*વડ઼ોદરાવાસીઓ અત્યારથી જાગી જજો..ખુદ રાણાજી કહે છે કે વડોદરામાં પૂર તો આવશે પણ અસર ઓછી થશે
વિશ્વામિત્રી નદીમાં હવે પૂર ના આવે તે આશયથી વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક કામો 100 દિવસમાં પૂરા કરવાના નિર્ધાર સાથે શરુ તો કરાયા છે પણ જે રીતે આ કામો સફળતાપૂર્વક થશે કે કેમ તેની પર વડોદરાવાસીઓની ખાસ નજર રહી છે કારણ કે આ વખતે તો કોઇ પણ સંજોગોમાં વડોદરાવાસીઓ પૂરથી થનારા નુકશાનને ખમવા માટે હવે તૈયાર નથી કે વડોદરાવાસીઓ પાસે તેટલા પૈસા પણ નથી.

*અમદાવાદથી થતું મીડિયા મેનેજમેન્ટ*
*જો કે પૂર નહીં જ આવે તેની કોઇ ગેરન્ટી કમિશનર આપતા નથી*
જો કે વડોદરાવાસીઓને હંમેશા ઉલ્લુ બનાવનાર કમિશનર ફરી હવે લોકોને એકવાર વિશ્વામિત્રીના નામે ઉલ્લુ બનાવવા નિકળ્યા છે. તેમણે ગોઠવેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એવો દાવો કરેલો છે કે 100 દિવસમાં અમે એવું કામ કરીને બતાવીશું કે નદીમાંથી પૂરનું 40 ટકા પાણી સડસડાટ નીકળી જશે. જો કે પૂર નહીં જ આવે તેની કોઇ ગેરન્ટી કમિશનર રાણાજી આપતા નથી એટલે કોઇ એમ ના સમજતા કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 100 દિવસમાં જે કામો કરાશે તેનાથી વડોદરામાં હવે પૂર જ નહી આવે. આ ગોઠવેલા ઇન્ટરવ્યુમાં રાણાજીએ ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતીમાં પહોંચી ના વળાય તેમ કહીને કુદરત પર છોડી દીધું હતું, તેમણે ઇન્ટરવ્યુમાં એમ કહ્યું હતું કે નદીમાં આવતા પૂરથી અસર ઓછી થાય, લોકોને ઓછી હાલાકી પડે, ઓછું નુકશાન થાય તેવા અમારા પ્રયાસ છે. તેમણે એમ પણ કહ્યું કે ગયા વર્ષે જે પૂર આવ્યું તે કુદરતનું રૌદ્ર સ્વરુપ હતું અને પાણીનું વોલ્યુમ એટલું બધુ કે ઘણા બધા લોકોને તેની અસર થઇ હતી અને એમ કહીને બધો દોષનો ટોપલો કુદરત પર છોડી દીધો હતો. તેમણે એમ કહ્યું કે નદીની કેપેસીટી 10 થી 12 ઇંચ વરસાદ ખમવાની છે અને જાળાશયોની સેફ્ટી માટે પાણી છોડવું પડે છે. અમે કમિટીની ભલામણોના આધારે પ્લાન તૈયાર કરેલો છે અને તેનો અમલ થશે તો ઘણા અંશે પૂરથી રાહત મેળવી શકાશે. એટલે કમિશનર કોઇ ગેરન્ટી લેવા તૈયાર નથી. તેમણે એવો દાવો કર્યો કે નદીની વહન ક્ષમતા વધારીશું જેથી પાણી સડસડાટ નીકળી જાય. તેમણે દાવો કર્યો કે આ એક જ એક્ટિવીટીથી ફ્લડમાં 40 ટકાથી રાહત થશે. એટલે વડોદરાવાસીઓ તમે જાગી જજો કે વડોદરામાં આવતા વર્ષે જો જોરદાર વરસાદ આવ્યો તો 60 ટકા પૂર આવવાની શક્યતા તો છે જ. ખુદ પાલિકાના કમિશનરે અત્યારથી જ કહી દીધું છે. તેમણે આ ગોઠવેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે 15 જૂન સુધીમાં તો અત્યારે શરુ કરાયેલા કામો પુરા જ થઇ જશે. ગોઠવેલા ઇન્ટરવ્યુમાં સવાલ કરનારે એમ પુછ્યું કે હવે પૂર નહી આવે તેમ તમને લાગે છે ત્યારે રાણાજીએ ચહેરા પર કોઇ શરમ કે સંકોચનો ભાવ રાખ્યા વગર જણાવ્યું કે અમે 100 દિવસ અને રાત કામ કરીશું અને જરુરી મશીનરી મુકીશું પણ સાયન્ટીફીક રીઝન મુજબ 40 ટકા કામ થશે અને પૂર આવશે તો ઓછી અસર થશે તેની ગેરન્ટી છે.જો વધારે વરસાદ આવશે તો નહી થઇ શકે.

રાણાજી ભલે કમિટમેન્ટ આપે પણ શક્યતા નહીવત છે.સરકારી રાહે કામગીરી ચાલે છે.રાણાજીનો ૧૦૦ દિવસનો જુમલો છે. વડોદરા શહેરની કાંસોનું કામકાજ પણ હજી હાથ ઉપર લીધું નથી. ચારે ઝોનમાં ઇન્ટર્નલ કાંસનું નેટવર્ક હજી સુધી ક્લીન થયું નથી.ખાલી વિશ્વામિત્રી સાફ કરવાથી જ, પૂરનાં પાણી રોકાવાનાં નથી. તેવું માનવાની જરૂર નથી
*વિશ્વામિત્રીમાં દબાણો જ નથી*
ગોઠવેલા ઇન્ટરવ્યુમાં રાણાજીએ કહ્યું કે અમે વિશ્વામિત્રીમાં ડ્રોન સર્વે કરાવ્યો હતો અને અમને ક્યાંય દબાણ જોવા જ મળ્યું નથી. તેમણે એમ કહ્યું કે ગયા વર્ષે જે પૂર આવ્યું ત્યારે અમે ડ્રોન સર્વે કરાવ્યો હતો તેમાં નદીની વચ્ચે કોઇ દબાણના કારણે પૂર આવ્યું હોય તેવું જોવા મળ્યું નથી. અરે કમિશનર સાહેબ...નદીની વચ્ચે કોઇ દબાણ નથી એ તો આખા વડોદરાને ખબર છે પણ નદીની આસપાસ તેના કિનારાઓ પર જે અગોરા મોલ સહિતના માલેતુજારોના ગેરકાયદેસરના દબાણો છે તે તમને ડ્રોનમાં ના દેખાયા તેવો સવાલ લોકો કરી રહ્યા છે. ભલા માણસ, નદીની વચ્ચે તો દબાણ ના જ હોય ને ..તેમણે એમ પણ કહ્યું કે નદીની આસપાસ કોઇ દબાણો જ નથી અને જે થોડા હશે તેને તોડી નાખ્યા છે અને હજું પણ તોડી નખાશે. તેમણે એવું ચોખ્ખુ આ ગોઠવેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે વિશ્વામિત્રીમાં દબાણોના કારણે પૂર આવ્યું નથી. નાદાન કમિશનરનો આવો જવાબ સાંભળી વડોદરાવાસીઓ પણ વિચારે છે કે તો પછી પૂર આવ્યું કેવી રીતે.

Reporter:







