પાલિકા રાણાજીના ભરોસે હતી, જનતા રામ ભરોસે..
સત્તા લોભીયા અને ભ્રષ્ટ કમિશનરને, શાસક અને વિપક્ષનાં નેતાઓએ ભાવભીની વિદાય આપી
કોર્પોરેશનમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવી રહેલા દિલીપ રાણાને આખરે ચાલુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન જ રાજ્ય સરકારે વડોદરામાંથી તગેડી મુક્યા છે. બોલ બચ્ચન રાણાજી ઉપર હવે રાજ્ય સરકારને પણ વિશ્વાસ રહ્યો ન હતો.કારણ કે 100 દિવસમાં જે કામ થવું જોઇએ તેના બદલે એક મહિનામાં યોગ્ય રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ જ શરુ થયું નથી. આમ છતાં કમિશનર રાણાજી છેલ્લા દિવસે પણ પોતાની વાહવાહી બટોરવાનું ચુક્યા નથી. પબ્લીસીટીના ભુખ્યા રાણાજીએ પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાહવાહી કરતા બોલ બોલ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પોતે સર્વજ્ઞાની છે અને પોતાના જ અધિકારીઓને નીચાજોણું કર્યું હતું.

રાણાજીએ પ્રેસ કોન્ફન્સમાં કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અત્યાર સુધી એવરેજ 30 ટકા કામ થયું છે.એનો અર્થ એ થાય કે તેમણે બાકીનું 70 ટકા કામ નવા કમિશનર પર છોડી દીધું છે. એટલે કે પાલિકા રાણાજીના ભરોસે હતી અને જનતા હવે રામભરોસે છે. રાણાજીએ પોતાની એવી વાહવાહી કરી કે તેમણે અધિકારીઓને ટ્રેનીંગ આપી હતી. એનો મતલબ જ એ થાય છે કે પોતે બહુ હોંશિયાર છે અને બાકીના ડફોળ છે. આમ કહીને તેમણે પોતાના જ અધિકારીઓને નીચા બતાવ્યા છે. જો રાણાજી તમે એટલા જ હોંશિયાર હતા તો ગયા વર્ષે જ્યારે ભયાનક પૂર આવ્યું ત્યાર પછી જ તમારે કામ શરું કરી દેવું જોઇતું હતું ને..તેવો સવાલ થઇ રહ્યો છે. 100 દિવસમાં જ કામ કરવું એવું તમને કોણે કહ્યું હતું? નવલાવાલા રિપોર્ટ આવે પછી જ તમે કામ શરુ કરો તેવું કોણે કહ્યું. તમારે કમસે કમ તમામ ઝોનની કાંસોની સફાઇ તથા તેનાં ઉપરનાં દબાણ દુર કરવાની કામગીરી શરુ કરી દેવી જોઇતી હતી. જ્યાં સુધી નવલાવાલા રિપોર્ટ ના આવ્યો ત્યાં સુધી રાણાજી પોતાની એસી ચેમ્બર અને કેમ્પ ઓફિસમાં 'વહિવટ' કરતા રહ્યા. રાણાજી હોંશિયાર છે એટલા માટે કે આવતા વર્ષે પૂર આવશે તો તેઓ દોષનો ટોપલો નવલાવાલાજી ઉપર ઢોળી દેશે અને કહેશે કે અમે તો નવલાવાલા રિપોર્ટના આધારે કામ કર્યું હતું. અને જો પૂર નહીં આવે તો કહેશે કે એ મારુ કામ હતું અને મારા લીધે આ વખતે પૂર આવ્યું નથી. રાણાજીને એક પણ વાતે પહોંચી શકાય તેમ નથી. વડોદરાના લોકો તો માની રહ્યા છે કે રાણાજી અપશુકનિયાળ કમિશનર હતા અને તેમના લીધે તેમના 2 વર્ષના કાર્યકાળમાં વડોદરાવાસીઓને ત્રણ પૂરનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે જે પૂર આવ્યું તે તો માનવસર્જીત પૂર હતું. રાણાજીના રાજમાં કાંસોની સફાઇ જ થઇ ન હતી.