વડોદરા કોર્પોરેશનના મ્યુનિ.કમિશનર દિલીપ રાણાજીના પીએની ભરતીનો વિવાદ હવે ઘેરાયો છે. કોર્પોરેશનની ભરતીમાં ક્યા ઉમેદવારોને લેવાનો છે તેનો તખ્તો અગાઉથી જ ગોઠવાઇ જતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પહેલા પસંદગી રાણાજી કરે છે અને પસંદગી કરે છે કે ક્યા ઉમેદવારને લેવાનો છે અને પછી સમગ્ર ભરતી પ્રક્રિયાનું નાટક કરવામાં આવે છે. ભરતી ઇચ્છુક ઉમેદવારો બિચારા એ આશામાં ભરતી પ્રક્રિયામાં ભાગ લે છે કે એમની લાયકાત છે એટલે આ ભરતીમાં તેઓ પસંદ થઇ જશે પણ તેમને ખ્યાલ હોતો નથી કે ઉમેદવારની પસંદગી તો ક્યારનીય રાણાજીએ કરી દીધી છે અને આ તો ખાલી સરકારને અને વડોદરાની પ્રજાને તથા પદાધીકારીઓને બતાવવા માટે કરાયેલું નાટક છે. નોકરી શોધી રહેલા ભણેલાગણેલા બેરોજગાર યુવાનો તો રાણાજીના આ નાટકમાં સપડાઇ જાય છે. રાણાજી અગાઉથી જે ઉમેદવારને લેવાનો છે તેની પસંદગી કરી લે છે અને ત્યારબાદ ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારોને યેનકેન પ્રકારે કોઇ પણ બહાના ધરી રિજેક્ટ કરી દેવામાં આવે છે. તેવું સમગ્ર કોર્પોરેશન સંકુલમાં ચર્ચાઇ રહ્યું છે.

કમિશનર રાણાજીએ પોતાના પીએ તરીકે બિનઅનુભવી વ્યક્તિની ક્યા આધારે પસંદગી કરી છે તેવો જવાબ આપી શકે તેવી હાલતમાં જ નથી. થોડા જ દિવસો પહેલાં તેમણે આ જ પ્રકારે બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવી દીધો છે. ચીફ ફાયર ઓફિસર નો વિવાદ હજી શમ્યો નથી કે, રાણાજીના પી.એ નો ભરતીના વિવાદ સામે આવ્યો છે, ચીફ ફાયર ઓફિસરને પણ કોઈ અનુભવ વગર વડોદરાના નાગરિકો પર થોપવામાં આવ્યો છે. તેને ફુલ ટાઈમ ફાયર ઓફિસર નો અનુભવ જ નથી. નવાઇની વાત એ છે કે આટલા મહત્વના હોદ્દા માટે ઉમેદવાર મનોજ પાટીલ ઓનલાઇન ફોર્મમાં જો ભૂલ કરે તો પણ રાણાજી દ્વારા તેમને ડિસ્કોલીફાઇ પણ કરવામાં આવતો નથી. તમને જણાવી દઇએ કે ફાયરનું કામ ફક્ત આગ ઓલવાનું નથી, બીજા ઘણા કામ ફાયર વિભાગ કરતો હોય છે. આ જ પ્રમાણે રાણાજીના પીએ અમિત થોરાટની ભરતીમાં પણ કોર્પોરેશન માટે નક્કી કરાયેલા ભરતી ના નિયમ નો પણ ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. જે કોઈપણ ઉમેદવાર ખરેખર આ હોદ્દા માટે લાયક છે તેની સામે અન્યાય થયો છે. સીધી ભરતીના નિયમો મુજબ પીએ ટુ કમિશનર માટે ફોર્મ ભરનારા ઉમેદવારને પાંચ વર્ષનો અનુભવ જોઈએ પરંતુ અમિત થોરાટ પાસે એ અનુભવ નથી. તેમના વર્ક પ્રોફાઇલમાં કોઈપણ એવો અનુભવ દેખાતો નથી. અને તેથી જ શંકા થઇ રહી છે કે કમિશનર રાણાજી પોતે જેને ઇચ્છે તેને કોર્પોરેશનમાં નોકરી અપાવી શકે છે. ભલે પછી તેની કોઇ લાયકાત હોય કે ના હોય. કોઇ અનુભવ હોય કે ના હોય. ભરતીના નિયમોનો તેઓ જાણે કે ઘોળીને પી ગયા છે. ચીફ ફાયર ઓફિસરનો વિવાદ સર્જાયા બાદ કમિશનર તપાસ કરવામાં આવી રહી છે તેવું જણાવે છે પણ તપાસ શું થઇ અને તપાસનો શું નિષ્કર્ષ નિકળ્યો તે જણાવવા તૈયાર નથી. કદાચ તેઓ એમ માની રહ્યા છે કે તેઓ કોઇ પણ ને જવાબ આપવા બંધાયેલા નથી અને એનો મતલબ એ છે કે તેઓ પોતાને જ સરકાર સમજી રહ્યા છે. કમિશનર રાણાજી એ ભુલી જાય છે કે તેઓ રાજ્ય સરકારના અધિકારી છે. રાજ્ય સરકાર તેમને પગાર ભથ્થું અને સાયરન વગરની ગાડી આપે છે. રાજ્ય સરકાર આ બધુ એટલા માટે આપે છે કે વડોદરાવાસીઓના ટેક્ષના નાણા સરકાર પાસે જાય છે સરકાર એ ટેક્ષમાંથી જેમ અન્ય કર્મચારીઓને પગાર ચુકવે છે તેમ રાણાજીને પગાર ચુકવે છે તેથી રાણાજીએ હવે આ બધુ બંધ કરીને તેમણે જે આ પ્રકારે ભરતી કરી છે તે રદ્ કરવી જોઇએ નહીંતર ગમે ત્યારે રાજ્ય સરકારની તપાસ આવી જ ગઇ તેમ સમજો....
કમિશનરે ફોન કાપી નાખ્યો...પીએની ભરતી બાબતે મ્યુનિ.કમિશનર દિલીપ રાણાને ફોન કર્યો તો તેમણે કહ્યું કે તમે બધુ છાપી જ નાંખ્યું છે ને..તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. કમિશનર રાણાજી હવે આ બાબતે કોઇ જવાબ આપવા માગતાં ના હોય તેમ તેમના જવાબ પરથી લાગ્યું હતું.
હાલમાં એમનાં રાજમાં જેટલી ભરતી થઈ છે તેમાં પણ તપાસ થવી જોઈએ...જે રીતે પીએ ટુ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરની ભરતીનો વિવાદ ચગ્યો છે તે જોતાં હવે કોર્પોરેશનમાં થયેલી તમામ ભરતીની ઉંડાણપૂર્વક તપાસ થવી જરુરી છે. આ તપાસ થશે તો ચોંકાવનારી માહિતીનો પર્દાફાશ થઇ શકે તેમ છે.
આ ભરતીમાં 04-07-2023થી 23-07-2023 દરમિયાન ભરતીનું જે નાટક કરાયું હતું તેમાં ભરતી કરાયેલા
*એન્ટોમોલોજીસ્ટ,
કેમિસ્ટ,
ડે.ચીફ ઓફિસર (ફાયર)
નાયબ કાર્યપાલક ઇજનેર (પ્લેનેટોરિયમ)
ટ્રેનીંગ ઓફિસર,
લેબર વેલ્ફેર કમ એડમિનીસ્ટ્રેટીવ ઓફિસર,
એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર,
પીએ ટુ મ્યુનિસીપલ કમિશનર,
સ્ટોર સુપરીટેન્ડેન્ટ (સેન્ટ્રલ સ્ટોર)
મટીરીયલ ઓફિસર (પરચેઝ)નો સમાવેશ થાય છે.*
આ 10 ભરતીમાં જે ઉમેદવારો પસંદ કરાયેલા છે તે ક્યા લાયકાત અને અનુભવના છે અને પાલિકાની ભરતનીના નિયમો મુજબ તેમની પસંદગી થઇ છે તેની ઉંડી તપાસ થવી જરુરી છે.
રાણાજીના સમયમાં ભ્રષ્ટ અધિકારીઓ/સસ્પેન્ડ કરાયેલાને પરત લેવાયા સમગ્ર કોર્પોરેશનમાં અત્યારે ભરતીનો વિવાદ ખુબ જ ચર્ચાસ્પદ બન્યો છે. જે રીતે પીએ ટુ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરની નિમણુક કરાયેલી છે તે જ રીતે જે ભ્રષ્ટ અધિકારીઓ કે જે તે વખતે સસ્પેન્ડ કરાયેલા હતા તેમને મ્યુનિ.કમિશનર રાણાજીના સમયમાં પરત લેવાયા છે. તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો હતો તેઓ હવે પરત પાલિકામાં કચેરીઓમાં લાટસાહેબ બનીને બેસી ગયા છે. ચર્ચાતી માહિતી મુજબ રાણાજીના સમયમાં કેટલાક એવા કોન્ટ્રાક્ટરો પણ છે જેમને બ્લેકલિસ્ટ કરાયેલા હતા તેમને પણ કામો મળવા માડ્યા છે.
