વડોદરા : શહેર સ્થિત કોયલી ખાતે આવેલી ગુજરાત રીફાઇનરી(IOCL) માં આજે બપોરે અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.
આસપાસમાં રહેતા રહીશો આ ધડાકાના કારણે ધ્રુજી ઉઠ્યાં હતા. બ્લાસ્ટને પગલે આખા વિસ્તારમાં સાયરનના અવાજો ગુંજી ઉઠતા ફાયર બ્રીગેડની ટીમ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંચ કિ.મી દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા નિકળતા જોવા મળી રહ્યાં હોવાનું તેઓ જણાવી રહ્યાં છે.બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલા કોયલી ગામ સ્થિત આવેલી ગુજરાત રીફાઇનરી (IOCL) (ઇન્ડિયનય ઓઇલ કોર્પોરેશન લી.) કંપનીમાં આજે બપોરના સમયે અચાનક બોઇલરમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે અંદાજીત 8 કિ.મી સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિકો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રીફાઇનરીમાં બોઇલરની સાથે પ્લાન્ટ નં A-1, A-2માં આગ લાગી હોવાનુ જાણવા મળી રહ્યું છે. પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટતા ઓઇલ ટેન્કમાં પણ આગ પ્રસરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે. જોકે આ અંગે હજી સુધી કંપનીના સત્તાધીશો દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.સ્થાનિકોએ મીડિયા સાથે વાત કરતા એવું પણ જણાવ્યું કે, બ્લાસ્ટ થતાં આસપાસના મકાનો ધ્રજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર બ્રીગેડના લાશ્કરો અને કંપનીના ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.
Reporter: admin