કરોડોની રકમ સ્વાહા થઈ ગઈ. રાણાજીના કારણે લોકોને 25 હજાર કરોડનું નુકશાન થયું હતું. લોકોના ગોડાઉન, ઘર અને દુકાનમાં રહેલો માલસામાન નષ્ટ પામ્યો હતો અને અનાજ પણ પલળી ગયું હતું. લોકોના ઘરમાં અઠવાડીયા સુધી પાણી રહ્યું હતું. રાણાજીની કામગીરી તો જુવો કે પશ્ચિમ વિસ્તારને વિશ્વામિત્રીના પૂર સાથે કોઇ લેવા દેવા નથી પણ આમ છતાં પશ્ચિમ વિસ્તાર પણ ગયા વર્ષે જળબંબાકાર હતો અને તે રીતે પૂર્વ વિસ્તાર પણ જળબંબાકાર હતો. વડોદરા શહેરનો 80 ટકા વિસ્તાર જળબંબાકાર હતો. વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારોમાં નદીનું પૂર અસર કરે તે સ્વાભાવિક છે પણ વિશ્વામિત્રીથી દુર આવેલા પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર રહે તે કેવી રીતે બને ..આવું બન્યું હતું કારણ કે રાણાજીએ વરસાદી કાંસોની સફાઇ જ કરાવી ન હતી. જો કરાવી હતી તો કોન્ટ્રાક્ટરોએ વેઠ ઉતારી હતી અને તેમના અધિકારીઓએ ઇન્સ્પેક્શન જ કર્યું ન હતું. રાણાજીએ એવા તો ક્યા કરતૂતો કર્યા કે તેમને ચાલુ પ્રોજેક્ટમાંથી તગેડી મુકાયા છે. છતાં પોતાની ટંગડી ઉંચી રાખી છેલ્લે છેલ્લે પણ પોતાની વાહવાહી કરવાનો રાણાજીએ બાલીશ પ્રયાસ કર્યો હતો.
રાણાજી, નદીમાંથી કચરો નહીં, લોકોનો ભરોસો નીકળ્યો હતો...
વિશ્વામિત્રીમાંથી કચરો મળ્યો તેમ તેમણે કહ્યું હતું પણ રાણાજી તમને ખબર નહીં હોય પણ આ ગરીબ અને મધ્યમવર્ગના લોકોની ઘરવખરી હતી. પોતે જ કબુલ કરે છે કે 30 વર્ષમાં સફાઇ થઇ નથી તે બધો કચરો નદીમાંથી નિકળે છે. તમારા રાજમાં ત્રણ ત્રણ પૂર ભોગવી ચુકેલા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અને ધનિકોને પણ કરોડો રુપિયાનું તમારા લીધે નુકશાન થયું છે. દુકાનો અને ગોડાઉનો તથા વાહનો, ઘરનો માલ નષ્ટ થઇ ગયો હતો. પૂર માટે માત્રને માત્ર રાણાજી જવાબદાર હતા. રાણાજી હવે વડોદરાને માફ કરો..તમને વડોદરાના લોકો સાત પેઢી યાદ રાખશે. રાણાજીને કહેવાનું મન થાય કે નદીમાંથી કચરો નહી પણ તમારા પ્રત્યે જે ભરોસો હતો તે નીકળ્યો હતો. તમે વડોદરાના લોકોનો ભરોસો તોડી નાખ્યો હતો અને મનહૂસ સાબિત થયા હતા.

પૂર વખતે એસી કન્ટ્રોલ રુમમાં બેસી સીનશોટ કર્યે રાખ્યા...