જે પણ વ્યક્તિ જોડે અન્યાય થયો હોય એ અમારો સંપર્ક કરી શકે છે. પાલિકાનો કર્મચારી હોય કે બહારનો ઉમેદવાર હોય...કોર્પોરેશનમાં વખતો વખત જે પણ ભરતી થઇ છે તેના પર હવે શંકા વ્યક્ત કરાઇ રહી છે. વહાલા દવલાની નીતિ મુજબ ઉમેદવારની લાયકાત હોય કે ના હોય, તેનો અનુભવ હોય કે ના હોય પણ તેવા ઉમેદવારને પસંદગી કરી દેવાય છે જેનો સીધો દાખલો પીએ ટુ કમિશનરની ભરતી અને ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં જોવા મળ્યો છે અને તેના કારણે લાયકાતવાળા તથા પાલિકાના નિયમો મુજબ યોગ્ય અનુભવવાળા ઉમેદવારો સાથે અન્યાય થયો છે. આવા જે કોઇ ઉમેદવાર કે પછી તે પાલિકાનો કર્મચારી હોય કે બહારનો ઉમેદવાર હોય જેની સાથે અન્યાય થયો હોય તે ગુજરાતની અસ્મિતાનો સંપર્ક કરી શકે છે. અમે તેમની વેદના અને તેમની સાથે કરાયેલી છેતરપિંડી ઉજાગર અચૂક કરીશું.
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનાં સમયગાળા વખતે અમિત થોરાટ સસ્પેન્ડ થતાં બચ્યા હતા અને માત્ર બદલી થઈ હતી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ વખતે અમિત થોરાટ તેમના ઈન્ચાર્જ પીએ હતા અને તે વખતે પણ તેઓ વિવાદમાં આવ્યા હતા.અગાઉના મ્યુનિ. કમિશનર શાલીની અગ્રવાલ અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવનો CR (વાર્ષિક અહેવાલ ) બાબતનો વિવાદ થયો હતો. જોકે તે બાબત ઠપકો આપતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે REF . આપતા પૂર્વ મ્યુનિ કમિશનરને ખબર પડી હતી. જોકે ત્યારબાદ અમિત થોરાટે એ મહત્વના ગુપ્ત દસ્તાવેજો- ગુપ્ત રિપોર્ટને સગેવગે કરી નાખ્યા હતા. આ બાબતે ગાંધીનગરમાં ફરિયાદ કરતા આકરા પગલાં લેવાની વાત આવી ગઈ હતી.આખરે બદલી કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યારબાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તેમને સસ્પેન્ડ કરવાના હતા પણ તેમને અન્ય વિભાગોમાં વિભાગમાં બદલી કરી દીધી હતી. સમગ્ર કાંડમાં નેતાઓની સંડોવણી ખુલતા આખરે ભીનુ સંકેલાઇ ગયું હતું.
