ઈસ્લામાબાદ: ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી અને ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવના ઈરાનમાંથી અપહરણમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને મદદ કરનારા મુફ્તી શાહ મીરની પાકિસ્તાનમાં હત્યા થઈ ગઈ છે.
બલૂચિસ્તાનના તુરબતમાં શુક્રવારે રાતે અજ્ઞાાત બંદૂકધારીઓએ ગોળી મારીને મુફ્તી શાહ મીરની હત્યા કરી હતી. આ સાથે પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાત્માની કામગીરી યથાવત્ રહી છે.મુફ્તી શાહ મીર બલુચિસ્તાનના તુરબતમાં તરાવીહની નમાઝ પછી મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાઈક સવાર હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીઓ ચલાવીને તેને ઠાર કરી દીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મોત થઈ ગયું હતું.મીર ઈસ્લામિક કટ્ટરપંથી પાર્ટી જમીયત ઉલેમા-એ-ઈસ્લામનો સભ્ય હતો. તે આઈએસઆઈના નેતૃત્વવાળી ડેથ સ્ક્વોડ સાથે પણ સંકળાયેલો હતો.
અનેક બલૂચ યુવાનોના અપહરણ અને હત્યામાં તેની ભૂમિકા હતી. માનવ અને હથિયારોની તસ્કરીમાં સંડોવાયેલ મુફ્તી મીર બલૂચિસ્તાનમાં ધાર્મિક કટ્ટરવાદ ફેલાવતો હતો. માર્ચ ૨૦૧૬માં જૈશ અલ-અદલના મુલ્લા ઉમર ઈરાનીના નેતૃત્વવાળા એક જૂથે ભારતીય ઉદ્યોગપતિ અને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાન-પાકિસ્તાન સરહદેથી અપહરણ કરી લીધું હતું. મીર સહિત અનેક વચેટીયાઓના માધ્યમથી જાધવને પાકિસ્તાનના સૈન્યને સોંપી દેવાયા હતા. જાધવ હજુ પણ પાકિસ્તાની જેલમાં છે. વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાનની કોર્ટે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, ભારતની અપીલ પછી આંતરરાષ્ટ્રીય કોર્ટે નવેમ્બર ૨૦૧૯માં તેમની ફાંસી પર સ્ટે લગાવી દીધો હતો. પાકિસ્તાન હજુ પણ જાધવની સજાની સમીક્ષા કરી રહ્યું છે અને તેમને કોન્સ્યુલર એક્સેસ આપવા આદેશ કરાયો છે.
Reporter: admin