પૂર વખતે પાલિકાના શાસકો ઘરમાં ભરાઈ ગયા હતા.વડોદરાના લોકો હજુ પણ પૂરની તારાજી ભુલ્યા નથી.મેયર, ચેરમેન, નેતાઓ,રાણાજી અને તેમના અધિકારીઓ એસી કન્ટ્રોલ રુમમાં જ બેસી રહ્યા હતા. અને ચા નાસ્તા સાથે માત્રને માત્ર મોનીટરીંગ કરીને વડોદરાની જનતાને પૂરમાં રીબાતી જોયા કરી હતી. વડોદરાના લોકોને આ તમામ માહિતીની જાણ છે તેમની સાથે મેયર, ચેરમેન અને સીએફઓ પણ પૂરની તારાજી સ્ક્રીન ઉપર જોતા રહ્યા હતા. પોતે પૂરમાં કેવું કામ કરે છે તે દર્શાવવા મીડિયાને બોલાવી હતી અને માત્ર ઇન્ટરવ્યુ આપ્યા સિવાય તેમણે કંઇ જ કામગીરી કરી ન હતી.
રાણાજીથી વડોનારાવાસીઓ નારાજ પાલિકા ઓફિસ છે કે યુદ્ધભૂમિ...
રાણાજીથી વડોદરાની જનતા નારાજ છે..ભૂખી કાંસ ડાઇવર્ટ કરવાથી વિપક્ષ નારાજ છે. યોગ્ય કામગીરી નહી કરવા બદલ શાસક કેટલાક કોર્પોરેટર નારાજ છે અને હવે તો રાણાજીના છેલ્લા દિવસે પાલિકાના અધિકારીઓ અને ટેક્નિકલ વિંગ પણ નારાજ થઇ ગઇ છે. રાણાજીના છેલ્લા દિવસે ટેક્નિકલ વીંગના એન્જિનીયરો હડતાળ પર ઉતરી ગયા હતા. રાણાજીના કાર્યકાળની જનતામાં ખરાબ છાપ પડી છે. પાલિકા ઓફિસ છે કે યુદ્ધભૂમિ છે તે જ સમજાય તેમ નથી.
રાણાજી નવલાવાલાના નામે ચરી ખાય છે.
રાણાજી એટલા હોંશિયાર છે કે તેઓ નવલાવાલાના નામ પર માત્ર ચરી ખાય છે. જો આ વર્ષે પૂર ના આવ્યું તો તેઓ જશ પોતાના નામે લઇ જશે પણ જો ફરી પૂર આવ્યું તો તેતો હાથ ખંખેરી લેશે કે મે નવલાવાલા રિપોર્ટના આધારે કામગીરી કરી હતી. 2 વર્ષથી તેઓ વડોદરાના કમિશનર હતા ત્યારે તેમણે વરસાદી કાંસોની સફાઇ, નદીના ગેરકાયદેસરના દબાણો ના તોડ્યા પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે 9 માર્ચથી કામગીરી શરુ કરી અને પોતાની વાહવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જો આટલી જ સમજ હતી તો કમિશનર તરીકેના પહેલાં જ દિવસથી તેમણે વરસાદી કાંસોની સફાઇ, ડ્રેનેજની સફાઇ, ગેરકાયદેસરના દબાણો તોડવા, નદીને પહોળી અને ઉંડી કરવી , તળાવો ઉંડા કરવા જેવા કામો તેમણે શરુ કેમ ના કર્યા. જો તેમણે પહેલા દિવસથી જ કામ શરુ કરી દીધું હોત તો 2 વર્ષમાં 3 વખત પૂર ના આવ્યું હોત.
રાણાજીએ માટી કૌંભાડમાં બિલ્ડરોનો પણ છેલ્લે છેલ્લે બચાવ કર્યો
રાણાજીએ દાવો કર્યો કે વિશ્વામિત્રીમાંથી અત્યાર સુધી 56222એમક્યુબ માટી કાઢવામાં આવી છે અને અટલાદરા અને ટ્રાન્સપોર્ટનગર ગોલ્ડન ચોકડી ખાતે ઠલવાઇ રહી છે. કેટલીક માટી લોકોએ જે વિનંતી કરી તે મુજબ ઠાલવાય છે પણ રાણાજીએ એ ના કહ્યું કે કેટલા બિલ્ડરોએ આ માટીનો લાભ લીધો છે. ઉલ્લેખનિય છે કે નદીમાંથી નિકળેલા માટીના ડમ્પરો બિલ્ડરોના ખાનગી પ્લોટમાં પણ ઠલવાઇ રહ્યા છે. આ બિલ્ડરો માટીના પૈસા કોર્પોરેશનને ચૂકવે છે કે કેમ અને શું રેટ નક્કી કરાયો હતો તે જાહેર કરવામાં રાણાજી પ્રેસ કોન્ફરન્સમાં દુર રહ્યા હતા. જો તેઓ પ્રમાણિક છે તો તેમણે જાહેર કરી દેવું જોઇતું હતું કે રોજ આટલા ડમ્પરો બિલ્ડરોને ત્યાં ઠલવાય છે અને બિલ્ડરો પાસેથી આટલી રોયલ્ટી લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે રોજના 500 ડમ્પરો જો ઠલવાતા હોય તો માત્ર 150 ડમ્પરોની જ રોયલ્ટી ચુકવાય છે અને બાકીની માટીનો ચૂનો ચોપડવામાં આવે છે. આ બધી બાબતોનો ખુલાસો કરવા બાબતે રાણાજી દુર રહ્યા હતા.
