્ટેશન લાઇનથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે યોગ્ય રીતે રેલ વ્યવહાર જળવાઇ રહે તે જોવાની કામગીરી સોંપવામાં આવી છે.
રવિવારે રાતના સાડા આઠ વાગે તેમને મેસેજ મળ્યો હતો કે કોઇએ ખોડીયાર રેલવે લાઇન થાંભલા નંબર ૫૧૦ પાસે રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વાળીને મુકી હતી. આ સમયે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસમાં લોખંડની એન્ગલ ફસાઇ જતા પાયલોટે ટ્રેનને ઉભી રાખતા મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. બાદમાં આશરે નવ મિનિટ બાદ ટ્રેનમાંથી એન્ગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી હતી. વંદેભારત એક્સપ્રેસ પસાર થઇ તે પહેલા આ ટ્રેક પરથી ગાંધીધામ જતી એક માલવાહક ટ્રેન પણ પસાર થઇ હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Reporter: admin