ડાકોર : પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં સાંજે તુલસીવિવાહ ધામધૂમથી ઉજવાશે. સાંજે રણછોડરાયજી સોળેશણગાર સજી ઘોડા ઉપર બિરાજમાન થશે.
મંદિરમાં બનાવેલા આંઠે કુંજોમાં તુલસીજી સાથે રણછોડરાયજી પરંપરાગત લગ્ન કરશે. લગ્નના વરઘોડામાં બાળકો મેરાયું લઈને જોડાશે. જ્યારે ડાકોરની ગૃહિણીઓ રણછોડરાયજી પાછળ લૂણ ખખડાવશે.ડાકોર ટેમ્પલ કમિટિના ટ્રસ્ટી ભરતભાઈના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સવારે નિત્યક્રમાનુસાર મંગળા આરતી બાદ ઠાકોરજીને ઝરીના અલંકારિત વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે. શણગાર આરતી બાદ શેરડીના રાડાનું મંડપ મુહુર્ત નીજ મંદિરમાં કરવામાં આવશે. ત્યારબાદ ઠાકોરજીને નિત્યક્રમ અનુસાર બપોરે પોઢાડી દેવામાં આવશે. સાંજે સોળે શણગારમાં શુસજ્જ દુલ્હાના સ્વરૂપમાં ઠાકોરજીને સજાવવામાં આવશે અને ઘોડા ઉપર ઠાકોરજીને બિરાજમાન કરી મંદિરમાં બનાવેલા આઠેય કુંજોમાં તુલસીની પ્રતિમા સાથે અર્ધલગ્ન કરાવી જુના રીત-રિવાજ અને પરંપરા મુજબ લક્ષ્મીજીએ લઈ જવામાં આવશે.
ત્યાં મંદિરના ચેરમેન દ્વારા લક્ષ્મીજીની પ્રતિમાના પાછળના ભાગમાં બનાવેલા કુંજમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લક્ષ્મીજી સાથે ઠાકોરજીને બિરાજમાન કરાવાશે. મંદિરમાં પરત આઠ કુંજોમાં તુલસીજી સાથે લગ્ન વિધિ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ઠાકોરજીની ઈન્ડીપીન્ડીથી નજર ઉતારી તુલસીજીની પ્રતિમા સાથે ઠાકોરજીના સયન કક્ષમાં બિરાજમાન કરાવવામાં આવશે. વૈષ્ણવ ભક્તોની હાજરીમાં ઠાકોરજીની ધામધૂમથી ભારે આતશબાજી સાથે લગ્નોત્સવ ડાકોરમાં ઉજવવામાં આવશે. લગ્નના વરઘોડામાં ડાકોરના ભૂલકાંઓ શેરડીના રાડામાં કોપરાનું કાચલું મુકી અંદર ઘીના દિવા પ્રગટાવી અને વરઘોડા સાથે જોડાશે. ડાકોરની ગૃહિણીઓ ઠાકોરજીના ઘોડા પાછળ લુણ ખડખડાવવાની પપરમ્પરાનો લાભ લેશે.
Reporter: admin