તળાવો પુરવા બાબતે પણ રાણાજી મૌની બાબા બન્યા...
રાણાજીએ વાહવાહી કરતા કહ્યું કે શહેરના કેટલા તળાવોનો આઉટલેટ બનાવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તળાવોને લીંક કરવાની પણ કામગિરી કરાઇ રહી છે અને તળાવોને ઉંડા પણ કરાઇ રહ્યા છે. જો કે શહેરના તળાવો અદ્રષ્ય થઇ રહ્યા છે, તળાવોમાં પુરાણ કરાઇ રહ્યું છે અને તેની પર હાઇરાઇઝ બિલ્ડીંગો બની ગઇ છે તે બાબતે રાણાજી મૌન રહ્યા હતા. રાણાજીએ એ પણ વાત જાહેર કરવી જોઇતી હતી કે શહેરના તળાવો પુરાઇ ગયા છે. રાણાજીએ આ વાત જાહેર ના કરી કારણ કે તેમને ખબર છે કે આ વાતથી તેમની બદનામી થશે. એક સમયે તળાવો શહેરની રોનક હતી પણ બિલ્ડરોના મેળાપીપણામાં તળાવો પુરાઇ ગયા છે.
મહા નાળાની સફાઇ ના કરાવીને રાણાજીએ ઇગો સાચવ્યો...
રાણાજી વરસાદી કાંસોની સફાઇની મોટી મોટી ડંફાસો પ્રેસ કોન્ફરન્સમાં મારી રહ્યા હતા પણ તેમણે એમ ના કહ્યું કે મહાનાળાની સફાઇ ક્યારે શરુ થશે. આ એજ મહા નાળું છે જ્યાં છેલ્લા 15 કરતા વધુ દિવસોથી એક પંપ તેમના જ ઇગોના કારણે એમને એમ પડી રહ્યો છે. મહા નાળાની સફાઇ પણ હજું શરુ થઇ નથી અને આ જ મહા નાળું વગર ટેન્ડરે સાફ થઇ શકે છે તેવી ઉગ્ર રજૂઆતો કરીને કોર્પોરેટર આશિષ જોશીએ રાણાજીને સામાન્ય સભામાં ખખડાવી દીધા હતા અને તેમનો ઉધડો લઇ લીધો હતો. હવે રાણાજી તેનો રોષ રાખીને આ કામ જ અટકાવીને વિદાય થઇ ગયા છે અને મોટી મોટી વાતો કરનારા રાણાજીના કારણે આ વખતે પૂર્વ વિસ્તાર ફરી એક વાર જળબંબાકાર બનશે. રાણાજી.. તમને મહા નાળાની ખબર નહીં હોય કારણ કે આ નાળું છેલ્લા 30 વર્ષથી સફાઇ વીના જ રહ્યું છે અને તમારા પાસે મોકો હતો કે તમે આ નાળુ સાફ કરાવો તો પૂર્વ વિસ્તારના લોકોના આશિર્વાદ તમને મળ્યા હોત પણ રાણાજી પોતાના ઇગોમાં જ રહ્યા છે અને નાળાની સફાઇ આજ દિન સુધી તેમણે શરુ કરાવી નથી.




Reporter:







