દેવાધી દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના દિવસે નીકળનારી શિવજી કી સવારીને પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા સમગ્ર યાત્રાના રુટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત અઢી હજારથી વધુ પોલીસનો કાફલો સમગ્ર યાત્રાના રુટ પર તૈનાત રહેશે. આ સાથે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શિવજીની સવારીના રૂટ ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયાને જણાવ્યું કે, અમે શિવજી કી સવારીને લગતી તૈયારી કરી દીધી છે. તે સિવાય કેટલાક મુદ્દાઓને અન્ય વિભાગો સાથે સંકલન પણ કરાયું છે. આજે શિવજી કી સવારી શોભાયાત્રા અને મહાશિવરાત્રીના પર્વે 160થી વધુ સ્થળોએ મહાઆરતી પણ છે. તેમણે કહ્યું કે સમગ્ર પૂર્વ સુચારુરુપે પૂર્ણ થાય તે માટે પોલીસે વિવિધ વિભાગો સાથે સંકલન કર્યું છે. આજે સમગ્ર રુટનું નિરીક્ષણ પણ કરાયું છે અને બંદોબસ્ત સહિતની ચકાસણી કરીને ચેકીંગ પણ કરાયું છે. આવતીકાલે મુખ્ય ઇવેન્ટ શિવજી કી સવારીની છે. સવારીના 5 કિમીના રુટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.તેમણે કહ્યું કે સમગ્ર યાત્રામાં ડીસીપી, એસીપી, 25 પીઆઇ અને 2 હજારથી વધુ પીએસઆઇથી માંડીને પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે અને બધા શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે સાથે જ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કટિબદ્ધ છીએ.

કોઇ પણ ઇમરનજન્સી માટે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પણ તૈનાત રહેશે. સુરસાગર તળાવ ખાતે મહાઆરતી વખતે પણ તરવૈયા સાથેની તૈયારીઓ કરાઇ છે. તેમણે કહ્યું કે સમગ્ર રુટમાં ટ્રાફિક નિયંત્રણ માટે જાહેરનામુ બહાર પડાયું છે. બપોરે 3.30થી રાત્રે 9.30 સુધી યોગ્યસ્થળે પાર્કીંગ કરી સલામત સ્થળો પર દર્શન કરવા ભેગા થાય તેવી અપીલ છે. કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય અને નિરંતર યાત્રા ચાલે અને દરેકને દર્શન કરવાની તક મળે તે માટે દરેકે ભાવના રાખવી જોઇએ. પોલીસ વિભાગ આ યાત્રા શાંતિપૂર્ણ યાત્રા પુર્ણ થાય તે માટે ખડે પગે રહેશે એસઆરપી પણ તૈનાત રહેશે. ઋણ મુક્તેશ્વર મહાદેવ ખાતેથી નમતી બપોરે શિવજીની સવારી નીકળતી હોય છે. ત્યારે તૈયારીના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે સવારથી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઇને ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી રોડ અને આરાધના સિનેમા રોડ ઉપરના લારી-પથારા તેમજ લટકણીયાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા બે ટ્રક ઉપરાંતનો સામાન જપ્ત કર્યો હતો.

Reporter: admin