મનમાની પ્રમાણે પીએ ના બદલાય...અગાઉના મ્યુસીપલ કમિશનરો માનીતા પીએ લાવવામાં અનેક હથકંડા કર્યા છે. રવિ પંડ્યા જે એક્ઝિટિવ એન્જિનિયર હતા, તેમને પી( ટેકનીકલ) તરીકે રાખવામાં આવ્યા હતા, જે તે સમયના કમિશનર આવતા રવિ પંડ્યાનું મહત્વ વધી ગયું હતું, રવિ પંડ્યા ટેકનિકલ પીએ ને ગાડી પણ આપવામાં આવી હતી. અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરો હોય ટેકનિકલ પીએની આગળ પાછળ પોતાનું કામ કરાવવા આગળ પાછળ ફરતા હતા. રવિ પંડ્યાએ હોદ્દાનો પુરો દુરુપયોગ કર્યો હતો.પીએ ટેકનિકલનો હોદ્દો ધરાવતા રવિ પંડ્યા કમિશનરને મહત્વની ટેકનિકલ બાબતો અંગે બ્રિફ કરતા અને તેના આધારે નિર્ણય થતો હોવાથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ આવી બાબતોમાં પહેલા રવિ પંડ્યાને મળતાં અને તેમને યોગ્ય રીતે સમજાવવામાં આવતા હતા અને ત્યારબાદ મામલો કમિશનર સુધી જતો હતો. અહીં સમજાવવાનો અર્થ દરેક વાચક સમજી જ શકે છે. પાલિકામાં એવા ઘણા અધિકારીઓ છે જેમને યોગ્ય રીતે સમજાવવામાં આવે તો સમજી જાય છે. જો કે પાપનો ઘડો આખરે ફૂટી ગયો હતો અને જે તે સમયે હોબાળો થયો હતો અને બેફામ ભ્રષ્ટાચાર થતાં રવિ પંડ્યાની બદલી કરી દેવાઇ હતી અને ટેકનિકલ પીએ ની પોસ્ટ જ બંધ કરી દેવાઇ હતી ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક પણ વિવાદોના ઘેરામાં છે. તેઓ આરઆર મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા જ નથી. પાલિકાની સામાન્ય સભાએ પણ મનોજ પાટીલની નિમણુકની કમિશનરે કરેલી દરખાસ્તને નામંજુર કરી દીધી હતી પણ ત્યારબાદ એવું કંઇક થયું કે સામાન્ય સભાએ પણ બહાલી આપી હતી. પરંતુ પાલિકાના આરઆર મુજબ નિયમોનો ભંગ કરનારા મનોજ પાટીલને અત્યાર સુધી કમિશનર રાણાજીએ કેમ ડિસ્ક્વોલીફાઇ કર્યા નથી તેવો સવાલ શહેરભરમાં પુછાઇ રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર તો હવે સંપર્ક વિહોણા થઇ ગયા ચીફ ફાયર ઓફિસરની ભરતીનો વિવાદ ચગ્યો છે ત્યારે હવે તેઓ આ બાબતે કોઇ પણ સવાલનો જવાબ આપવાથી ભાગી રહ્યા છે. સતત 2 દિવસથી તેમનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવી રહ્યો છે પણ તેઓ ફોન રીસીવ કરતા જ નથી. કારણ કે તેમને ખબર છે કે તેમને જવાબો આપવા પડશે. તેમની પાસે તેમની જ લાયકાત કે અનુભવ નો જવાબ નથી. તેઓ ગુજરાત યુનિ.ની કઇ કોલેજમાં ભણેલા છે. તમને જો 2014માં ડિગ્રી મળી તો 2013 માં નોકરી કેવી રીતે જોઈન કરી..તમારું ભણતર ગુજરાતમાં અને નોકરી મહારાષ્ટ્રમાં કેવી રીતે કરી તેવા ઘણા સવાલોના મનોજ પાટીલ પાસે જવાબ નથી અને તેથી જ જવાબ આપવો ના પડે તેથી તેઓ ફોન રિસીવ કરી રહ્યા નથી.
બોલો..પ્લેનેટોરિયમના શો તો ચાલતા નથી અને પાલિકા ત્યાં પણ ભરતી કરવાનો પ્રયત્ન કરે છે કોર્પોરેશન દ્વારા સયાજીબાગમાં વર્ષોથી પ્લેનેટોરિયમ બનાવવામાં આવ્યું છે પણ ઘણા વર્ષોથી પ્લેનેટોરિયમની હાલત ખરાબ થઇ ગઇ છે. આજે નાના બાળકો પણ આ પ્લેનેટોરિયમ નિહાળવાની ઇચ્છા ધરાવતા નથી કે તેમના માતા પિતા પણ પોતાના બાળકોને આ પ્લેનેટોરિયમની મુલાકાતે લઇ જતા નથી કારણ કે પ્લેનેટોરિયમ યોગ્ય રીતે કામ જ કરતું નથી ત્યાં પુરતા શો પણ ચાલતા નથી. આમ છતાં પાલિકા દ્વારા ડેપ્યુટી એન્જિનીયર (પ્લેનેટોરિયમ)ની જગ્યા માટે ભરતી પ્રક્રીયા કરવામાં આવી છે અને તેમાં પણ 14 ઉમેદવારોને એક યા બીજા કારણોસર રીજેક્ટ કરી દેવાયા છે . જો કે સવાલ એ છે કે પાલિકાનું સયાજીબાગમાં આવેલું પ્લેનેટરીયમ કામ જ જો કામ ના કરતું હોય અને પુરતા શો ચાલતા જ ના હોય તો ડેપ્યુટી એન્જિનિયર ( પ્લેનેટેરીયમ ) ની ભરતી કોની માટે ? રાણાજીને પુછે કોણ ?
Reporter: admin